માની તંદુરસ્તીથી માંડીને મા સાથેના સંબંધોમાં મીઠાશ અકબંધ રહે એવું ઇચ્છતા હો તો ચંદ્રને શક્ય હોય એટલો પ્રબળ કરવો જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ચંદ્રનું પ્રતિનિધિત્વ મા કરે છે. માનું પ્રતિનિધિત્વ ચંદ્ર કરે છે અને એટલે જ કહેવાતું રહ્યું છે કે જો વ્યક્તિ પોતાનો ચંદ્ર મજબૂત કરે તો માની તંદુરસ્તીથી માંડીને મા સાથે મીઠાશભર્યા સંબંધો અકબંધ રહે અને સાથોસાથ માતૃભૂમિથી પણ લાભ થતો રહે. ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. ચંદ્ર મસ્તક પર રાજ કરે છે અને એટલે જ જો તમે ચંદ્ર પર કાબૂ ન મેળવો તો અશાંતિ, વિમાસણ, મૂંઝવણ અને દુવિધાની અવસ્થા તમારે ભોગવવાની આવી શકે છે. ધારો કે તમે ચંદ્રને કાબૂમાં કર્યો તો તમે કોઈ પણ કટોકટીવાળી અવસ્થામાં પણ મગજને કાબૂમાં રાખીને સ્વસ્થતા સાથે નિર્ણય લેવાને સક્ષમ બનો છો. ચંદ્રનો સ્વભાવ દરિયા જેવો છે. તે સતત ભરતી અને ઓટ આપવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં પણ જો મહત્તમ ભરતી જોઈતી હોય એટલે કે વિકાસશીલ વિચારધારા જોઈતી હોય તો તમારે ચંદ્રને વધુ ને વધુ મજબૂત કરવો જોઈએ.
ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્ર આધારિત છે, જે દર્શાવે છે કે માનવના જીવનમાં ચંદ્રનું મહત્ત્વ કેટલું અદકેરું છે. ચંદ્રને કાયમી ધોરણે મજબૂત બનાવવાના કેટલાક સરળ રસ્તાઓ નીચે મુજબના છે.
ADVERTISEMENT
કરો મહાદેવની પૂજા
ચંદ્ર અને મહાદેવને સીધો સંબંધ છે. તમે જોયું હોય તો મહાદેવની જટામાં બીજનો ચંદ્ર જોઈ શકાય છે. ચંદ્ર અને મહાદેવનો વાર પણ એક જ છે, સોમવાર અને ચંદ્ર તથા મહાદેવને પ્રસન્ન કરવાની વિધિમાં પણ મહાદેવ નિમિત્ત બને છે. સોમવારે મહાદેવ પર દૂધનો અભિષેક કરવાથી ચંદ્ર મજબૂત બને છે તો સાથોસાથ સોમવારના દિવસે ઘરે રાખેલા મંદિરની સફાઈ કરવાથી પણ ચંદ્ર મજબૂત બને છે તો ચંદ્રને મજબૂત કરવા માટે સોમવારે ગાયને બાફેલા ચોખા કે શેરડી ખવડાવવાથી પણ ચંદ્ર પ્રભાવશાળી બને છે.
નિયમિત રીતે મહાદેવને દૂધનો અભિષેક કરવાથી માતાનું આયુષ્ય વધે છે અને તેનું જીવન સુખમય બને છે. જો કોઈની માતા લાંબી બીમારી ભોગવતી હોય તો તેણે આ રસ્તો ખાસ વાપરવો જોઈએ.
ચંદ્ર માટે પાણી છે શ્રેષ્ઠ
વધુમાં વધુ પાણી પીવું એ પણ ચંદ્ર માટે હિતદાયી છે. ચંદ્ર અને પાણીને સીધો સંબંધ છે. સવારે જાગીને સૌથી પહેલાં પાણી પીવામાં આવે અને એ પાણી પીતાં પહેલાં જો મનોમન તમારા ઇષ્ટદેવનું નામ લેવામાં આવે તો એનાં સકારાત્મક પરિણામો મળતાં હોય છે. સવારે જે રીતે પાણી પીધું એ જ રીતે રાતે પણ ઈષ્ટદેવનું સ્મરણ કરીને પાણી પીવામાં આવે તો મગજ શાંત થાય છે અને શાંત મગજની પહેલી સારી અસર એ છે કે એનાથી સાઉન્ડ સ્લીપ મળશે.
જો કોઈને મા સાથે અણબનાવ હોય કે મા સાથેના સંબંધોમાં કડવાશ હોય અને એને લીધે અબોલા હોય તો તેણે આ રસ્તો ખાસ વાપરવો જોઈએ. પાણી વ્યક્તિગત રીતે તો લાભ કરશે જ પણ સાથોસાથ પરસ્પર મનમાં રહેલી કડવાશને પણ દૂર કરવાનું કામ કરશે. આ પરિણામ મેળવવા માટે જો ચાંદીના ગ્લાસમાં પાણી પીવામાં તો અતિ ઉત્તમ.
કરો ચંદ્રદર્શન નિયમિત
ચંદ્રને મજબૂત કરવાનો સૌથી અસરકારક જો કીમિયો હોય તો એ ચંદ્ર-ત્રાટક છે. એક પણ પ્રકારનો પ્રકાશ ન હોય એવી જગ્યાએ બેસીને ચંદ્ર સામે ત્રાટક કરવાથી ચંદ્રની પ્રકાશ-ગરિમા આંખો વાટે શરીરમાં ઊતરે છે. આ ઉપરાંત ચંદ્રના પ્રકાશમાં અને ઓછામાં ઓછો અન્ય પ્રકાશ આવતો હોય એવી જગ્યાએ આકાશની નીચે સૂવું પણ ચંદ્રને મજબૂત કરવાનું કામ કરે છે. જોકે મુંબઈ જેવાં શહેરોમાં ટેરેસનો અભાવ હોવાથી આ રીત અપનાવવી અઘરી છે પણ એવું હોય તો વર્ષમાં બેથી ત્રણ દિવસ માટે માથેરાન જેવા હિલ સ્ટેશન પર જઈને ત્યાં કૉટેજની બહાર સૂઈને પણ ચંદ્રને ઉજાગર કરવાની પ્રક્રિયા કરવી જોઈએ.
ચંદ્રનો સીધો પ્રકાશ લેવાથી કે ચંદ્ર-ત્રાટક કરવાથી માતાના મનને શાંતિ મળવા ઉપરાંત મળતા માતાના પ્રેમમાં પણ વૃદ્ધિ થાય છે.
સોમવારે કરો દાન
ચંદ્રને પ્રસન્ન કરવા માટે સોમવારે દાન કરવું જોઈએ. આ દાનમાં મહત્તમપણે સફેદ કલરની હોય એવી ચીજવસ્તુ કે આઇટમનું દાન હોવું જોઈએ. આ ઉપરાંત સોમવારે કોઈને પીવડાવેલું પાણી પણ બહુ ઉમદા ફળ આપે છે. જો દાન આપવાની વાત આવે તો પ્રયાસ કરવો કે દાનમાં ચોખા આપવા. ચોખા અને ચંદ્રને સીધો સંબંધ છે.
ચોખા દાન કરવાથી માતા પરથી ઘાત દૂર થાય છે તો નાની ઉંમરની કન્યાને દૂધનું દાન આપવું કે તેને દૂધ કે વાઇટ કલરનો આઇસક્રીમ ખવડાવવો પણ માના સ્વાસ્થ્ય માટે લાભદાયી પુરવાર થાય છે. જો સોમવારના દિવસે મહાદેવને મોગરાનાં ફૂલ અર્પણ કરવામાં આવે તો એનાથી માતાની સમૃદ્ધિ વધે છે.

