ત્રણ વર્ષ કે એનાથી વધારે સમયથી વપરાયા વિનાની જો કોઈ ચીજ ઘરમાં પડી હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ એનો નિકાલ કરવો જરૂરી છે
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
જૂની ચીજવસ્તુ હટાવવાનો સીધો અર્થ છે કે નવી તકને ઘરમાં પ્રવેશ માટે પરમિશન આપવી. આ નિયમનું પાલન દરેક ઘર કે ઑફિસમાં થવું જોઈએ. ત્રણ કે ત્રણથી વધારે વર્ષોથી જેનો ઉપયોગ નથી થયો એ તમામ ચીજવસ્તુ નકામી છે એવું વાસ્તુશાસ્ત્ર કહે છે. અલબત્ત, દાગીના અને ડાયમન્ડ જેવી પ્રેશિયસ મેટલ અને સ્ટોનને આ વાત લાગુ નથી પડતી. રોજબરોજના ઉપયોગમાં આવતી હોય એવી ચીજવસ્તુઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એવી કઈ ચીજ છે જેને સમયાંતરે ઘરમાંથી કાઢવી જોઈએ અને એનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ એ સમજવા જેવું છે.
ADVERTISEMENT
સૌથી પહેલાં આવે કપડાં
મોટા ભાગના વૉર્ડરોબમાં કપડાંનો ઢગલો હોય છે. ઘણી વાર તો એવાં કપડાંને ભરી રાખવામાં આવે છે કે એ ક્યારેક પહેરવામાં કામ લાગશે અને એવું વિચારીને લાંબો સમય સુધી એને સંઘરી રાખવામાં આવે છે. દર ત્રણ મહિને એક વખત વૉર્ડરોબમાં સાફસફાઈ થવી જોઈએ અને છેલ્લા એક વર્ષમાં ન પહેર્યાં હોય એ કપડાં, વાપર્યાં ન હોય એ પરફ્યુમ્સથી માંડીને બીજો સામાન કાઢી નાખવો જોઈએ. જો તમે એક વાર આ કામ ભારે મન સાથે કરશો તો પણ એ ચીજવસ્તુ કાઢ્યા પછી તમને રીતસર ફીલ થશે કે તમારા પરથી ઘણો ભાર ઊતરી ગયો છે.
કાઢવામાં આવેલી આ ચીજવસ્તુઓને વ્યવસ્થિત રીતે પૅક કરી જરૂરિયાત હોય તેમને આપી દેવી જોઈએ. ધારો કે વસ્તુ મોંઘી હોય અને એ અજાણ્યાને આપવાનો જીવ ન ચાલે તો તમે એ ચીજવસ્તુ તમારા મિત્ર-પિતરાઈને પણ આપી શકો છો પણ શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને એ ચીજવસ્તુ આપવી. એ વ્યક્તિ તમારી આ ચીજવસ્તુઓ મેળવીને ખુશ થશે, જ્યારે મિત્રો-પિતરાઈને ક્યાંક એવું લાગશે કે તમે તેને વાપરેલી વસ્તુ આપી.
મંદિરની તૂટેલી ચીજવસ્તુઓ
સામાન્ય રીતે મંદિરમાં મૂકવામાં આવેલી દેવમૂર્તિઓ કે મંદિરની અન્ય પવિત્ર ચીજો તૂટી જાય કે ખરાબ થઈ જાય એ પછી પણ એને કાઢવાની હિંમત લોકોની નથી ચાલતી હોતી પણ એવું કરવાને બદલે તૂટેલી, ખૂબ વપરાશ થયા પછી હવે વણવપરાયેલી પડી રહેતી હોય એવી ચીજવસ્તુઓ મંદિરમાંથી કે ઘરમાંથી હટાવી દેવી જોઈએ. એવી ચીજોને પવિત્ર પાણીથી ધોઈને કાં તો વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ અથવા તો મંદિર જઈને મૂકી આવવી જોઈએ.
એક વાત યાદ રાખજો, ખંડિત મૂર્તિ કે મંદિરમાં વાપરવામાં આવેલી ચીજવસ્તુને ક્યારેય કચરામાં ફેંકવી ન જોઈએ કારણ કે એનાથી આધ્યાત્મિક અશુદ્ધિ ઊભી થાય છે. આ પ્રકારની ખંડિત ચીજવસ્તુ કોઈને આપવી પણ ન જોઈએ કારણ કે અન્ય કોઈ એનો વપરાશ કેટલી શુદ્ધતા સાથે કરશે એની જાણકારી નથી. શક્ય હોય તો એને વિસર્જિત કરવી અને કાં તો મંદિરમાં જઈને મૂકી દેવી.
જો જૂની ચીજવસ્તુ રાખવી હોય તો શું કરવું?
ધારો કે વાપર્યા વિનાની ચીજવસ્તુને ત્રણ વર્ષથી પણ વધારે સમય પસાર થઈ ગયો છે અને એ પછી પણ ચીજને ઘરમાંથી રજા આપવાનું મન નથી કે પછી એની પાછળ અન્ય કોઈ કારણ છે તો એક વાત યાદ રાખજો, સમયાંતરે એવી ચીજવસ્તુને બહાર કાઢી એની બરાબર સાફસફાઈ થવી જોઈએ અને એ જે જગ્યા પર રાખી હોય એ જગ્યાને ગંગાજળ કે સમુદ્રી મીઠાવાળા પાણી કે ગૌમૂત્રથી બરાબર સાફ કરવી જોઈએ અને એ ચીજવસ્તુને પણ સાફ કરવી જોઈએ. જો એમાં કપડાં હોય તો એ કપડાંમાં કપૂરના નાના ટુકડા મૂકી દેવા જોઈએ જેથી સમય દ્વારા જન્મતી નકારાત્મક ઊર્જાને બ્રેક લાગે. આ પ્રક્રિયા નિયમિત રીતે કરવી જોઈએ.
સ્મૃતિ ધરાવતી ચીજવસ્તુઓ
ઘરના વડીલો કે વહાલી વ્યક્તિઓની યાદમાં તેમની ચીજવસ્તુ સાચવી રાખી હોય તો એનો ઉપયોગ કરતાં રહેવો જોઈએ અને ધારો કે એ અંગત ઉપયોગમાં આવે એમ ન હોય તો એનો જે વપરાશ કરી શકે તેમને આપવી જોઈએ. ધારો કે એ ચીજવસ્તુ આપવાનું મન ન થાય તો એનો પણ રસ્તો કાઢી શકાય છે.
આવી ચીજવસ્તુની એકદમ બરાબર સાફસૂફી કરી એ ચીજને સંઘરી રાખવાને બદલે એને ઘરમાં સરસ રીતે ડેકોરેટ કરીને એવી રીતે ડિસ્પ્લેમાં મૂકો જેથી અન્ય લોકોને એ જોવાની તક મળે અને સાથોસાથ એ ઘરમાં શોભાની અભિવૃદ્ધિ પણ કરે. નાહકની એ વસ્તુઓ સંઘરી રાખવાથી એમાં નકારાત્મક ઊર્જા જન્મશે, જે યોગ્ય નથી. ઘરમાં એક મેમરી-વૉલ બનાવો અને એ મેમરી-વૉલ પર પરિવારના સભ્યોની ચીજવસ્તુને સરસ યાદગીરી સાથે ગોઠવો.


