મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આપણી આંખો બહારથી જે કંઈ પણ જુએ છે એની છાપ સર્વપ્રથમ સંદેશના રૂપમાં આપણા મન પર પડે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં વિદ્યુત આવેગ (electrical impulses) કહેવાય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય મિડ-ડે)
મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આપણી આંખો બહારથી જે કંઈ પણ જુએ છે એની છાપ સર્વપ્રથમ સંદેશના રૂપમાં આપણા મન પર પડે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં વિદ્યુત આવેગ (electrical impulses) કહેવાય છે. દાખલા તરીકે આપણી સામે એક સુંદર વ્યક્તિ આવે છે તો સર્વપ્રથમ તેને જોતાંની સાથે જ આપણને એ ખબર પડી જાય છે કે તે સ્ત્રી છે કે પુરુષ. હવે વાસ્તવમાં જોવા જઈએ તો આપણી આંખો તો નાની છે તેમ છતાં આપણી સામે ઊભેલી ઉચ્ચ કદની વ્યક્તિને આપણે સરળતાથી કઈ રીતે જોઈ શકીએ છીએ? આનો જવાબ છે વિદ્યુત આવેગો દ્વારા. જી હા, પાત્ર નજર સામે આવતાંની સાથે જ આપણા મન પર એનું એક નાનું પ્રતિબિંબ પડે છે અને પછી એનો રંગ કેવો છે, ચહેરાનાં લક્ષણો શું છે એની નોંધ લેવાય છે. આ સમગ્ર ચિત્ર થોડી પળોમાં જ ચિત્રિત થઈ જાય છે અને ત્યાર બાદ શરીરને ચલાવનાર ચૈતન્ય સત્તા એટલે કે આપણો ‘આત્મા’ આ બધાનું વિશ્લેષણ કરે છે કે આ શું છે ને શું નથી. હવે આ જે વિશ્લેષણની પ્રક્રિયા છે જેને અંગ્રેજીમાં ‘analysis’ કહેવાય છે, જ્યાં સુધી એમાં પરિવર્તન નથી આવતું ત્યાં સુધી દૃષ્ટિમાં પરિવર્તન નથી આવતું કારણ કે બહારથી જે સંદેશ આવ્યો એ ઉદ્દીપન છે જેને અંગ્રેજીમાં ‘stimulus’ કહેવાય છે અને એ સંદેશ પહોંચ્યા બાદ સામેથી જે પ્રતિક્રિયા આવે છે કે આ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ, આ ફલાણા સ્થાન પર રહેનારી છે, આને મેં ઘણાં વર્ષો પહેલાં જોઈ હતી, આનું નામ આ છે – આ આખો રેકૉર્ડ આપણું મન અંદરોઅંદર ખોલીને ચિત્રિત કરે છે કારણ કે આ તો સમજવાની વાત છે કે પેલી વ્યક્તિનું નામ અથવા તો પરિચય તેના ચહેરા પર તો લખાયેલું નથી હોતું. હવે આ અંદરની જે પ્રતિક્રિયા કે પ્રતિઉત્તર છે અથવા તો બહારનું જે ઉદ્દીપન છે, એની પ્રતિક્રિયા કે પ્રતિઉત્તર – એને કઈ રીતે બદલીએ? એ પ્રતિક્રિયા કોના પર નિર્ભર છે? આનો જવાબ છે – આપણી અંતઃદૃષ્ટિ ઉપર, જેને અંગ્રેજીમાં ‘insights’ કહેવાય છે. અતઃ જ્યાં સુધી મનુષ્યની અંતઃદૃષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી બાહ્ય દૃષ્ટિ નહીં બદલાય અને જ્યાં સુધી દૃષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી દૃષ્ટિકોણ નહીં બદલાય.
ગીતામાં શ્રીકૃષ્ણએ જ્યારે અર્જુનને એમ કહ્યું કે ‘નથી કોઈ મરતું અને નથી કોઈ મારતું, બધા જ નિમિત્ત માત્ર છે. બધાં પ્રાણી જન્મ પહેલાં શરીર વિના જ હતાં ને મૃત્યુ બાદ ફરી શરીર વિનાના જ થઈ જશે. આ તો વચ્ચે શરીરવાળા દેખાય છે તો પછી આમને માટે શોક શા માટે કરે છે?’ ત્યારે અર્જુનના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું અને તે પોતાના ધનુષને ફરી ઉપાડીને ધર્મની સ્થાપના અર્થે યુદ્ધ કરી શક્યો. અતઃ જ્યારે પરમાત્મા દ્વારા આપવામાં આવેલું જ્ઞાન આપણી બુદ્ધિમાં ઊતરતું જાય છે, ધારણ થતું જાય છે ત્યારે આપણો દૃષ્ટિકોણ બદલાય છે અને ત્યાર બાદ પહેલું પરિવર્તન આવે છે આપણી વૃત્તિમાં અને પછી બદલાય છે આપણી સ્મૃતિ અને સ્થિતિ. તો જો આપણે એવી ઇચ્છા રાખીએ છીએ કે આપણા જીવનમાં સદા સુખ-શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે તો એને માટે આપણે પોતાની દૃષ્ટિ અને દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવું જ પડશે.


