નફરતની જેલમાંથી બહાર નીકળવાની તક મળે ત્યારે એ છોડતા નહીં.
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
પ્રેમ એ એક એવો રાજમહેલ છે જેના દરવાજા ચારે બાજુ અને ઉપર-નીચે સર્વત્ર ખૂલતા હોય છે. કોઈ પણ બાજુના દરવાજાથી પ્રેમના રાજમહેલમાં તમે આસાનીથી દાખલ થઈ શકો છો, પણ સબૂર, નફરત એ એક એવી જેલ છે જેના દરવાજા ચારેય બાજુથી, ઉપરથી અને નીચેથી બધેથી બંધ હોય છે.સ્પષ્ટ શબ્દોમાં એમ કહી શકાય કે પ્રેમના રાજમહેલને દીવાલ હોતી જ નથી, દરવાજા જ હોય છે, તો નફરતની જેલને દરવાજા હોતા જ નથી, દીવાલ જ હોય છે. આ વાત અત્યારે કહેવાનું કેમ મન થયું એને માટે એક પ્રસંગ કહું.
રોજ પ્રવચનમાં આવતા એક યુવકે પોતાના નજીકના એક મિત્રને પ્રવચનમાં આવવાની પ્રેરણા આપતાં કહ્યું, ‘તું એક વાર પ્રવચનમાં આવ...’ ‘તું સાંભળી લે. મને નથી તો કોઈ સાધુ-મહાત્મામાં રસ કે નથી તો એમનાં પ્રવચનોમાં રસ. તું બીજે ક્યાંય લઈ જવા માગતો હોય તો આવી જાઉં, પણ કોઈ સાધુના પ્રવચનમાં? બિલકુલ નહીં,’ પેલા મિત્રએ ચોખવટ સાથે કહી દીધું, ‘ક્યારેય નહીં.’
‘માત્ર એક જ વાર અને એય મારી લાગણીને માન આપીને તું પ્રવચનમાં આવી જા. બીજી વાર પ્રવચનમાં આવવાનો આગ્રહ હું તને ક્યારેય નહીં કરું’ લાંબી દલીલ પછી યુવકના અતિ આગ્રહથી જે પ્રવચનમાં તેનો મિત્ર આવ્યો એ પ્રવચનમાં બે વિષય મુખ્ય હતા, ‘જીવનમાં તકલીફો ગમે એવી આવે, ગમે એટલી આવે, આપઘાત કરીને જીવન ક્યારેય સમાપ્ત કરી દેવું નહીં અને સામી વ્યક્તિએ તમને હેરાન ગમે એટલા કર્યા હોય, તેના જીવનને સમાપ્ત કરી દેવાના પ્રયાસ ક્યારેય કરવા નહીં. ટૂંકમાં, આપઘાત ક્યારેય નહીં તો ખૂન પણ ક્યારેય નહીં.’
ADVERTISEMENT
આ પ્રવચન સાંભળ્યા બાદ તે યુવક તેના મિત્ર સાથે બે દિવસ પછી મળવા આવ્યો. હાથ જોડીને તેણે સ્વીકાર કર્યો, ‘જીવનમાં ત્રણ દુશ્મન એવા છે જેમના ‘મર્ડર’નો પ્લાન મેં બનાવી લીધો હતો. કઈ તારીખે, કયા સ્થળે, કોને પતાવી દેવો એ બધું મેં નક્કી કરી દીધું હતું, પણ એ પ્રવચન સાંભળ્યા બાદ મર્ડરના એ પ્લાન પર કાયમનું પૂર્ણવિરામ મૂકી દીધું છે. અલબત્ત, તે તમામને માફ કરી દેવાના મૂડમાં હું અત્યારે તો નથી જ, પણ તેમને ખતમ કરી નાખવાના નિર્ણય પર તો ચોકડી મારી જ દીધી છે.’ યુવકે વાત આગળ વધારતાં કહ્યું, ‘પ્રવચનો સાંભળતો જ રહું અને આવતી કાલે વિચારોમાં પરિવર્તન આવી જાય અને એ સૌને કાયમ માટે માફ કરી દઉં એ વાત જુદી છે.’
નફરતની જેલમાંથી બહાર નીકળવાની તક મળે ત્યારે એ છોડતા નહીં.

