Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > તમારી હસ્તરેખામાં આ નિશાની છે?

તમારી હસ્તરેખામાં આ નિશાની છે?

Published : 25 October, 2026 10:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હથેળીમાં અમુક નિશાન શુભ અને રાજયોગકારી માનવામાં આવે છે તો અમુક નિશાનને નકારાત્મક માનવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


મોટા ભાગના લોકો હાથ જુએ ત્યારે એમાં રહેલી ત્રણથી ૪ જાણીતી અને ઘટ્ટ રેખાઓ પર જ નજર અટકે. જોકે સામુદ્રિકશાસ્ત્ર કહે છે કે હથેળીની એ રેખાઓ વચ્ચે બનતી નાની આકૃતિઓ, નિશાનો અને પ્રતીકો કુદરતે લખેલી સાંકેતિક લિપિ છે. ઘણી વાર મુખ્ય રેખા નબળી હોય છતાં એકાદ ચમત્કારી નિશાન વ્યક્તિને રંકમાંથી રાજા બનાવી દે અને ક્યારેક ઉત્તમ રેખા હોવા છતાં કોઈ અશુભ નિશાન જીવનમાં વારંવાર તકલીફો ઊભી કરે.

હથેળીમાં ઊપસી આવતાં આ નિશાનો મુખ્યત્વે ૩ શ્રેણીમાં વહેંચાયેલાં છે : સમૃદ્ધિ આપનારાં શુભ નિશાનો, જીવનમાં આવનારાં જોખમોની આગોતરી ચેતવણી આપતા સંકેતો અને કુદરતી ઢાલ સમાન રક્ષણાત્મક નિશાનો. પહેલાં વાત કરીએ સમૃદ્ધિ અને રાજયોગના પ્રતીક સમાન નિશાનોની.



મત્સ્ય નિશાન


સામુદ્રિકશાસ્ત્રમાં માછલીના આકારનું નિશાન અત્યંત પવિત્ર અને ભાગ્યશાળી ગણાય છે. જો આ નિશાન કાંડા પાસે સ્પષ્ટ બનેલું હોય તો વ્યક્તિને વારસામાં કે અણધાર્યા સ્રોતોમાંથી મોટો ધનલાભ થાય છે. આવું નિશાન ધરાવતા લોકોને વિદેશગમનની ઉત્તમ તકો મળે છે.

ખાસ કરીને જીવનના ઉત્તરાર્ધમાં એટલે કે ચાલીસી પછી આ નિશાન ધરાવતા લોકો અઢળક સંપત્તિ, ધાર્મિક પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ ભોગવે છે.


ધન ત્રિકોણ

જો કોઈ વ્યક્તિના હાથમાં ત્રિકોણ બનતો હોય તો એ દર્શાવે છે કે તે વ્યક્તિ પાસે અગણિત પૈસો આવશે. ઘણા કિસ્સામાં એવું પણ પુરવાર થયું છે કે હથેળીમાં બનતો ઊંધો ત્રિકોણ ધરાવતી વ્યક્તિ પોતાના મૃત્યુ પછી પરિવારને બહુ મોટો વારસો આપીને જાય છે. જોકે જે વ્યક્તિની હથેળીમાં ત્રિકોણ હોય તે પણ આર્થિક સંકડામણ ભોગવતી નથી.

ત્રિકોણ ધરાવતી વ્યક્તિ પણ ઉંમરના ૪ દાયકા પસાર કર્યા પછી સંપત્તિનો મોટો હિસ્સો એકત્રિત કરે છે.

ચોરસ

હસ્તરેખાશાસ્ત્રમાં ચોરસને કુદરતી સુરક્ષા-કવચ માનવામાં આવે છે. જો હથેળીમાં એક નાનકડો ચોરસ બનતો હોય તો સમજી લેવું કે સંકટ ગમે એટલું મોટું આવે પણ વ્યક્તિ હેમખેમ બહાર નીકળી જશે. ઘણી વાર જીવનરેખા તૂટતી હોય, એમ છતાં જો હથેળીમાં ચોરસ હોય તો દરદી મૃત્યુના મુખમાંથી પાછો આવે છે.

ચોરસ ધરાવતી વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવાની સાથોસાથ બચત કરવાની માનસિકતા ધરાવતી હોય છે.

સ્વસ્તિક અને ત્રિશૂળ

આ પૂર્વજન્મના પુણ્યની નિશાની છે. આવા લોકો જીવનમાં તમામ ભૌતિક સુખો ભોગવીને મોક્ષમાર્ગે જાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. ત્રિશૂળ ધરાવતી વ્યક્તિ જેમની પણ સાથે જોડાય છે તેમનો પણ આર્થિક અને માનસિક રીતે ઉદ્ધાર કરે છે. ત્રિશૂળ ધરાવતી વ્યક્તિ સંકટ સમયે પણ પોતાનાં સગાંસ્નેહીઓના પડખે ઊભી રહે છે અને સાથ આપે છે.

હવે વાત કરીએ અવરોધ અને ચેતવણીરૂપ નિશાનો વિશે. એમાં સૌથી પહેલાં આવે છે જાળી એટલે કે ગ્રિલ કે નેટ.

જાળી કે નેટ

ઊભી અને આડી ઝીણી રેખાઓ એકબીજાને છેદીને જે જાળી જેવી રચના બનાવે છે એ જે-તે ગ્રહની સકારાત્મકતાને નષ્ટ કરે છે. અંગૂઠાના મૂળ એટલે કે શુક્રના પર્વત પર વધારે પડતી જાળી હોય તે વ્યક્તિ ભોગવિલાસ, અનૈતિક સંબંધો કે વાસનામાં ફસાઈને બદનામ થઈ શકે છે; જ્યારે અન્ય સ્થાન પર આવેલી જાળી આળસ, કાયમી આર્થિક ખેંચ અને અશાંતિનું કારણ બની શકે છે.

ચોકડી કે ક્રૉસ

ક્રૉસ મોટા ભાગે અશુભ ફળ આપે છે. સામાજિક અપયશ કે નોકરી-ધંધામાં અચાનક નુકસાન દર્શાવતી ચોકડી થાય છે તો અમુક સંજોગોમાં હથેળીમાં રહેલો ક્રૉસ અકસ્માત કે સર્જરીના સંકેત આપે છે. હથેળીની મુખ્ય રેખાઓ સાથે બનતી ચોકડી પણ અલગ-અલગ દિશાસૂચન કરે છે, પણ એ બધાં નકારાત્મક છે.

હથેળીમાં રહેલા ક્રૉસની નેગેટિવિટીને દૂર કરવા માટે શક્ય હોય એટલું ગરીબોને મદદરૂપ થવું જોઈએ, જે પનોતી ટાળે છે.

કાળો તલ

હથેળીમાં જો તલ હોય તો તે વ્યક્તિને સાવચેતી સૂચવે છે. તલ વ્યક્તિને જળભય, ચિત્તભ્રમ કે માનસિક અસ્થિરતા આપી શકે છે. જોકે સામુદ્રિકશાસ્ત્રનો એક નિયમ એ પણ છે કે મુઠ્ઠી બંધ કરતાં જો તલ હથેળીની અંદર પુરાઈ જતો હોય તો એ આકસ્મિક આર્થિક સમૃદ્ધિ આપવાને કારક બને છે.

હથેળીમાં રહેલો તલ જો મુઠ્ઠી પછી બહાર નીકળતો હોય તો એ વ્યક્તિને વધુપડતી ખર્ચાળ બનાવવાનું કામ કરે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK