નિત્ય ધર્મગ્રંથોનું વાંચન, ચિંતન, મનન થાય. ઘરમાં જ સત્સંગ શરૂ થયા પછી થોડા જ સમયમાં તમારા ઘરના વાતાવરણમાં અલૌકિકતા આવી જશે.
પ્રતીકાત્મક તસવીર
આજે આપણે બધા જ સત્સંગ મંડળો બનાવીને દર અગિયારસના દિવસે કે રવિવારે અથવા કોઈ પણ એક નિશ્ચિત દિવસે સામૂહિક સત્સંગ સભા ગોઠવતા હોઈએ. આ ખૂબ સારી પ્રવૃત્તિ છે. જોકે બહારના લોકો સાથે સત્સંગ સભા ગોઠવવાથીય વધુ મહત્ત્વનું અને જરૂરી છે કે દરરોજ આપણા ઘરમાં જ સત્સંગ થાય. નિત્ય ધર્મગ્રંથોનું વાંચન, ચિંતન, મનન થાય. ઘરમાં જ સત્સંગ શરૂ થયા પછી થોડા જ સમયમાં તમારા ઘરના વાતાવરણમાં અલૌકિકતા આવી જશે.
પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને સત્સંગ કરે તો આખા પરિવારમાં એકતાની ભાવના જન્મે, વિચારભેદ દૂર થાય. કૌટુંબિક પ્રશ્નોનાં સમાધાન થઈ શકે. પરિવારના દરેક સભ્ય એકબીજાની નજીક આવી શકે. સંપ વધે અને પ્રેમની ભાવના નિર્માણ થાય ત્યારે આપણું ઘર જ મંદિર બની જાય. સંસ્કારની સૌરભથી મહેંકનું સદન બની જાય. પરિવારનો પ્રત્યેક સભ્ય સંસ્કારી બની જાય.
આપણા ઘરને અલૌકિક અને સંસ્કારી બનાવવા માટે આપણાં ઘરોમાં દરરોજ પારિવારિક સત્સંગ સભા ગોઠવવી જોઈએ. એક વાર પ્રયોગ કરી જુઓ અને મને કહો કે એનાથી શું પરિવર્તન આવ્યું.
ADVERTISEMENT
જરાક સમજી લઈએ પરિવાર સત્સંગ સભા એટલે શું, એમાં શું કરવાનું? દરરોજ સાંજના થોડો સમય પરિવારના તમામ સભ્યો સાથે થતી આધ્યાત્મિક ચર્ચા અથવા સંસ્કાર ગોષ્ટિ એટલે પરિવાર સત્સંગ સભા. પરિવાર સત્સંગ સભા ઘરની શોભા છે. ઘરની પ્રભા છે. એનાથી ઘરનું તેજ વધી જશે. જેમ પાણીને ઠંડું કરવા ફ્રિજની જરૂર છે ઘરને ઠંડું કરવા ઍર-કન્ડિશનરની જરૂર છે, એમ હૃદયને ઠંડું કરવા સત્સંગની જરૂર છે. ઘરના બધા જ સભ્યો ભેગા મળી ઘરમાં સત્સંગ સભા કરે તો ઘર નંદનવન બની જાય છે. આપણા પ્રાચીન ઋષિઓએ પણ આ જ રસ્તો બતાવ્યો છે.
ૐ સહ નાવતુ સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ ।
બધા સભ્યો સાથે મળીને જીવન વિતાવે તો શાંતિ આપમેળે જ ઘરમાં આવીને વસે છે.
આપણાં ઘરોમાં દરરોજ શિક્ષાપત્રી, ચોર્યાસીને બસો બાવન વૈષ્ણવની વાર્તા, સુબોધિનીજી, ષોડશ ગ્રંથો તેમ જ અન્ય સ્વમાર્ગીય ગ્રંથોનું નિત્ય વાંચન થાય, બધા એનું શ્રવણ કરે એનાથી દરેકના જીવનમાં પરિવર્તન આવે છે કારણ કે વારંવાર જેવું સાંભળે એવું જ આચરણમાં આવે એ સ્વાભાવિક છે.
પરિવાર સત્સંગ સભા રોજ શા માટે? અઠવાડિયે કે પંદર દિવસે કરીએ તો ન ચાલે? ના, કારણ કે આજે નિશદિન એટલોબધો કચરો આપણા હૃદયમાં ઠલવાય છે કે જો એને દરરોજ સાફ કરવામાં ન આવે તો આપણું હૃદય ઉકરડો જ બની જાય. એટલે રોજનો કચરો રોજ સાફ કરવો જોઈએ. સત્સંગ હૃદયનું સર્વિસ સ્ટેશન છે. દરરોજ આપણી સર્વિસ થઈ જાય છે. દિવસ દરમ્યાન જે કંઈ કચરો ચોંટ્યો હોય એ ધોવાઈ જાય છે.


