Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કેટલું મેળવ્યું એ નહીં, કેટલું આપ્યું એ અગત્યનું

કેટલું મેળવ્યું એ નહીં, કેટલું આપ્યું એ અગત્યનું

04 September, 2021 04:08 PM IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ઘાટકોપરના નવરોજી લેનના ઉપાશ્રયમાં ચૈત્રી ઓળીની આરાધના દરમ્યાન કરેલા પ્રવચનમાં ‘સિદ્ધપદ’ના વિષયમાં આ પદાર્થ પર સારી એવી છણાવટ થઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘અચાનક આવી પડતા દુઃખને પડકારવામાં માણસને સફળતા મળી જાય એ હજી શક્ય છે, પણ જે દુઃખ અનિવાર્ય હોય છે એને પડકારવામાં સફળતા તો મળતી નથી; પણ માણસ હતાશાનો શિકાર બની જાય છે અને દુર્ધ્યાનગ્રસ્ત બનીને પોતાના આત્માને કર્મોથી ભારે કરતો રહે છે એ તો વધારામાં!’

ઘાટકોપરના નવરોજી લેનના ઉપાશ્રયમાં ચૈત્રી ઓળીની આરાધના દરમ્યાન કરેલા પ્રવચનમાં ‘સિદ્ધપદ’ના વિષયમાં આ પદાર્થ પર સારી એવી છણાવટ થઈ.



બપોરે ગોચરી વાપરીને હું આસન પર બેઠો હતો અને એક યુવક પૂજાનાં વસ્ત્રોમાં રૂબરૂ મળવા આવ્યો.


‘મહારાજસાહેબ, એક મૂંઝવણનું સમાધાન જોઈએ છે, આજના પ્રવચનમાં જેકાંઈ સાંભળ્યું છે એના અનુસંધાનમાં આપની સાથે વાત કરવી છે.’

‘બોલ ભાઈ, શું છે વાત?’


‘વાત એવી છે કે આ જ ઘાટકોપરમાં એક વ્યક્તિ પાસે મારા ૯ લાખ રૂપિયા ફસાયા છે. તેની નાલાયકતા કહો તો નાલાયકતા અને મારા પુષ્યની કચાશ કહો તો કચાશ, એ વ્યક્તિ છેલ્લા ૬ મહિનાથી ગુમ છે. અર્થાત્ ઘરમાં હાજર નથી.’ એ યુવકે પોતાના મનની વાત કહેવાની શરૂઆત કરી, ‘અલબત્ત, તેની પત્નીને અને ઘરના બીજા સભ્યોને ચોક્કસ રીતે તેના રહેઠાણનો ખ્યાલ હોવો જ જોઈએ; કારણ કે તે તેનાં બે બાળકો સાથે સ્વતંત્ર જ રહે છે છતાં હું જ્યારે પણ તેના ઘરે જાઉં છું ત્યારે તે મને એક જ જવાબ આપે છે કે તે ક્યાં છે એની મને ખબર નથી.’

‘હંઅઅઅ... પ્રશ્ન શું છે તારો?’

‘હું આપને એ પૂછવા આવ્યો છું, એ જાણવા આવ્યો છું કે ૯ લાખના નુકસાનના મારા આ પાપના ઉદયને મારે અચાનક માનવો કે અનિવાર્ય? ૯ લાખના નુકસાનના આ દુઃખને મારે પડકારતા જ રહેવું કે પછી એનો સંપૂર્ણપણે સ્વીકાર કરી લેવો?’

‘એક પ્રશ્નનો જવાબ આપીશ?’

‘આપે આવું પૂછવાનું હોય મહારાજસાહેબ...’ તેણે હાથ જોડ્યા, ‘પૂછો, આપ જે જાણવા માગતા હો એ...’

‘૯ લાખ રૂપિયા તને ચૂકવી શકવાની સ્થિતિમાં તે વ્યક્ત‌િ અત્યારે હશે એવું તને લાગે છે?’

‘ના...’ સહેજ વિચારીને તેણે જવાબ આપ્યો, ‘એ વ્યક્તિની અત્યારે એવી સ્થિતિ હોય એવું મને લાગતું નથી અને હું માનતો પણ નથી...’

‘હવે બીજા પ્રશ્નનો જવાબ આપ...’ મેં તેની સામે જોયું, ‘તું ૯ લાખ રૂપિયા સામે ચડીને છોડી દે તો તું રસ્તા પર આવી જાય, તારું ધનોતપનોત નીકળી જાય એવું બને ખરું?’

તેણે દિલથી સાચો જવાબ આપ્યો.

‘ના, જરા પણ નહીં...’

‘તો મારે તને એટલું જ કહેવું છે કે આ પાપના ઉદયને, આ દુઃખને તું અનિવાર્ય માનીને સ્વીકારી લે...’ સહજભાવે જ મેં તેને સલાહ પણ આપી, ‘આગળ વધીને તને કહું તો તું એ વ્યક્તિના ઘરે જઈને તેની પત્નીને કહી દે કે મારે લેવાના નીકળતા નવેનવ લાખ રૂપિયા હું છોડી દઉં છું. તમે તે જ્યાં હોય ત્યાં તેને આ સમાચાર આપી દો.’

તેના ચહેરા પર કોઈ જાતનો આઘાત દેખાયો નહીં એટલે મેં વાત આગળ વધારતાં તેને કહ્યું,

‘આ નુકસાનીને અનિવાર્ય માનીને તું સ્વીકારી લઈશ એટલે તારી સમાધિ ટકી રહેશે અને તે વ્યક્ત‌િના ઘરે જઈને ૯ લાખ રૂપિયા છોડી દીધાની તું વાત કરી દઈશ એટલે તે વ્યક્તિના આખા કુટુંબની સમાધિ ટકી રહેશે.’

‘જી...’

દલીલ વિનાની વાતમાં સ્વીકારનો ભાવ હોય છે. એ યુવકનો ભાવ પણ એવો જ લાગ્યો એટલે મેં તેની આંખોમાં જોયું.

‘તું પરમાત્માની પૂજા કરીને અત્યારે આવ્યો છેને?’ તેણે હા પાડી, ‘તો સમાધિસ્થ ચિત્ત, સંક્લેશમુક્ત ચિત્ત, કષાયમુક્ત ચિત્ત એ જ પરમાત્માની એકમાત્ર આજ્ઞા છે. જિનશાસનનો એ જ તો એકમાત્ર પડકાર છે. એ આજ્ઞાને જો તું અમલી બનાવી શકે, એ પડકારને તું ઝીલી શકે તો તેં કરેલી પરમાત્માની આ પૂજાને ચાર ચાંદ લાગી જાય.’

પળનોય વિલંબ કર્યા વિના યુવકે ખોળામાં માથું મૂકી દીધું.

‘સાહેબજી, નાખો વાસક્ષેપ અને આપો આશીર્વાદ. અહીંથી પહેલાં મારા ઘરે ન જતાં સીધો જ જાઉં છું પેલા વ્યક્તિના ઘરે અને કહી દઉં છું તેની પત્નીને ૯ લાખ છોડી દીધાની વાત અને મનને બનાવી દઉં છું પ્રસન્નતાથી

સભર. ખૂબ કર્યું દુર્ધ્યાન, આજથી એના પર મૂકી દઉં છું પૂર્ણવિરામ.’

એ જ રાતે જ્યારે તે યુવક મળવા આવ્યો ત્યારે એટલું જ બોલ્યો, ‘૯ લાખ છોડી દીધાના કરેલા પરાક્રમથી અને જાહેરાતથી જે પ્રસન્નતા અત્યારે હું અનુભવી રહ્યો છું એવી પ્રસન્નતા તો અગાઉ ૨૭ લાખ રૂપિયા કમાયો ત્યારે પણ નથી અનુભવી સાહેબજી!’

તેણે પોતાનો સવારનો અનુભવ યાદ કરતાં કહ્યું,

‘તેના ઘરે જઈને તેની પત્નીને જ્યારે મારા આ નિર્ણયની જાણ કરી ત્યારે

તેની આંખમાંથી જે આંસુ વહી ગયાં છે એવાં આંસુ તો મારી બહેને સાસરે ગઈ ત્યારેય નથી વહાવ્યાં. મને પહેલી વાર સમજાયું કે સંપત્તિ બચાવવી એ કદાચ સારી વાત હશે, પણ એ સંપત્તિના ત્યાગથી કોઈકને બચાવી લેવા એ તો એથીય વધુ સારી વાત છે. હું અત્યારે ખૂબ-ખૂબ પ્રસન્ન છું.’

જીવનની ધન્યતા લેવામાં નહીં, આપવામાં છે. આ પર્યુષણ પર્વ પર એ વાત ખાસ સમજીએ.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2021 04:08 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK