બીજી ઇનિંગ્સને ૪૬૬/૮ના સ્કોર પર ડિક્લેર કરીને કિવીઓએ ૫૩૧ રનનો ટાર્ગેટ આપ્યો, ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ૪ વિકેટે ૨૧૨ રન કર્યા : આજે જીત માટે યજમાનને ૬ વિકેટ અને મહેમાનને ૩૧૯ રનની જરૂર
૨૫૦મી ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલા શાઈ હોપે ચોથી ટેસ્ટ-સદી ફટકારી
ન્યુ ઝીલૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ૩ ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ૨૩૧ રન કરનાર કિવીઓએ ચોથા દિવસે ૧૦૯ ઓવરમાં ૪૬૬-૮ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૬૭ રન કરનાર કૅરિબિયન ટીમે શાઈ હોપની સદીના આધારે બીજી ઇનિંગ્સમાં ૭૪ ઓવરમાં ૪ વિકેટે ૨૧૨ રન કર્યા હતા. ૫૩૧ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કરનાર કિવી ટીમને આજે જીત માટે ૬ વિકેટ અને મહેમાન ટીમને ૩૧૯ રનની જરૂર છે.
ચોથા દિવસે યજમાન ટીમે ૯૬મી ઓવરમાં ૪૧૭-૪ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી કેટલીક નાની ઇનિંગ્સના આધારે ૪૬૬-૮નો ઊંચો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝનો ફાસ્ટ બોલર કેમાર રોચ ૭૮ રનમાં પાંચ વિકેટ લઈને સૌથી સફળ સાબિત થયો હતો.
ADVERTISEMENT
૫૩૧ રનના ટાર્ગેટ સામે કૅરિબિયન ટીમે ૨૪ ઓવરમાં પંચાવન રનના સ્કોર પર પહેલી ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ૨૫૦મી ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલા સ્ટાર બૅટર શાઈ હોપે ૧૮૩ બૉલમાં ૧૫ ફોર અને એક સિક્સર ફટકારીને ૧૧૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
જસ્ટિન ગ્રીવ્સે ૧૪૩ બૉલમાં ૬ ફોરની મદદથી પંચાવન રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કિવી ટીમના ફાસ્ટ બોલર જેકબ ટફીએ ૬૫ રન આપીને બે વિકેટ લીધી હતી.


