વિક્રમ સંવત ૨૦૮૨ કુંભ (ગ, સ, શ, ષ)નું કેવું જશે એ વાંચો અહીં
કુંભ
કુંભ (ગ, સ, શ, ષ)
अलसतासहितोडन्यसुतप्रियः कुशलताकलितोडतिविचक्षणः ।
कलशगामिनि शीतकरे नमः प्रशमितः शमितोरुरिपुव्रजः ।।
ADVERTISEMENT
કુંભસ્થિત ચંદ્રમાં જન્મ લેવાવાળો આળસુ, બીજાનાં સંતાનો પર પ્રેમ રાખવાવાળો, કાર્યમાં કુશળ, પંડિત, શાંત અને શત્રુને જીતવાવાળો હોય છે.
નૂતન વિક્રમ સંવત આપના માટે મંગલકારી રહે એવી અભ્યર્થના અને ગણેશજીના આશીર્વાદ સાથે આપના આ વર્ષ વિશે વાત કરીએ તો તમારી નાણાંકીય સ્થિતિ અને મજબૂત રહેશે. અત્યાર સુધી તમે જોયેલા પડકારો હવે ધીમે-ધીમે દૂર થવા લાગશે. તમે ગયા વર્ષે કરેલી મહેનતનું ફળ તમને મળશે. તમારા માટે આ વર્ષનું રાશિ ભવિષ્ય જણાવે છે કે આરામદાયક જીવન માટે કેટલીક મોંઘી ચીજો ખરીદવાનું અથવા ખર્ચ કરવાનું તમને પરવડશે, તમે મુસાફરી પર જઈ શકશો, કદાચ વેકેશનમાં ફરવા જઈ શકશો અથવા વૈભવી રજા પર જઈ શકશો. વાર્ષિક કુંડળી અનુસાર, કેટલાક નવા સમાચાર અને તકો તમારો પીછો કરી શકે છે, તેથી સતર્ક રહીને તેનો લાભ ઉઠાવી શકો છો. આપની રાશિના જાતકો આ વર્ષે આધ્યાત્મિક વિકાસનો અનુભવ કરી શકે છે અને ગ્રહોની સ્થિતિ તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ દોરી જશે. તમે જેટલું ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો, તેટલો તમારો આત્મવિશ્વાસ વધશે, માનસિક શાંતિ વધશે અને તમારા કાર્યમાંથી અવરોધો દૂર થશે. તમે ઉત્સાહથી ભરપૂર રહેશો અને ભૂતકાળની મહેનતનું ફળ મળવાની શક્યતા છે. તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે પ્લાનિંગ સાથે આગળ વધતા રહેવું. વ્યાવસાયિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે, કઠિન કાર્યો પણ કરવાં પડશે અને તમારા વ્યવસાય પર વિગતવાર ધ્યાન આપવામાં આવશે તો તમને ચોક્કસ સારું ફળ મળશે. કુંભ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્ઞાન મેળવવા માટે અભ્યાસ જ તમારું એકમાત્ર લક્ષ્ય રહેશે. મુસાફરી તમારા માટે સમૃદ્ધિની શક્યતાઓ લાવશે, તેથી જ્યારે પણ તમને તક મળે ત્યારે ફ્લાઇટ અથવા ટ્રેનમાં બેસવામાં અચકાશો નહીં અને ઘણી મુસાફરી કરવી પડે તો પણ એનાથી દૂર ભાગવું નહીં. આનાથી તમારો આધ્યાત્મિક વિકાસ પણ થશે અને જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ પણ બદલાશે. વર્ષના મધ્યમાં કૌટુંબિક સમસ્યાઓ તમારી ચિંતા વધારશે અને ઘરની આવક અને ખર્ચ વચ્ચેની અસમાનતા પણ મુશ્કેલીનું કારણ બનશે. તમારે અસંવેદનશીલ બનવાનું ટાળવું પડશે અને જ્યાં પણ શક્ય હોય ત્યાં બધું કરવાની વૃત્તિ રાખવી પડશે. વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને ચિંતા કરાવી શકે છે. તમારે હૉસ્પિટલની મુલાકાત લેવી પડી શકે છે. વર્ષના મધ્યમાં સર્જરીની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જો તમે તમારું રહેઠાણ બદલવા ઇચ્છતા હોય તો આ વર્ષ તમારા માટે યોગ્ય છે. આ વર્ષ વિદેશ જવા અને અન્ય સ્થળોએ જવા માટે તમારા માર્ગને સરળ બનાવશે. મન ઘણી બાબતો વિશે ચિંતિત રહેશે. ક્યારેક, પોતાની જાત પર શંકા કરવાની વૃત્તિ પણ જોવા મળી શકે છે, એની અસર સંબંધોમાં તણાવ પણ વધારી શકે છે. તમારા હરીફોને તમને ઓછા આંકવાની તક આપવી નહીં. તમે કાનૂની બાબતોમાં વિજયી થશો.
પ્રણય અને સંબંધો
આ વર્ષે બાળકો તમારા માટે ખુશીનો સ્રોત બનશે. તમે તેમની સાથે ખુશ રહેશો અને એ લોકો તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે નાના-નાના પ્રયાસો પણ કરી શકે છે. કોઈ પણ શંકાઓ વિશે તમારા પ્રિય સાથે સ્પષ્ટ વાતચીત કરવી એ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો સૌથી સરળ રસ્તો હશે. જરૂર પડ્યે મિત્રો પણ તમને ટેકો આપી શકે છે. જ્યારે પણ તક મળે ત્યારે તેમને સહકાર આપો. પરિવાર સાથેના નાના-નાના મુદ્દાઓ ઘણી વાર તમારો મૂડ બગાડી શકે છે. એ લોકો તમારા શુભેચ્છકો છે, તેમના ઇરાદા પર શંકા કરવી નહીં, પરંતુ તેમના વર્તન પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરવો. લગ્ન સંબંધિત મુદ્દાઓ પર તેમના તરફથી દબાણની પ્રબળ શક્યતા છે. તમે લગ્ન માટે તૈયાર ન હોવા છતાં તમારા માટે આ લગ્નના ઢોલ વગાડવાનો સમય છે. આ વર્ષ પ્રેમ માટે નવી આશાઓ પ્રદાન કરી શકે છે.
નાણાકીય બાબતો
નોકરિયાત વર્ગ માટે નાણાકીય લાભ, પગારમાં વધારા સિવાય વધારાના લાભો મળવાની સંભાવના છે. જો તમે થોડો પ્રયાસ કરશો તો વ્યક્તિગત સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થશે. તમે નવું વાહન અથવા ફ્લૅટ ખરીદી શકો છો. ભારે ખર્ચ તમને પરેશાન કરી શકે છે, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. આ વર્ષ નાણાકીય બાબતો માટે ખૂબ સારું છે, પરંતુ શાસન કરવાની તમારી ઇચ્છા વધવાની સંભાવના છે. આ ઇચ્છામાં નિયંત્રણ રાખવું. આ વર્ષે વૈભવી સાધનો પર ખર્ચ કરવાની પ્રબળ શક્યતાઓ રહેશે. તમે જેટલું વધુ પોતાને ભોગવિલાસ અને વૈભવથી દૂર રાખવાનો પ્રયાસ કરશો, તેટલાં વધુ નાણાં તમે એકઠા કરી શકશો. તમે શૅરબજારમાં અગાઉ કરેલાં રોકાણોમાંથી ખૂબ સારો નફો મેળવી શકશો પરંતુ ટ્રેડિંગથી દૂર રહેવું. લાંબા ગાળાની યોજનાઓમાં રોકાણ અને મિલકતમાં રોકાણ નાણાકીય સમૃદ્ધિ પ્રદાન કરશે.
નોકરી અને વ્યવસાય
નવી નોકરી મળવાના તેમ જ ફ્રેશર્સને ઉત્તમ તક મળવાના ચાન્સ છે. તમે હાલમાં જ્યાં નોકરી કરતા હો ત્યાં તમારા વિચારોને પ્રોત્સાહન અને પ્રશંસા મળશે. તમને મોટી જવાબદારી મળી શકે છે. વિસ્તરણ અને સહયોગ ફાયદાકારક સાબિત થવાના છે. વ્યવસાયના સંદર્ભમાં ખાસ કરીને જેના વિશે તમને ખાતરી ન હોય એવા વિસ્તરણ માટે ભારે નાણાકીય રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી. તમારી ગણતરીઓ સાચી ન પણ હોય. સામાજિક કાર્યો માટે કામ કરવાની તમારી ઇચ્છા તમારા વ્યવસાયિક નિર્ણયોને ખૂબ પ્રભાવિત કરી શકે છે. જોકે તમારે એવા લોકો પ્રત્યે આંખ આડા કાન કરવા ન જોઈએ જેઓ તમને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે તમે આધ્યાત્મિક પરિપૂર્ણતાની નદીમાં એટલા ડૂબેલા છો કે તમને છેતરપિંડી કરવા ઇચ્છતા લોકોની પરવા નથી ત્યારે આવું કંઈક થવા દેવું સંપૂર્ણપણે ખોટું છે. જો તમારા મહેનતથી કમાયેલા પૈસા ખોટાં કારણોસર ખર્ચવામાં આવે છે તો એ તમારા માટે દુર્ભાગ્ય પણ લાવશે. કર્મનું ચક્ર એટલું સરળ નથી જેટલું આપણે મોટા ભાગના લોકો સમજીએ છીએ.
અભ્યાસ
આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ઘણી તકો લઈને આવવાનું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સકારાત્મક પરિણામો મળશે. વિદેશની પ્રખ્યાત યુનિવર્સિટીમાં સ્થાન મેળવવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષે તમારાં સપનાંઓને સાકાર કરવા માટે સખત મહેનત કરવી જરૂરી છે. તમે જે પણ કરો છો એમાં તમારા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરશે. તમને જીવનના અનુભવો, આસપાસના વાતાવરણ અને શિક્ષણમાંથી અનુભવ મળશે અને તમે તેમની પાસેથી જ્ઞાન મળશે. આ વર્ષે તમને એક સારા માર્ગદર્શકને મળવાની શુભ તક મળશે જે તમને તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી શકે છે. તેમના માર્ગદર્શન હેઠળ તમે અભ્યાસમાં સકારાત્મક ફેરફારો અનુભવશો અને ઉચ્ચ શિક્ષણમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા શિક્ષકોનો આદર કરવાની ખાસ સલાહ છે.
સ્વાસ્થ્ય
આ વર્ષે ઘણી મુસાફરીનું પ્રમાણ ઘણું વધારે રહેશે તેથી સ્વસ્થ રહેવા માટે બધી જરૂરી બાબતો સાથે તૈયાર રહેવું. શ્વાસોચ્છ્વાસની સમસ્યાઓ તમારા માટે ચિંતાનો વિષય રહેશે તેથી નિયમિત તપાસ માટે વારંવાર ડૉક્ટર પાસે જાઓ અને કસરત કરીને તેમ જ યોગ્ય આહાર લઈને અન્ય લોકોથી થતા ચેપથી પોતાને સુરક્ષિત રાખવા. માસ્કનો ઉપયોગ કરવો. વર્ષાંતના તબક્કામાં તમે તમારાં માતાપિતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો. અત્યાર સુધીમાં તમે મુસાફરી કરીને તમારી ઘણી શક્તિ ગુમાવી દીધી હશે પરંતુ તમારી ગતિ ધીમી થવા દેવી નહીં. જેમને ડાયાબિટીઝ, થાઇરૉઇડ, આંખોમાં બળતરા, માઇગ્રેન, પગના સાંધાની સમસ્યા હોય તેમને આ વર્ષમાં સારવાર અને પરેજી પર વધુ ધ્યાન આપવાની સલાહ છે.


