Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નિયમિત પ્રભુપૂજા શક્ય ન બને તો નિયમિત પ્રભુદર્શનનો પ્રયાસ કરવો

નિયમિત પ્રભુપૂજા શક્ય ન બને તો નિયમિત પ્રભુદર્શનનો પ્રયાસ કરવો

Published : 11 June, 2026 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવનમાં બીજા નિયમોને પણ અમલમાં મૂકવા. જિંદગીભર ટીવીનો ત્યાગ શક્ય ન દેખાતો હોય તો મર્યાદિત સમય માટે પણ એના પર નિયંત્રણ તો લાવી જ દેવું

 જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સત્સંગ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


મનને સમજવું સાચે જ મુશ્કેલ છે. ઉઘરાણી ૧૦૦ ટકા આવવાની સંભાવના નથી દેખાતી ત્યારે માણસ ૯૦ ટકા, ૮૦ ટકા અને કોઈ કોઈ વાર તો ૨૫-૩૦ ટકા રકમ લઈનેય ઉઘરાણી વસૂલ કરે છે, પણ જ્યારે ધર્મારાધનાની વાત આવે છે ત્યારે મનને સહજતા સાથે સમજાવે છે કે ધર્મ કરવો તો સો ટકા કરવો. બાકી અઘરો ધર્મ કે ઓછો ધર્મ કરવો એના કરતાં તો ધર્મ ન કરવો સારો! શરીર એકસાથે ચાર-પાંચ રોગોથી ઘેરાઈ ગયું હોય અને બધા જ રોગો શરીરમાંથી દૂર થવાની શક્યતા ન દેખાતી હોય ત્યારે દર્દી એક-બે રોગથી મુક્ત થઈ જવા સંમત થઈ જાય છે, પરંતુ પાપ-ત્યાગની વાત આવે છે ત્યારે મન એમ સમજાવે છે કે ત્યાગમાં મર્દાનગી દાખવવી તો પૂરેપૂરી દાખવવી બાકી અધૂરી મર્દાનગી દાખવીને પાપત્યાગમાં બાંધછોડ કરવી એના કરતાં જેમ ચાલે છે એમ ચાલવા દેવું.

યાદ રાખજો, તપ ન થઈ શકે તેમ હોય ત્યારે ત્યાગનો માર્ગ અપનાવી લેવો, એક લાખનું દાન ન થઈ શકે તેમ હોય ત્યારે દસ રૂપિયાના દાનની શક્તિ હોય તો એટલું દાન પણ કરી જ લેવું. જિંદગીભરના બ્રહ્મચર્ય-પાલન માટે મન સંમત ન થતું હોય ત્યારે પાંચ તિથિ પૂરતું બ્રહ્મચર્ય-પાલન માટે પણ મનને તૈયાર કરી જ દેવું. કબૂલ કે અનુકૂળતા ન હોય એટલે નિયમિત પ્રભુપૂજા શક્ય ન બને, પણ એવું હોય એવા સમયે નિયમિત પ્રભુદર્શન પણ કરી જ લેવાં અને એ નિયમિત થતાં રહે એની માટે પ્રયાસ કરતાં રહેવું.



આ જ પ્રકારે જીવનમાં બીજા નિયમોને પણ અમલમાં મૂકવા. જિંદગીભર ટીવીનો ત્યાગ શક્ય ન દેખાતો હોય તો મર્યાદિત સમય માટે પણ એના પર નિયંત્રણ તો લાવી જ દેવું. હોટેલ કે થિયેટરને કાયમ માટે તિલાંજલિ આપવાનું સત્ત્વ જીવનમાં ન ઉમેરી શકાય એમ હોય તો એના પર કાપ તો મૂકી જ દેવો. દરેક ક્ષણે મદદ માટે પહોંચી શકાય એમ ન હોય ત્યારે એવું તો નક્કી કરી જ લેવું કે બોલાવવામાં આવે ત્યારે વિષમમાં વિષમ પરિસ્થિતિને પણ અવગણીને મદદ માટે પહોંચી જવું.


વડીલોને મળવાનું સૌભાગ્ય રોજબરોજના જીવનમાં સામેલ ન થઈ શકતું હોય તો નિશ્ચિત દિવસનો નિયમ તો અચૂક બનાવી લેવો અને એ બનાવ્યા પછી પણ એનું પાલન પણ અચૂક કરવું. આ આવે એવી ઉઘરાણીના બદલામાં પોણી, અડધી કે પા ઉઘરાણીને પણ મીઠી કરવાની માનસિકતા સ્વીકાર્ય હોય તો પછી બીજી બાબતોમાં કેમ એવું નહીં રાખવાનું? કહેવાનો ભાવાર્થ સહજ અને સરળ છે. 

‘સર્વ’ની બાબતમાં આગળ વધી શકાય તેમ ન હોય ત્યારે ‘શક્ય’ની બાબતમાં તો આગળ વધતાં જ રહેવું. સર્વ ધર્મપ્રવૃત્તિ નહીં તો છેવટે શક્ય ધર્મપ્રવૃત્તિ, સર્વ પાપનિવૃત્તિ નહીં તે છેવટે શક્ય પાપનિવૃત્તિ! ભૂલતાં નહીં, આ માનસિકતા જ જીવનને સર્વોત્તમ બનાવવાનું કામ કરી જશે.


-  જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

(વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્‍મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે)

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK