Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ભૂખ્યાને અન્ન અને દીનને ધન આપવાની સાથે તેમને જ્ઞાનધનનું દાન પણ કરો

ભૂખ્યાને અન્ન અને દીનને ધન આપવાની સાથે તેમને જ્ઞાનધનનું દાન પણ કરો

Published : 16 February, 2026 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સંસ્કૃતિ તો આપણને એ શીખવાડે છે કે આપણી પાસે જો એક જ રોટલી હોય તો એમાંથી અડધી આપણે કોઈ ભૂખ્યાને ખવડાવીને તેની દુઆના પાત્ર બનવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


આજના ઝડપી વિશ્વમાં જ્યાં ટેક્નૉલૉજી આપણી કલ્પનાથી આગળ વધી ગઈ છે ત્યાં માનવ હોવાનો અર્થ શું છે એનો સાર લુપ્ત થતો જણાઈ રહ્યો છે. અમુક વર્ષ પહેલાં જેને આપણે ‘માનવતા’ કહીને ગર્વ મહેસૂસ કરતા હતા, કમનસીબે આજે એ ધીરે-ધીરે ખતમ થઈ રહી છે. સરળ શબ્દોમાં જો માનવતાને વ્યાખ્યાયિત કરવી હોય તો એમ કહી શકાય કે પોતાના આંતરિક સદ્ગુણોનો વિકાસ કરી પ્રત્યેક માનવ સાથે સદ્‍વ્યવહાર કરવો અને અન્યોના આંતરિક સુષુપ્ત સદ્ગુણોને જાગ્રત કરવા એ જ સાચી માનવતા છે, પરંતુ આજે આપણે સહુ ભૂખ્યાને રોટલો ખવડાવવો ને તરસ્યાને પાણી પીવડાવવું એને જ માનવતા સમજીએ છીએ. શું આનાથી દુનિયામાં ભૂખ્યા-તરસ્યા લોકોની સંખ્યા ઘટી ગઈ? કદાચ નહીં. તો શું આપણે ભૂખ્યાને રોટલો ખવડાવવાનું ને તરસ્યાને પાણી પીવડાવવાનું છોડી દઈએ? બિલકુલ નહીં. ભારતીય સંસ્કૃતિ તો આપણને એ શીખવાડે છે કે આપણી પાસે જો એક જ રોટલી હોય તો એમાંથી અડધી આપણે કોઈ ભૂખ્યાને ખવડાવીને તેની દુઆના પાત્ર બનવું જોઈએ. પરંતુ આજે સમાજની સ્થિતિ થોડીક વિચિત્ર થઈ ગઈ છે અને એટલે જ માનવતાપ્રેમીઓએ આ ધ્યાન પર રાખવાની આવશ્યકતા છે કે ભૂખ્યાને અન્નનું દાન અને દીન-હીનને ધનનું દાન દેવાની સાથે-સાથે તેમને સાચા જ્ઞાન-ધનનું દાન કરવાની પણ આવશ્યકતા છે જેથી તે પ્રાપ્ત થયેલા ભૌતિક દાનનો સદુપયોગ કરી શકે અને એને ખોટાં કાર્યોમાં લગાડવાથી બચી શકે. એની સાથે-સાથે દીન-હીનમાં કર્તવ્યનિષ્ઠતા, કર્મઠતા, સ્વનિર્ભરતા, સ્વાભિમાન તેમ જ આત્મવિશ્વાસ વગેરે જેવા ગુણોનું બીજારોપણ કરવું પણ અતિ આવશ્યક છે, અન્યથા પરિણામ એ આવશે કે આપણે તો પોતાની માનવતાની ફરજ પૂરી કરીશું, અર્થાત્ દાન દેતા રહીશું અને સામેવાળાની લેવાની આદત પાકી બનતી જશે; તે કર્મોની ગહન ગતિથી સાવ જ વંચિત રહી જશે અને તેની અંદર આળસ, નિરુત્સાહપણું તેમ જ અયોગ્યતાના સંસ્કાર વધતા જશે. અતઃ આપણે સદૈવ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માનવતાના આપણા ક્ષણિક પ્રદર્શનને કારણે ક્યાંક કોઈનું સદાને માટે અકલ્યાણ ન થઈ જાય.

મનુષ્યજીવનનું યોગ્ય મૂલ્યાંકન કરનારા આપણા ઋષિઓએ આપણને એ શીખવ્યું છે કે મનુર્ભવ જનયા દૈવ્યં જનમ્ અર્થાત્ ઓ મનુષ્ય, તું સાચા અર્થમાં માનવ બન. તારું લક્ષ્ય માત્ર આત્મવિકાસ જ ન હોય, તું માત્ર મનુષ્ય બનીને સંતુષ્ટ ન રહેતો, અપિતુ પોતાના જીવન દ્વારા દિવ્યતાનો અને માનવતાનો વિકાસ કરજે. પોતાના આદર્શને આગળ પહોંચાડવા માટે સદૈવ તત્પર રહેજે જેથી માનવતાનો પ્રવાહ ક્યાંય અટકી ન જાય અને ક્યાંય સુકાઈ ન જાય.’



મનુષ્યજીવનનું રહસ્ય આ એક મંત્રમાં છુપાયેલું છે. અતઃ એને જાગ્રત કરવાની આજે તાતી જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK