Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ટ્રેડિશનલ અને ટાઇમલેસ રંગોળીની રાણીઓને મળો

ટ્રેડિશનલ અને ટાઇમલેસ રંગોળીની રાણીઓને મળો

Published : 09 November, 2026 09:36 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

દિવાળીમાં આમ તો શુકન માટે ઘરની બહાર રંગોળી રચવામાં આવે છે, પરંતુ કેટલાક કલાપ્રેમીઓના ઘરે રંગોળી કૅન્વસ પરની આર્ટથી કમ નથી હોતી. સર્જનાત્મકતાથી ભરપૂર રંગોની દુનિયાના માસ્ટર મુંબઈગરાઓને મળીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહેલાં રંગોળી ચોક્કસ ડિઝાઇન, ફૂલ-પાન, મોર કે દીવાની આસપાસની સજાવટ સુધી સીમિત ગણાતી; પરંતુ હવે રંગોળી માત્ર શુભ પ્રસંગની સજાવટ નથી રહી. કેટલાક ક્રીએટિવ કલાકારો માટે એ પોતાની કલ્પના, પર્સનલ સ્ટાઇલ અને આર્ટિસ્ટિક વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ બની ગઈ છે. હવે કેટલાક સર્જનાત્મક કલાકારો માત્ર રંગો કે ફૂલો પૂરતા સીમિત નથી રહ્યા, રંગોળીને કૅન્વસ સમજીને એમાં તેઓ અવનવા પ્રયોગો કરતા હોય છે. માત્ર રંગોના પાઉડર અને આંગળીઓની કમાલથી 3D ઇફેક્ટ્સ ઊભી કરે છે, શેડિંગ અને લાઇટ-ઇફેક્ટ્સ દ્વારા પૉર્ટ્રેટ્સ કે અટપટી થીમ્સ કંડારીને પરંપરાગત રંગોની મર્યાદામાંથી બહાર આવીને એ જ રંગોથી અલગ જ સર્જન કરે છે. પૉર્ટ્રેટ કે ફિગરવાળી રંગોળીમાં ચહેરાના હાવભાવ, બૉડી-પોઝિશન અને લાઇટ-શેડનું બૅલૅન્સ જાળવવાં પડતાં હોવાથી કલાકો સુધી મહેનત કરવી પડે છે. જોકે કેટલાક કલાકારો એવા પણ છે જેઓ સમય ઓછો હોય ત્યારે પણ કલર-પ્લેસમેન્ટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી રંગોળીને અલગ લુક આપવાનું પસંદ કરે છે.

મારી રંગોળીમાં અલગ-અલગ રીતે કૃષ્ણની છાંટ જોવા મળે : અંકિતા સોની




પવઈમાં રહેતાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અંકિતા સોની પોતાના પર્સનલ અનુભવને કનેક્ટ કરીને રંગોળી બનાવે છે. તેમના માટે રંગોળી માત્ર એક સુંદર ડિઝાઇન બનાવવાની પ્રક્રિયા નથી; પોતાની લાગણીઓ, સંબંધો અને જીવન સાથે જોડાયેલી કોઈ વાતને વિઝ્યુઅલ ફૉર્મમાં રજૂ કરવાનું માધ્યમ છે. આ વિશે જણાવતાં ૩૬ વર્ષનાં અંકિતા કહે છે, ‘આમ તો હું નાનપણથી જ રંગોળી બનાવું છું, પણ ૨૦૧૪થી મેં પોતાને ફિગર્સ અને ફ્રી સ્ટાઇલની રંગોળી બનાવવાની ચૅલેન્જ આપી અને મને એ ગમવા લાગ્યું. પહેલાં રંગોળી બનાવવી એટલે ટ્રેડિશનલ પૅટર્ન કરવી એવું હતું, પણ પછી મને ફિગરવાળી અને થીમ-બેઝ્ડ રંગોળી બનાવવામાં વધુ રસ પડ્યો. સામાન્ય રીતે દિવાળીના દિવસે જ રંગોળી બનાવવા બેસું છું. એટલે જે મનમાં આવે એ જ સમયે કરવું પડે. આ વખતે વીક-એન્ડમાં દિવાળી આવી હોવાથી થોડો વધારે સમય મળ્યો અને એટલે ડિઝાઇન વિશે વધારે વિચાર કરી શકી.’
અંકિતા કૃષ્ણભક્ત છે એટલે તેમની મોટા ભાગની રંગોળીઓમાં કૃષ્ણ કોઈ ને કોઈ રીતે જોવા મળે છે, પરંતુ તેમની ખાસિયત એ છે કે તેઓ કૃષ્ણને પણ કન્ટેમ્પરરી અને સૉફ્ટ સ્ટાઇલમાં રજૂ કરે છે. તે કહે છે, ‘આમ તો હું કૃષ્ણભક્ત છું એટલે હું મોટા ભાગે કૃષ્ણની રંગોળી બનાવું, પણ કન્ટેમ્પરરી ટચ આપું જે બહુ શાંત અને સૉફ્ટ હોય. જેમ કે મેં વાંસળી વગાડતા કૃષ્ણ, નાચતા મોર સાથે કૃષ્ણ, પાણીમાં રિલૅક્સ કરતા વિષ્ણુ ભગવાન, લોટસ પર ધ્યાન કરતા કૃષ્ણ જેવી થીમની રંગોળી બનાવી છે. મને માત્ર ભગવાનની આકૃતિ બનાવવી નથી હોતી. એ આકૃતિ પાછળ કોઈ ફીલિંગ કે કનેક્શન હોય એ મને વધુ ગમે છે. એટલે હું પોઝ, આસપાસનું એલિમેન્ટ અને આખી થીમ એવી રીતે નક્કી કરું છું કે એક વાર રંગોળી જુઓ તો એની પાછળનો વિચાર પણ સમજાય. ગયા વર્ષે બાળગોપાલ સાથે કામધેનુ ગાય બેઠી છે એવી રંગોળી બનાવી હતી. એની પાછળ પણ એક વ્યક્તિગત લાગણી જોડાયેલી હતી. મારો દીકરો અને અમારા ડૉગીની કમ્પૅનિયનશિપ બહુ સારી છે. તેમના બૉન્ડને રિપ્રેઝન્ટ કરતી રંગોળી મારે કાઢવી હતી, તો મેં આ થીમ પર રંગોળી કરવાનો વિચાર બનાવ્યો. મારી રંગોળીમાં જે દેખાય છે એની પાછળ ઘણી વખત મારી પોતાની લાઇફનું કોઈ કનેક્શન હોય છે. આ વર્ષે શિવજી, પાર્વતી, નંદી અને ગણેશજીની થીમ પસંદ કરી છે જે અમારી ફૅમિલીને રિપ્રેઝન્ટ કરે છે. મારા માટે આ માત્ર ભગવાનની રંગોળી નથી. એમાં પરિવારનો એક અર્થ પણ છે. હું બહુ જ ઇમોશનલ છું અને રંગોળી-આર્ટમાં મારાં ઇમોશન્સ રિપ્રેઝન્ટ થાય એની હું પૂરેપૂરી કોશિશ કરતી હોઉં છું.’

ક્વિક અને ઈઝી હોવાની સાથે યુનિક દેખાય એવી રંગોળી કરું છું : આશા બોરાણિયા


બોરીવલી ઈસ્ટના કાજુપાડામાં રહેતાં ટ્યુશન-ટીચર આશા બોરાણિયાને ઝીણવટભરી આર્ટિસ્ટિક રંગોળી કાઢવા માટે સમય ન મળતો હોવાથી વિઝ્યુઅલ ઇફેક્ટ ક્રિએટ કરે એવી રંગોળી કાઢવામાં વધુ રસ છે. મુંબઈની હેક્ટિક લાઇફસ્ટાઇલમાં કલાકો સુધી એક જ રંગોળી પર કામ કરતા રહેવું તેમના માટે શક્ય નથી, તેથી તેઓ એવી ટેક્નિક પસંદ કરે છે જે ઓછા સમયમાં પણ રંગોળીને અલગ લુક આપે. રંગોળીના શોખ અને તેમની યુનિક ડિઝાઇન્સ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને બાકીના લોકો જેવી ટ્રેડિશનલ રંગોળી કાઢવી ન ગમે. ટ્રેન્ડ અને ટ્રેડિશનથી થોડું અલગ દેખાય એવી રંગોળી કરવી વધુ ગમે, પણ મુંબઈની હેક્ટિક લાઇફસ્ટાઇલમાં ઘર અને કામની વ્યસ્તતા વચ્ચે રંગોળી માટે કલાકો કાઢવા મારા માટે મુશ્કેલ હોવાથી હું કલર્સ સાથે વધારે રમું. મારા ઘરની બહાર પૅસેજનો ફ્લોર વાઇટ કલરનો હોવાથી ચારોળીની ઇફેક્ટ ન આવે. એટલે હું કલર-કૉમ્બિનેશન્સ પર વધારે ધ્યાન આપું છું. વાઇટ ફ્લોર પર કયા રંગો વધારે ઊઠીને દેખાશે, કયા કલર્સ એકબીજાને કૉમ્પ્લિમેન્ટ કરશે અને કયો ડાર્ક કે લાઇટ શેડ મૂકવો એ હું ધ્યાનમાં રાખું છું. પહેલાં હું મેંદી કરતી હતી તો મેંદીમાં યુઝ થતી ડિઝાઇન્સનો ઉપયોગ હું રંગોળીમાં કરું છું. મેંદીમાં લાઇન-વર્ક અને પૅટર્નિંગનું જે કામ હોય છે એ રંગોળીમાં પણ કરી શકાય છે. બસ અહીં માધ્યમ અલગ છે. મને એવી રંગોળી ગમે જે બનાવવામાં બહુ સમય ન લાગે, પણ જોવામાં એવું લાગે કે ઘણું કામ કર્યું છે. 3D કલરફુલ ફ્લાવર્સ લઈને 3D ઇફેક્ટ્સ ક્રીએટ થતા શેપ્સ બનાવવામાં પણ ઈઝી છે અને યુનિક પણ લાગે છે. એક જ કલરથી ફ્લાવર બનાવવાને બદલે બે-ત્રણ શેડ્સનો ઉપયોગ કરો તો એમાં ડેપ્થ દેખાય. ક્યારેક ડિઝાઇન બહુ સિમ્પલ હોય છતાં કલરનું પ્લેસમેન્ટ એવું હોય કે આખી રંગોળી અલગ દેખાય.’ 

રાધા-કૃષ્ણ, રામ-સીતાની રંગોળી પછી આ વર્ષે મેં હનુમાનજી કંડાર્યા છે : મનીષા ઉદાણી

બોરીવલીના યોગીનગરમાં રહેતાં ૪૯ વર્ષનાં મનીષા ઉદાણી મેકઅપ અને હેર-આર્ટિસ્ટની સાથે પેઇન્ટિંગ અને રંગોળી-આર્ટિસ્ટ પણ છે. નાનપણથી જ રંગોળીનો શોખ ધરાવતાં મનીષાબહેન પૉર્ટ્રેટ્સ ઉપરાંત ભગવાનનાં ફિગર્સવાળી રંગોળી બનાવે છે. તેમના માટે રંગોળી માત્ર દિવાળીની એક દિવસની ઍક્ટિવિટી નથી, વર્ષોથી પોતાની આર્ટિસ્ટિક સ્કિલ્સને એક અલગ માધ્યમમાં અજમાવવાની રીત છે. તેઓ કહે છે, ‘દિવાળી આવે એટલે મને રંગોળી બનાવવાનું એક્સાઇટમેન્ટ સૌથી વધુ રહે છે. મનમાં ઘણા વિચાર આવતા હોય કે આ વખતે શું નવું અને યુનિક બનાવું. આ વખતે મેં હનુમાનજીનું પૉર્ટ્રેટ બનાવ્યું છે. કોઈ પણ પ્રકારની રંગોળી કાઢવા બેસું અને એકધારી બેસું તો મને ચાર કલાકનો સમય લાગી જાય છે. પૉર્ટ્રેટવાળી રંગોળીમાં ખાસ કરીને ચહેરાનાં એક્સપ્રેશન અને શેડિંગ યોગ્ય આવે એ માટે ઘણું ધ્યાન આપવું પડે છે. માત્ર કલર ભરી દેવાથી પૉર્ટ્રેટમાં એ લુક આવતો નથી.’
મનીષાબહેનને એક જ પ્રકારની રંગોળી વારંવાર બનાવવી પસંદ નથી. તેઓ દરેક વખતે પોતાની અગાઉની ડિઝાઇન કરતાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે, ‘મેં મૉડર્ન આર્ટના ફ્યુઝન સાથે કલરફુલ રાધા-કૃષ્ણ, રામ-સીતા, અર્ધનારીશ્વર, ભારતનો નકશો જેવી ઘણી અલગ-અલગ થીમની રંગોળી બનાવી છે. મને ભગવાનનાં ફિગર બનાવવાનું ગમે છે, પણ એમાં પણ મારી રીતે કંઈક ક્રીએટિવ ટચ આપવાનો પ્રયત્ન હોય છે. રંગોળી પરંપરાગત હોય પણ એ જોવામાં નવી લાગે એ મારું ફોકસ રહે છે. રંગોળી બનાવવા બેસું ત્યારે અગાઉથી ફિક્સ ન હોય કે મારે શું કરવું છે. કરન્ટ સિચુએશનના આધારે જે મને યોગ્ય લાગે એ છેલ્લી ઘડીએ ડિસાઇડ થાય અને બનાવી નાખું. ક્યારેક શરૂઆતમાં એક વિચાર હોય અને રંગોળી બનાવતાં-બનાવતાં એમાં જ બીજો વિચાર આવી જાય. એટલે આખી પ્રક્રિયા પણ મારા માટે ક્રીએટિવ હોય છે. મેકઅપ, હેરસ્ટાઇલ કે પેઇન્ટિંગમાં પણ હું આર્ટિસ્ટિક કામ કરું છું, પણ રંગોળી બનાવતી વખતે એક અલગ જ કૉન્સન્ટ્રેશન જોઈએ.’
તેમની ૨૬ વર્ષની દીકરી કેરવી પણ મમ્મીની જેમ રંગોળી બનાવે છે. મનીષાબહેન કહે છે, ‘કેરવી પણ મારી જેમ રંગોળી કાઢે છે, પણ તે ઍક્ટર હોવાથી શૂટિંગ્સમાં બિઝી હોવાથી તેને સમય મળે એ હિસાબે રંગોળી બનાવતી હોય છે. હું દર વર્ષે રંગોળી બનાવું છું. અલગ-અલગ કૉમ્પિટિશન્સમાં ભાગ લઈને મેં અઢળક પ્રાઇઝ જીત્યાં છે, પણ હવે હું મારા શોખ માટે 3D આર્ટ અને ફિગર્સવાળી રંગોળી કરું છું અને લોકોને મારી આર્ટ બહુ ગમે છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 09:36 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK