Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > દિવાળીની સફાઈ જાતે કરવી કે કોઈક પાસે કરાવી લેવાની?

દિવાળીની સફાઈ જાતે કરવી કે કોઈક પાસે કરાવી લેવાની?

Published : 27 October, 2026 09:56 AM | Modified : 27 October, 2026 10:36 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક સમય હતો જ્યારે દિવાળીમાં ઘરની સફાઈ આખું ઘર મળીને કરતું. સંયુક્ત પરિવાર હોય તો બધી સ્ત્રીઓ સાથે મળીને આ કામ કરતી હોય. ધીમે-ધીમે લોકો હાઉસહેલ્પ પાસે સફાઈ કરાવી લેતા થયા. આજે તો સર્વિસ ઍપ્સ દ્વારા દિવાળી ડીપ ક્લીનિંગ સર્વિસિસ ખાસ્સી પૉપ્યુલર બની છે.

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)


દિવાળીની સફાઈ માત્ર ઘરને ચમકાવવા માટે નથી. એનું આધ્યાત્મિક, માનસિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ મોટું મહત્ત્વ છે. સ્વચ્છ ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે અને નકારાત્મકતા દૂર થઈને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ વર્ષો જૂની પરંપરા આપણા મનને શાંતિ આપે છે, શારીરિક સ્વાસ્થ્ય સુધારે છે અને જીવનમાં નવી શરૂઆતનું પ્રતીક બને છે. એક સમય હતો જ્યારે ઘરના બધા સદસ્યો મળીને ઘરની સફાઈ કરતા. સફાઈની મુખ્ય જવાબદારી મમ્મીઓની રહેતી, પરંતુ મમ્મીની લીડરશીપમાં ઘરની દરેક વ્યક્તિને સોંપાતાં નાનાં-નાનાં કામ બધા કરતા. અઠવાડિયું ચાલતી સફાઈમાં બધાની હાલત ખરાબ થઈ જતી, પરંતુ મજા ખૂબ આવતી. સમય બદલાય એમ પરંપરાઓ પણ બદલાય. દિવાળીની સફાઈ એક પરંપરા છે. મૉડર્ન યુગ કહે છે કે પરંપરાઓ નિભાવવી જરૂરી છે, જાતે કરવી જરૂરી નથી. આજે આ કામ સરળ થઈ ગયાં છે. ડીપ ક્લીનિંગ માટે અઢળક ઍપ્સ છે જે તમને જોઈએ એ સમયે અને જોઈએ એ કામ માટે લોકો ઘરે મોકલે છે. પૈસા પણ રીઝનેબલ હોય છે, કામ પણ સારું હોય છે. તો જાતે આટલી મહેનત કરવા કરતાં તેમની પાસે દિવાળીની સફાઈ કરાવી લેવામાં વાંધો ન હોઈ શકે. ઘણા લોકો છે જેઓ પોતાના હાઉસહેલ્પ પાસે કે ઍપ-સર્વિસ પાસે દિવાળીની સફાઈ કરવી લે છે, પણ ઘણા લોકો છે જેઓ આજે પણ જાતે ઘરની સફાઈ કરે છે. સફાઈ જાતે કરવી સારી કે બહારથી હેલ્પ લઈ લેવી સારી? આ પ્રશ્ન જ્યારે અમે લોકોને પૂછ્યો ત્યારે કંઈક આવા પ્રતિભાવ મળ્યા.

આજકાલ ઍપ્સથી આવતા પ્રોફેશનલ્સ ઘણું સારું કામ કરે છે : અમી વોરા, દહિસર, ૬૪ વર્ષ




દહિસરમાં રહેતાં અમી વોરાની વહુ વર્કિંગ છે અને તેને બે નાનાં બાળકો છે. અમીબહેનને નવી પદ્ધતિથી હાઉસહેલ્પ પાસે કામ કરાવી લેવાનું ફાવી ગયું છે. તેમની વહુ ઍપ પરથી જ્યારે જરૂર પડે ત્યારે સફાઈનો સ્લૉટ બુક કરી દે છે અને અમીબહેન તેની પાસે બધું કામ કરાવડાવી લે છે. એ વિશે વાત કરતાં અમીબહેન કહે છે, ‘હું નાનપણથી જાતે જ સાફસફાઈ કરતી. એની મજા તો હતી જ, પણ હવે ઉંમર થઈ એટલે થતું નથી. હવે થાક લાગે છે. બીજું એ કે ત્યારે હાઉસહેલ્પ પાસે કરાવી લેવા જેવો ઑપ્શન હતો નહીં. લોકો બધા જાતે જ કરતા એટલે એવું લાગતું નહીં. આજે જ્યારે આટલા સારા ઑપ્શન્સ આપણી પાસે હોય તો એ વાપરવા જ જોઈએ. વળી એ એકદમ રીઝનેબલ હોય છે, મોંઘા ન કહી શકાય. મારી પાસે દરરોજનાં કામો માટે તો હાઉસહેલ્પ છે અને તે સારું જ કામ કરે છે, પરંતુ આ ઍપ સર્વિસિસને લીધે અમે મહિને એકાદ વાર તેને બોલાવીને વધારાની સફાઈ પણ કરાવી લઈએ છીએ એટલે દિવાળી પર કામ હોય, પણ એટલું બધું નથી હોતું.’

હાઉસહેલ્પ પાસે ઘર સાફ કરાવવું ખર્ચાળ પણ નથી એમ જણાવતાં અમીબહેન કહે છે, ‘આપણે એક વાર બહાર જમવા જઈએ અને જે ખર્ચો થાય એટલા રૂપિયામાં આખા વર્ષની સફાઈ થઈ શકે છે. વળી આ બધી ઍપ્સ પર ઑફર્સ પણ આવતી રહે છે. પ્રોફેશનલ કામ કરનારી આ છોકરીઓ સારું કામ કરી જાણે છે. રૂટીનમાં તમને લાગે કે ક્યાંય પહોંચાતું નથી તો ખેંચાવા કરતાં આવી પ્રોફેશનલ હેલ્પ લઈ લેવામાં જરાય ખોટું નથી.’


આપણા હાથે જેવું ચીવટથી કામ થાય એવું હાઉસહેલ્પ નથી કરતા: પૂર્વી ઓઝા, વિલે પાર્લે, ૪૭ વર્ષ

વિલે પાર્લેમાં રહેતાં પૂર્વીબહેન ટ્યુશન-ટીચર છે અને સવારે નવથી ૧૧ અને બપોરે ત્રણથી ૮ તેમનાં ટ્યુશન્સ રહે છે એટલે આમ જોઈએ તો આખો દિવસ જ નીકળી જાય. આ પરિસ્થિતિમાં દિવાળીની સફાઈ કરવી અઘરી પડે. જોકે પૂર્વીબહેનને નાનપણથી તેમનાં મમ્મીએ શીખવ્યું છે કે દિવાળીની સફાઈ તો જાતે જ કરવી જોઈએ. એ વિશે વાત કરતાં પૂર્વીબહેન કહે છે, ‘સમયનો અભાવ હોય પણ દિવાળીની સફાઈ જાતે કરવી મને ગમે છે. મહત્ત્વની મોટી-મોટી સફાઈ હું શનિ-રવિમાં કરું છું. બાકીની સફાઈ થોડી-થોડી કરીને દરરોજ કરતી રહું છું. ટાઇમ-મૅનેજમેન્ટ મુખ્ય થઈ જાય છે, પણ મનમાં એમ હોય કે આ કામ આપણે કરવાનું જ છે તો પછી એ અઘરું નથી હોતું.’

હાઉસહેલ્પ પાસે કે પ્રોફેશનલ લોકો પાસે તેઓ કેમ કામ નથી કરાવતાં એ વિશે વાત કરતાં પૂર્વીબહેન કહે છે, ‘નાનપણથી જે વ્યક્તિ કામ કરતી આવી હોય તેને કામની આદત અને સૂઝ બન્ને હોય છે. સમય સાથે ચાલવું સારું છે; પણ ઍપ્સ પરથી લોકોને બોલાવીને દિવાળીની સફાઈ કરવી મને ગમતી નથી, કારણ કે તેઓ નિશ્ચિત કલાકો આવે અને એમાં કામ કરે. મને એવું છે કે કામ નિશ્ચિત હોવું જોઈએ અને પર્ફેક્ટ થવું જોઈએ. સમય એના માટે જે લાગવાનો છે એ લાગવાનો જ છે.’

કામ કરતા રહીએ તો શરીર ચાલે, છોડી દઈશું તો નહીં થાય: હેમા ભૂતા, વિલે પાર્લે, ૬૧ વર્ષ

આપણે જેટલું કામ કરીએ એટલું શરીર ચાલે, જેવું કામ છોડી દઈએ એટલે શરીર પણ કામ કરવાનું છોડી દે છે. આ વાતમાં માનતાં હેમા ભુતા પોતાના ઘરની દિવાળીની સફાઈ ઘણીખરી જાતે જ કરે છે. થોડી હાઉસહેલ્પની મદદ પણ લે છે, પરંતુ બધું જાતે કરવામાં તેમને ફાવટ છે. જોકે તેમના ઘરમાં ફક્ત દિવાળીની નહીં, આખું વર્ષ થોડા-થોડા સમયે દિવાળી જેવી જ સફાઈ થતી રહે છે.

અમે ઘરે ગણપતિ લાવીએ એટલે એ પહેલાં અમારા ઘરમાં ખૂબ સફાઈ થાય એમ જણાવીને હેમાબહેન કહે છે, ‘ગણપતિ જાય પછી દિવાળી આવે ત્યારે પણ એટલી જ સફાઈ હું કરું. વળી મે મહિનામાં બધું તડકે મૂકવાનું હોય તો ત્યારની સફાઈ જુદી. આમ સફાઈ આખું વર્ષ ચાલ્યા કરે. મને એ બધું કરવું ગમે. એનાં અમુક ખાસ કારણોમાં એક કારણ એ કે બધું સાફ કરવાના ચક્કરમાં ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં છે એટલે જ્યારે જોઈતી હોય ત્યારે એકદમ હાથવગી થઈને સામે આવે. મારા પપ્પા હું નાની હતી ત્યારે મને કહેતા કે બધી જ વસ્તુની સાચવણ એવી હોવી જોઈએ કે અંધારામાં પણ તમે હાથ આગળ કરીને લઈ શકો. તમને ખબર હોય કે અહીં જ હશે. નાનપણથી આ આદતો મેં વિકસાવી છે એટલે આજે પણ ચોક્કસ રહી શકું છું. સફાઈ કોઈ કરે તો એમાં ઘર સાફ થઈ જાય, પરંતુ ડી-ક્લટર ન થઈ શકે. કઈ વસ્તુ અલગ કરવી અને કઈ વસ્તુ રાખી મૂકવી એ ન સમજી શકાય. જો એ કામ ન થાય તો પછી સફાઈ પૂરી થઈ એવું ગણાય નહીં. વળી દરેક વસ્તુને તમે સાચવીને રાખો, વ્યવસ્થિત મૂકો, જાળવો તો એને ફરી ઉપયોગમાં લઈ શકાય. આ બધી વસ્તુ ત્યારે શક્ય બને છે જ્યારે તમે ખુદ સફાઈ કરો. ભગવાનની કૃપાથી મારાં હાડકાં ચાલે છે તો હું કામ કરું છું. રસ હજી સુધી જળવાઈ રહ્યો છે એટલે કરી શકું છું. જો મારાથી ન થાત તો ચોક્કસ બીજા પર જ છોડવું પડે એની ના નહીં.’

વર્કિંગ મ‌હિલાઓ માટે તો દિવાળીની સફાઈ જાતે કરવી અઘરી છે : દમયંતી બારોટ, અંધેરી, ૫૬ વર્ષ

દમયંતીબહેન શ્રીમતી આર. એન. શેઠ વિદ્યામંદિરનાં પ્રિન્સિપાલ છે. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની બાંધેલી હાઉસહેલ્પ પાસે દિવાળીની સફાઈ કરાવી લે છે. તેઓ નાનાં હતાં ત્યારે જાતે ઘર સાફ કરતાં, પણ જવાબદારીવાળી નોકરી કરતાં-કરતાં દિવાળીની સફાઈ માટે સમય કાઢવો અઘરો છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘એક સમય હતો કે દિવાળીની સફાઈમાં સ્ત્રીઓ હંમેશાં લાગી જતી, કારણ કે મોટા ભાગે એ સમયે સ્ત્રીઓ હોમમેકર હતી. કામ કરતાં-કરતાં હવે ઘર માટે માંડ સમય નીકળતો હોય એમાં ઘરની સફાઈ માટે સમય કાઢવો અઘરો છે. વળી હાઉસહેલ્પ સારા મળી જાય તો ટેન્શન હોતું નથી. જે બહેન મારે ત્યાં કામ કરે છે તેઓ ઘરને અને અમને સારી રીતે ઓળખે છે એટલે તેઓ ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ રીતે તેમને પણ રોજગાર મળે છે, તેમનું પણ ઘર ચાલે છે. મને આ સિસ્ટમ માફક આવે છે.’

વર્કિંગ વુમનને અઠવાડિયામાં એક વાર રજા મળે છે. આ સમયે ઘણી વર્કિંગ લેડીઝ ઘરનાં સફાઈ જેવાં કામ કરતી હોય છે. આ વિશે વાત કરતાં દમયંતીબહેન કહે છે, ‘શરૂઆતનાં વર્ષોમાં હું પણ એવું જ કરતી, પણ આજકાલ અઠવાડિયામાં મળતો એક રજાનો દિવસ એવું લાગે કે ખુદ માટે જીવી લઈએ. એ સમય ખુદને આપીએ અને ઘરનાં, બહારનાં, પોતાનાં અને બીજા લોકોનાં કામોથી મુક્ત થઈને ફક્ત મનને ગમે એમ શાંતિથી જીવીએ. એટલે છેલ્લા થોડાક સમયથી રજાના દિવસે આ બધાં કામ કરવાનું મેં બંધ કર્યું છે.’

 

 

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 10:36 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK