Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નાટ્ય દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન અને પત્રોનો સંબંધ આગળ વધારતું નાટક ‘લેટર્સ ઑફ સુરેશ’

નાટ્ય દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન અને પત્રોનો સંબંધ આગળ વધારતું નાટક ‘લેટર્સ ઑફ સુરેશ’

06 May, 2024 05:02 PM IST | Mumbai
Chirantana Bhatt | chirantana.bhatt@mid-day.com

મિનિમલિઝમથી મજેસ્ટિક સુધી કામ કરનારા ફિરોઝ અબ્બાસ ખાન એક દિગ્દર્શક તરીકે પોતાના વિચારોને, પોતાના વિઝનને એક્ટર્સ સુધી કેવી રીતે પહોંચાડે છે તેની વાત માંડે છે

દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન તથા લેટર્સ ઑફ સુરેશનું પોસ્ટર

Exclusive

દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન તથા લેટર્સ ઑફ સુરેશનું પોસ્ટર


કી હાઇલાઇટ્સ

  1. `લેટર્સ ઑફ સુરેશ`ના શોઝ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં (NMACC) 9થી 12મી મે દરમિયાન થશે
  2. ચાર પાત્રોની જિંદગી જેમાં એકબીજા સાથે જોડાયેલી, વણાયેલી છે એવું આ નાટક ઝંખનાની વાત માંડે છ
  3. આ નાટક દર્શકોને એવો અનુભવ આપશે જે આ પહેલા કદાચ ક્યારેય નહીં મળ્યો હોય

‘તુમ્હારી અમૃતા’, ‘સિવિલાઇઝેશન ટુ નેશન’, ‘મુઘલ-એ-આઝમ – ધ મ્યુઝિકલ’, ‘ડેથ ઑફ અ સેલ્સમેન’ જેવા થિએટર પ્રોડક્શન્સના સર્જક અને ‘ગાંધી માય ફાધર’ જેવી ફિલ્મ આપનારા ફિરોઝ અબ્બાસ ખાન નવું નાટક ‘લેટર્સ ઑફ સુરેશ’ લઇને આવી રહ્યા છે. એકોક્તિઓ અને એક સીધા સંવાદની કડીઓથી વણાયેલું  નાટક પત્રોના માધ્યમથી પોતાની વાર્તા આગળ લઇ જાય છે. 

આ નિમિત્તે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરતાં કહ્યું કે,"આ નાટક વાંચ્યું અને મને થયું કે આ નાટકનું હાર્દ બહુ અલગ છે. ભલે મેં વર્ષો સુધી ‘તુમ્હારી અમૃતા’ નાટક કર્યું, જેમાં પત્રો અગત્યનો હિસ્સો હતા પણ ‘લેટર્સ ઑફ સુરેશ’ એક જુદાં પ્રકારની અભિવ્યક્તિ છે. આ નાટકને શબ્દોમાં વર્ણવવું શક્ય નથી અને માટે જ પરફોર્મન્સ યોજવું, તેનું મંચન કરવું અગત્યનું છે. આ નાટકની શક્યતાઓ બહુ ગહેરી છે અને હું એમ જ કહીશ કે આ નાટક એક અનુભવ છે."



મિનિમલિઝમથી મજેસ્ટિક સુધી કામ કરનારા ફિરોઝ અબ્બાસ ખાન એક દિગ્દર્શક તરીકે પોતાના વિચારોને, પોતાના વિઝનને એક્ટર્સ સુધી કેવી રીતે પહોંચાડે છે તેની વાત માંડતા કહે છે, “નાટકની વાત આવે ત્યારે દિગ્દર્શક લેખકની વાતને મંચ પર લાવે છે. જે વાત કાગળ પર ટંકાયેલી હોય અને અદ્ભુત લાગે ત્યારે તેને એટલી જ સરસ રીતે મંચ પર કેવી રીતે મુકવી એ કામ ખરેખર તો અભિનેતા જ કરતાં હોય છે. દિગ્દર્શકનું કામ એ હોય છે કે લખાણની નાજુકાઇ અને ગહેરાઇ એક્ટર્સ થકી એ રીતે પહોંચાડે કે એ લખાણ મંચ પર યોગ્ય રીતે પ્રસ્તુત થઇ શકે. દિગ્દર્શક એક્ટરને કઇ રીતે સ્પષ્ટતા આપે છે, કઇ રીતે તેને વાર્તામાં પરોવે છે, તેને કઇ રીતે વાત સમજાવી શકે છે એ જ સૌથી મોટી જવાબદારી હોય છે.”  આ નાટક કરતા પહેલાં તેમણે એક્ટર્સની સાથે વર્કશોપ્સ કરી અને એ દરમિયાન એ તાગ મેળવ્યો કે આ નાટક મંચન દરમિયાન કઈ રીતે વ્યક્ત થાય છે અને કઇ રીતે દર્શકો સુધી પહોંચે છે અને પછી આ નાટક તૈયાર કરવાનો નિર્ણય લીધો. આ નાટકની સ્ક્રિપ્ટ પહેલીવાર વાંચી ત્યારે તેમનો શું પ્રતિભાવ હતો તેની વાત કરતાં ફિરોઝ અબ્બાસ ખાને કહ્યું  કે આ નાટક વાંચતી વખતે તે પોતે તેનાથી જોડાયા, એવી ક્ષણ પણ આવી જ્યારે તેઓ પોતાના આંસુ ન ખાળી શક્યા.


કોઇએ આ નાટક શા માટે જોવું જોઇએ એવા પ્રશ્નના જવાબમાં તે કહે છે, “ચાર પાત્રોની જિંદગી જેમાં એકબીજા સાથે જોડાયેલી, વણાયેલી છે એવું આ નાટક ઝંખનાની વાત માંડે છે. આ નાટક સવાલોથી ભરેલું છે અને આ નાટકનો દરેકેદરેક હિસ્સો એવો છે જેની સાથે તેને જોનારો એકેએક દર્શક જોડાઇ શકશે. બધા જવાબો મળી જાય તો પછી જિંદગીમા કંઇ રહેતું નથી પણ આ નાટક તમને સતત સવાલો આપે છે અને માટે જ આ નાટક વિશે કંઇ બહુ કહેવું સરળ નથી. આ નાટક દર્શકોને એવો અનુભવ આપશે જે આ પહેલા કદાચ ક્યારેય નહીં મળ્યો હોય, આ એક અત્યંત સંવેદનશીલ નાટક છે.”
આ નાટકે મને સમૃદ્ધ બનાવ્યો છે એમ કહી ફિરોઝ અબ્બાસ ખાન ઉમેરે છે કે આ નાટક જોનાર દરેક વ્યક્તિને અનુભવની સમૃદ્ધી મળશે. `લેટર્સ ઑફ સુરેશ` નાટકના શોઝ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં (NMACC) 9થી 12મી મે દરમિયાન યોજાશે. 


વીર હિરાણી અને પોલોમી ઘોષ

વીર હિરાણી અને પોલોમી ઘોષ, રાધિકા સ્વાહની અને હર્ષ સિંઘ સાથે આ નાટકમાં પરફોર્મ કરી રહ્યા છે. વીર હિરાણી, જાણીતા ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાણીનો દીકરો છે જેણે ધી રોયલ એકેડેમી ઑફ ડ્રામેટિક આર્ટમાંથી એક્ટિંગની તાલીમ લીધી છે અને મૂળ વડોદરાની પોલોમી ઘોષ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે જે ન્યૂયોર્કમાં એપ્લાઇડ મેથેમેટિક્સ ભણ્યા બાદ એક્ટિંગ અને જેઝ મ્યુઝિક તરફ વળી છે. રાજીવ જોસેફે લખેલું આ નાટક લાગણીઓના તાણાવાણા, ઝંખના, કંઇક ગુમાવ્યા બાદ જાતને શોધની મથામણ જેવી લગાણીઓની આસપાસ વણાયેલું છે. 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 05:02 PM IST | Mumbai | Chirantana Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK