આ માટેના કારણની સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું કે હું રાહ જોઈ રહ્યો છું કે મારો નાનો ભાઈ મને આ ફિલ્મ બતાવે
રાહુલ ખન્ના
સુપરહિટ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાનાં રોલ અને ઍક્ટિંગ ફિલ્મમાં સૌથી વધારે હાઇલાઇટ થયાં છે અને તે રહમાન ડકૈતના રોલમાં છવાઈ ગયો છે. આ ફિલ્મથી અક્ષયની લોકપ્રિયતામાં સારો એવો વધારો થયો હોવા છતાં તેના મોટા ભાઈ રાહુલ ખન્નાએ તે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હોવા છતાં ‘ધુરંધર’ વિશે કંઈ પોસ્ટ નથી કરી. રાહુલના આ વર્તનથી એવી ચર્ચા થવા લાગી છે કે તેના અને નાના ભાઈ અક્ષય ખન્નાના સંબંધોમાં સમસ્યા છે.
જોકે થોડા સમય પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં રાહુલે ‘ધુરંધર’ અને અક્ષયના વાઇરલ લુક વિશે વાત કરી હતી. તેણે સ્વીકાર્યું કે તેણે હજી સુધી ફિલ્મ જોઈ નથી અને કહ્યું કે તેને પૂરો વિશ્વાસ છે કે અક્ષય આ પાત્રમાં ખૂબ જ શાનદાર લાગતો હશે. આ વાત કરતાં રાહુલે કહ્યું હતું કે ‘મેં હજી સુધી ફિલ્મ જોઈ નથી. હું રાહ જોઈ રહ્યો છું કે અક્ષય મને ફિલ્મ બતાવે. જોકે તે જે કંઈ પણ પહેરે છે એ તેને બહુ સારું લાગે છે અને મને ખાતરી છે કે તે શાનદાર લાગતો હશે.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં અક્ષય સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં રાહુલે જણાવ્યું હતું કે ‘મારા ભાઈ સાથેનો સંબંધ મારાં માતા-પિતાથી અલગ હતો એટલે પિતાના અવસાન પછી એમાં કોઈ બદલાવ આવ્યો નથી. કોઈ પણ માણસ માટે સૌથી નજીકનો પરિવાર માતા-પિતા અને ભાઈ-બહેન જ હોય છે અને જ્યારે આ પરિવાર નાનો થવા લાગે ત્યારે જે બાકી રહે છે એને આપણે વધુ સંભાળીને રાખીએ છીએ.’


