નિયમપાલન અને દૃઢ સંકલ્પની આ પ્રેરણાદાયી કથા એક એવા યુવકની છે જેણે દંડ વધારતા-વધારતા સામાયિક પ્રત્યેની સભાનતા એવી કેળવી કે અંતે વર્ષોથી એક પણ દંડ વિના નિયમ જાળવી રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
લગભગ ૪૫ વર્ષ પહેલાંનો આ પ્રસંગ. ચાતુર્માસ હતું સુરતમાં.
લગભગ ૧૬૦૦ યુવાનોથી લબાલબ ૧૩ રવિવારીય શિબિરમાં પાપત્યાગવાળું સામાયિક જીવમાત્ર પ્રત્યેના પ્રેમને ચરિતાર્થ કરવા કેટલું અસરકારક અને અનિવાર્ય છે એની વાત એક શિબિરમાં કરી. અનેક યુવાનોએ એ પ્રેરણાને ઝીલીને સામાયિકનો નિયમ તો લીધો, પણ એક યુવાને કમાલ કરી.
‘બે વર્ષ સુધી રોજનું એક સામાયિક અને રહી જાય તો ૧૦૦ રૂપિયાનો દંડ.’
આ નિયમ આંખમાં હર્ષાશ્રુ સાથે લીધો.
બે વર્ષ બાદ તે યુવક નવસારીમાં મળવા આવ્યો. મેં તરત પૂછ્યું, ‘સામાયિકના લીધેલા નિયમનું પાલન...’
‘ગુરુદેવ, એ જ વાત કરવા આવ્યો છું. બે વર્ષમાં ૨૦૦ દિવસ સામાયિક રહી ગયાં છે અને દંડરૂપે ૨૦,૦૦૦ રૂપિયાનો સવ્યય કરી દીધો છે. આજે એ જ નિયમ થોડાક ફેરફાર સાથે લેવો છે.’
‘શું ફેરફાર કરવો છે?’
‘બે વર્ષ સુધી રોજનું એક સામાયિક અને રહી જાય તો ૧૦૦૦ રૂપિયાનો દંડ.’
મારી સ્તબ્ધતા વચ્ચે તેણે એ નિયમ લીધો અને બે વર્ષ બાદ મને તે મુંબઈ મળવા આવ્યો. હું તેને કંઈ પૂછું એ પહેલાં તેણે સામેથી જ વાત કાઢી.
‘ગુરુદેવ, દંડપેટે તો આ વખતે પણ ૨૦,૦૦૦ રૂપિયા જ ચૂકવ્યા, પણ શરૂઆતનાં બે વર્ષમાં ૨૦૦ સામાયિક રહી ગયાં હતી જ્યારે આ વખતનાં બે વર્ષમાં માત્ર ૨૦ સામાયિક જ રહી ગયાં છે’
‘હવે શું કરવું છે?’
‘નિયમમાં ફેરફાર...’ તેણે હિંમત સાથે હર્ષભેર કહ્યું, ‘બે વર્ષ સુધી રોજનું એક સામાયિક અને રહી જાય તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ.’
હર્ષાશ્રુ સાથે મેં તેને નિયમ આપ્યો અને તેણે લીધો.
બે વર્ષ પછી તે મને સાબરમતી મળવા આવ્યો.
‘ગુરુદેવ, દંડ તો ૨૦,૦૦૦નો જ ભર્યો, પણ બે વર્ષમાં સામાયિક તો બે જ રહી ગયાં. હવે નિયમ આપી દો કાયમનો. સામાયિક રહી જાય તો ૧૦,૦૦૦નો દંડ!’
મજા જુઓ. એ પછી એક પણ રૂપિયાના દંડ વિના તે યુવકનાં વર્ષોથી સામાયિક ચાલી રહ્યાં છે. છેને કમાલ? છેને સલામ? કામ કરવા માટે મન હોવું જોઈએ, પણ મનની સાથોસાથ ભાવ પણ હોવો જોઈએ. ટ્રાફિકનો દંડ ભરી દેવાની ક્ષમતા હોય તો પણ જો નિયમ ન તોડવાની સભાનતા હોવી જોઈએ તો ધર્મમાં પણ નિયમપાલનની ખાનદાની હોવી જ જોઈએ.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
