Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નિવારણસ્વરૂપ બનવાનો નિશ્ચય કરીને કારણોનું અસ્તિત્વ મિટાવી દો

નિવારણસ્વરૂપ બનવાનો નિશ્ચય કરીને કારણોનું અસ્તિત્વ મિટાવી દો

10 May, 2024 07:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેટલું આપણે પોતાની  આત્મિક શક્તિમાં વધારો કરીશું અને એને પોતાનાં કર્મોમાં ઉતારીશું એટલા આપણે નિવારણસ્વરૂપ બનતા જઈશું.

રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

અંતરખોજ

રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી


એક પ્રખ્યાત કહેવત છે, ‘દુનિયામાં એવું કોઈ તાળું નથી બન્યું જેની ચાવી ન હોય.’ એવી જ રીતે કોઈ પણ કારણ એવું નથી જેનું નિવારણ આંતરિક શક્તિ અને વિવેકબુદ્ધિ દ્વારા નીકળી ન શકે. ઇતિહાસમાં વર્ણવેલા એક પ્રેરણાત્મક પ્રસંગ અનુસાર જ્યારે નેપોલિયનના સૈનિકો ઉચ્ચતમ આલ્પ્સ પર્વત જોઈને થોભી ગયા ત્યારે નેપોલિયને તેમને કહ્યું કે ‘તમે એમ સમજો કે આલ્પ્સ છે જ નહીં’. આ પ્રસંગમાં પર્વતનું આવવું કારણ છે, પરંતુ નેપોલિયનના અદમ્ય ઉત્સાહ અને  આત્મવિશ્વાસે એના અસ્તિત્વને નકારીને, એનું નિવારણ કરીને વિજયનો માર્ગ મોકળો કર્યો હતો. બરાબર એવી જ રીતે આપણા સૌના જીવનમાર્ગમાં પણ ઘણાં કારણો પર્વત કરતાંય ઊંચું રૂપ ધારણ કરીને પ્રકટ થાય છે. એ સમયે જો આપણે પણ નેપોલિયનની જેમ જ એવું વલણ રાખીએ કે ‘આ કારણ અથવા સમસ્યા ન તો મારી પોતાની વસ્તુ છે અને ન તો એ પરમાત્મા દ્વારા આપેલી કોઈ મિલકત છે જેના લગાવ અથવા પ્રભાવમાં હું આવું’ તો ખરેખર એ અસ્તિત્વહીન થઈને આપણો માર્ગ છોડી દેશે. યાદ રહે, જીવનયાત્રામાં કારણ તો ડગલે ને પગલે આવશે જ, પરંતુ ‘મારે નિવારણસ્વરૂપ બનવું જ છે’ એ નિશ્ચયથી આપણે તમામ પ્રકારનાં કારણોને અસ્તિત્વહીન બનાવી શકીએ છીએ.

કેટલીક વાર આપણે કારણો મોઢેથી સંભળાવી દઈએ છીએ અને કેટલીક વાર આપણે મનમાં ને મનમાં એના વિશે ચિંતન કરતા રહીએ છીએ અને એની અંદર ગૂંચવાતા જઈએ છીએ. વાસ્તવમાં જોવા જઈએ તો કારણમાં હોતું કંઈ નથી, પરંતુ જેમ એક નાનું બાળક કાગળના વાઘથી ગભરાઈ જાય છે એવી જ રીતે આપણે પણ પાયા વિનાનો કિલ્લો ઊભો કરીને એનાથી ભયભીત થતા રહીએ છીએ અને પોતાના જીવનની ગતિને ધીમી કરીને વારંવાર અવરોધિત થનારી ચાલ અપનાવી લઈએ છીએ. જે રીતે એક સાંકડી ગલીમાં કોઈ વાહન અધવચ્ચે બંધ પડી જવાથી, એની પાછળ ઊભેલાં અન્ય વાહનોએ પણ અટકવું પડે છે એ જ રીતે જ્યારે આપણે પણ બિનજરૂરી કારણોરૂપી ખાડો ખોદીને એને ભરવાના પ્રયત્નમાં લાગી જઈએ છીએ ત્યારે આપણને એ નથી સમજાતું કે આપણી આ મૂર્ખતાને કારણે અનેક લોકોની યાત્રા ધીમી પડી જાય છે અને એ બધાનો બોજ છેવટે આપણે માથે જ ચડે છે. માટે કારણરૂપ અવરોધને પેદા જ થવા ન દો. એમાં આપણી અને સૌની ભલાઈ છે. જે રીતે અાકનું ફૂલ પથરીલી, ઉજ્જડ જમીનમાં પણ ઊગી જાય છે, પરંતુ ગુલાબને પેદા કરવા માટે જમીન તૈયાર કરવી પડે છે એવી જ રીતે કારણોનું નિવારણ કરી શકે એવી મનોભૂમિ દિવ્ય જ્ઞાન અને યોગના બળ વડે તૈયાર કરવી પડે છે. જેટલું આપણે પોતાની  આત્મિક શક્તિમાં વધારો કરીશું અને એને પોતાનાં કર્મોમાં ઉતારીશું એટલા આપણે નિવારણસ્વરૂપ બનતા જઈશું.      


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK