જોકે આ માત્ર કોઈ ધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત નથી, આ વિધિ પાછળ આયુર્વેદનું ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે
પહેલાં તલના તેલનું અભ્યંગ અને પછી કરો ઉબટનસ્નાન
નરક ચતુર્દશીએ સૂર્યોદય પહેલાં આખા શરીરે તલના તેલની માલિશ (અભ્યંગ) કરીને, ત્યાર બાદ ઔષધીય ઉબટન લગાવીને સ્નાન કરવાની પ્રાચીન પરંપરા છે. એવી માન્યતા છે કે આ દિવસે અભ્યંગસ્નાન કરવાથી શરીરનું તેજ વધે છે, રૂપ નિખરે છે અને અકાળ મૃત્યુ તેમ જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જોકે આ માત્ર કોઈ ધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત નથી, આ વિધિ પાછળ આયુર્વેદનું ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે
દિવાળી હિન્દુઓનો સૌથી મોટો ઉત્સવ છે. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ દિવસો માત્ર બહારના દીવા પ્રગટાવવાનો અવસર જ નથી; અંદરની ચેતના અને શરીરના સ્વાસ્થ્યને ઉજાગર કરવાનો અવસર પણ છે. આપણી પ્રાચીન કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. જ્યારે આપણે ઘરમાં લક્ષ્મીજી, સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાને આવકારવાની તૈયારી કરતા હોઈએ ત્યારે એ દિવ્ય ઊર્જાને ધારણ કરવા આપણું શરીર અને મન પણ એટલું જ પવિત્ર, શુદ્ધ અને તેજસ્વી હોવું જોઈએ. નવરાત્રિના ૯ દિવસની ઉજવણી, ઉપવાસ, ગરબાની દોડધામ અને દિવાળીની સાફસફાઈ બાદ શરીર ખૂબ થાકી જતું હોય છે. આ શારીરિક થાક અને માનસિક તનાવને ઉતારવા માટે કાળીચૌદસના દિવસે પરોઢે કરવામાં આવતું અભ્યંગસ્નાન ઔષધિ બનીને આવે છે. અભ્યંગનો શાબ્દિક અર્થ શરીર પર કોઈ પણ પ્રકારનું ઔષધયુક્ત તેલ અથવા ઘી લગાવવું, ચોળવું કે માલિશ કરવી એવો થાય છે. આમાં માથાના વાળથી લઈને પગનાં તળિયાં સુધી માલિશ કરવામાં આવે છે. આયુર્દેવમાં તો રોજિંદી સેલ્ફ-કૅરના ભાગરૂપે આ માલિશ કરવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
અભ્યંગના ફાયદાઓ
અભ્યંગનું મહત્ત્વ સમજાવતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘જેવી રીતે ઘરમાં નાનું બાળક જન્મે ત્યારે તેને બળ આપવા માટે માલિશ કરવામાં આવે છે અથવા પ્રસૂતિ પછી સ્ત્રીના શરીરની ક્ષીણ થયેલી ઊર્જા પાછી લાવવા માટે માલિશ કરવામાં આવે છે એવી જ રીતે વર્ષ દરમ્યાન સંચિત થયેલા થાકને ઉતારીને શરીરને નવજીવન આપવા માટે કાળીચૌદસના દિવસે આખા શરીરે અભ્યંગસ્નાન કરવામાં આવે છે. દિવાળી એવો સમયગાળો છે જ્યારે ઋતુમાં મોટો બદલાવ આવી રહ્યો હોય છે. આપણે વર્ષાઋતુ અને શરદઋતુમાંથી ધીમે-ધીમે હેમંત એટલે કે ગુલાબી ઠંડી તરફ આગળ વધી રહ્યા હોઈએ છીએ. આ ઋતુસંક્રમણ દરમ્યાન વાતાવરણમાં શુષ્કતા એટલે કે ડ્રાયનેસ વધે છે. વાતાવરણની સીધી અસર આપણા શરીર પર થાય છે જેના લીધે ત્વચાની ભેજ જાળવી રાખવાની ક્ષમતા ઓછી થાય છે અને ત્વચા રુક્ષ, બરછટ અને નિર્જીવ બનવા લાગે છે. આયુર્વેદ અનુસાર આ સમયે શરીરમાં વાતદોષનો પ્રકોપ વધવાની શરૂઆત થાય છે. વાયુનો મુખ્ય ગુણ રુક્ષતા અને ઠંડક છે. આયુર્વેદના ગ્રંથોમાં તેલોમાં તલના તેલને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આહાર માટે હોય કે અભ્યંગ માટે, તલનું તેલ અજોડ છે. તલના તેલની પ્રકૃતિ ગરમ અને સ્નિગ્ધ (ચીકણી) હોય છે. એ શરીરમાં ઊંડે સુધી ઊતરીને વધેલા વાયુદોષનું શમન કરે છે. અભ્યંગ કરવાથી શરીરમાં આંતરિક ઉષ્ણતા અને ઊર્જા પેદા થાય છે જે આવનારા કડકડતી ઠંડીના દિવસો સામે શરીરને સુરક્ષા-કવચ પૂરું પાડે છે. તલનું તેલ ત્વચાના સ્તરોને પોષણ આપીને ચહેરા અને અંગો પર એક કુદરતી ગ્લો, ચમક અને આભા લાવે છે. અભ્યંગ શરીરના ઊંડા કોષો અને ૭ ધાતુઓ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર સુધી પહોંચીને અંદરની શુષ્કતા દૂર કરે છે. તેલની માલિશથી આખા શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે અને લિમ્ફેટિક સિસ્ટમ સક્રિય થાય છે જે જમા થયેલા ઝેરી ટૉક્સિન્સને નિકાલ તરફ ધકેલે છે.’
કઈ રીતે કરશો?
અભ્યંગ કઈ રીતે કરવું જોઈએ એ વિશે વાત કરતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘અભ્યંગ હંમેશાં ઉપરથી શરૂ કરીને નીચેની તરફ કરવામાં આવે છે. થોડું તેલ માથાના વચ્ચેના ભાગમાં એટલે કે તાળવામાં મૂકવું જોઈએ. આંગળીઓનાં ટેરવાંથી ગોળાકાર ગતિમાં આખા સ્કૅલ્પ પર હળવા હાથે માલિશ કરવી જોઈએ. કાન-ચહેરા પર મધ્યમાંથી શરૂ કરીને ઉપર અને બહારની તરફ હળવા હાથેથી મસાજ કરવો જોઈએ. કાનની બૂટી અને કાનની પાછળ તેલ લગાવીને થોડો મસાજ કરવો જોઈએ. લાંબાં હાડકાં જેમ કે હાથ અને પગના નળા પર ઉપરથી નીચે તરફ લાંબા સ્ટ્રોક કરવા જોઈએ. ખભા, કોણી, કાંડાં, થાપા, ઘૂંટણ જેવા સાંધાના ભાગો પર હંમેશાં ગોળાકાર ગતિમાં માલિશ કરવી જોઈએ. છાતી અને પેટના ભાગે ખૂબ જ હળવા હાથે ક્લૉકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળાકાર મસાજ કરવો જોઈએ. પગનાં તળિયાં અને આંગળીઓના વચ્ચેના ભાગમાં સારી રીતે તેલ ઘસવું જોઈએ.’
દિવાળીનો તહેવાર માત્ર બહારના દીવા પ્રગટાવવાનો કે નવું ખરીદવાનો ઉત્સવ નથી. એ આપણા શરીર, મન અને આત્માને ઊંડાણપૂર્વક શુદ્ધ કરવાનો અવસર છે. આપણી આ પ્રાચીન પરંપરાઓ માત્ર રૂઢિઓ નથી, વિજ્ઞાન અને પ્રકૃતિ સાથે તાલ મિલાવવાની અદ્ભુત જીવનશૈલી છે. આ કાળીચૌદસે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ પાછળ દોડવા કરતાં આયુર્વેદના આ સરળ અને શાશ્વત્ નિયમ અપનાવીએ. તલના તેલની માલિશ અને ઔષધીય ઉબટનથી માત્ર ત્વચા જ નહીં, આપણો આંતરિક ઊર્જાપ્રવાહ પણ પ્રફુલ્લિત થશે. આ દિવાળીએ આપણી પરંપરા સાથે જોડાઈને શરીરને આપીએ એક સાચું આયુર્વેદિક ડીટૉક્સ અને સ્વાસ્થ્યનું નવું તેજ.
શું કાળજી રાખવી?
ઘરે અભ્યંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વાત કરતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘અભ્યંગ માટે શુદ્ધ તલનું તેલ વાપરવું જોઈએ. તેલ ક્યારેય સીધું ઉકાળવું નહીં કે વધુ પડતું ગરમ ન કરવું. તેલને હૂંફાળું ગરમ કરવું. આ માટે એક વાટકીમાં તેલ લઈને એને ગરમ પાણી ભરેલા મોટા વાસણમાં થોડી વાર મૂકી રાખીને ગરમ કરી શકાય. માલિશ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારે છે. માલિશ ખાલી પેટે કરવું જોઈએ. જો સવારે ભારે નાસ્તો કર્યો હોય તો તરત માલિશ ન કરવી જોઈએ. નાસ્તા અને માલિશ વચ્ચે ઓછામાં ઓછો ૪૫ મિનિટથી એક કલાકનો ગાળો રાખવો. જો સવારે સમય ન મળે તો રાત્રે પણ થઈ શકે. રાત્રે જમ્યાના બે કલાક પછી અભ્યાંગ કરી શકો. એ પછી સ્નાન કરીને સૂવાથી સારી ઊંઘ આવે છે. માલિશ કર્યા પછી તરત જ નાહવા ન દોડવું. ઓછામાં ઓછી ૨૦ મિનિટ અને શક્ય હોય તો ૪૫ મિનિટથી એક કલાક સુધી તેલને શરીરમાં રહેવા દેવું, જેથી એ ત્વચાના સાતેય ધાતુ-સ્તરો સુધી પહોંચી શકે. માલિશ કર્યા પછી AC રૂમમાં બેસવાને બદલે નૉર્મલ રૂમ-ટેમ્પરેચર પર જ બેસવું જોઈએ. માલિશથી ત્વચાનાં રોમછિદ્રો ખૂલે છે. જો એ સમયે તરત જ ACની ઠંડી હવામાં જવામાં આવે તો ઠંડીને લીધે રોમછિદ્રો તાત્કાલિક સંકોચાઈ જાય છે. પરિણામે તેલ ત્વચાના ઊંડા સ્તરો સુધી પૂરેપૂરું શોષાઈ શકતું નથી. આ દરમ્યાન જો વહેલી સવારનો કુમળો તડકો ઉપલબ્ધ હોય તો થોડી વાર સૂર્યપ્રકાશમાં બેસવું. તેલ અને સૂર્યકિરણોના સંયોગથી શરીરમાં વિટામિન D અને કૅલ્શિયમનું શોષણ અનેકગણું વધી જાય છે. આ સમયગાળામાં હળવાં યોગાસન, પ્રાણાયામ કે હળવી કસરત કરી શકાય છે. માલિશ કર્યા પછી ક્યારેય સ્નાન કરતી વખતે સાબુ કે બૉડીવૉશનો ઉપયોગ ન કરવો જોઈએ. સાબુમાં રહેલાં કેમિકલ્સ ત્વચા પરથી તેલને સંપૂર્ણપણે ખેંચી લે છે અને અભ્યંગ દ્વારા ત્વચાને મળેલા પોષણ અને મૉઇશ્ચરનો નાશ થાય છે. એને બદલે ઉબટનનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં રેડીમેડ આયુર્વેદિક ઉબટન મળે જ છે. ઘરે પણ તમે ચણાનો લોટ, હળદર, ચંદન, સંતરાની સૂકી છાલનો પાઉડર, મસૂરની દાળના લોટનો ઉપયોગ કરીને ઉબટન બનાવી શકો. સૂકા પાઉડરને પેસ્ટ બનાવવા માટે કાચું દૂધ, ગુલાબજળ, છાશ કે પછી મધનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય સ્નાન કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેલમાલિશથી શરીરમાં જે કચરો (ટૉક્સિન્સ) છૂટો પડે છે એ હૂંફાળા પાણીના સ્નાનથી પરસેવા મારફત બહાર નીકળી જાય છે.’
