Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > લક્ષ્મીને પામવી હોય તો પહેલાં વિષ્ણુ બનવું પડે

લક્ષ્મીને પામવી હોય તો પહેલાં વિષ્ણુ બનવું પડે

Published : 17 June, 2026 02:11 PM | IST | Mumbai
Morari Bapu

કોઈ પોતાની નીચતાને પદથી દબાવી દે છે અને સંસાર તેને ઊંચો કહે છે. પોતાની નીચતાને, નિમ્નતાને, કનિષ્ઠતાને કોઈ પૈસાથી દબાવી દે છે અને દુનિયા તેને પણ મહાન કહે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વિકાસ, પ્રગતિ, સફળતા.

આ બધું આધ્યત્મિક સાથે ભૌતિક જગત માટે પણ આવશ્યક છે. ક્યારેક એમ કહેવાય છે કે પ્રગતિ અને શાંતિ પરસ્પરવિરોધી છે. ભૌતિક જગતમાં સફળતા મળે એટલે હંમેશાં સુખ મળે જ એવું બનતું નથી. આનું કારણ એ છે કે સફળતા કે પ્રગતિનો અર્થ જ આપણે બદલી કાઢ્યો છે. સફળતાને એના સાચા અર્થમાં લઈએ તો એ પ્રગતિ સાથે સુખ અને શાંતિ પણ આપશે.



સવાલ એ થાય કે સફળતાનો ખરો અર્થ શું? સફળતાનો અર્થ સમજતાં પહેલાં સંસારમાં કઈ રીતે સફળતા મેળવવામાં આવે છે એ જોઈ લઈએ.


ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે બે ઉપાય છે અને એ બન્નેનો જગત સ્વીકાર કરે છે. જોકે એક ઊંચાઈ એવી છે જેનું કોઈ મૂલ્ય નથી, બીજી ઊંચાઈ જ હકીકતમાં સાચી ઊંચાઈ છે. એક ઊંચાઈ તો એવી છે જેમાં આપણે આપણી નીચતાને દબાવી દઈએ છીએ, આપણી નીચતાને દબાવવા માટે જે પણ સાધનો છે એનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પોતાની નીચતાને પદથી દબાવી દે છે અને સંસાર તેને ઊંચો કહે છે. પોતાની નીચતાને, નિમ્નતાને, કનિષ્ઠતાને કોઈ પૈસાથી દબાવી દે છે અને દુનિયા તેને પણ મહાન કહે છે. કોઈ પોતાની નીચતાને પ્રતિષ્ઠાથી દબાવી દે છે, પણ દુનિયા એને પણ ઊંચાઈ આપે છે.

એક છે ઊંચાઈ મેળવવાનો આ રસ્તો અને બીજો રસ્તો છે કે કોઈ વસ્તુ પ્રારબ્ધ કે પુરુષાર્થથી મેળવાય. કોઈ પણ વસ્તુથી આપણે આપણી નીચતાને દબાવીએ નહીં પણ એને નિર્મૂળ કરીને ઊંચાઈ પ્રાપ્ત કરીએ.


ક્યારેય કોઈ સાથે સ્પર્ધા ન કરો. તમે પોતાની સાથે જ સ્પર્ધા કરો, બીજા સાથે નહીં. સ્વયં સાથે જ સ્પર્ધા કરવાથી દ્વેષ નહીં જન્મે. સ્પર્ધા વ્યક્તિત્વનું પતન કરે છે. સ્પર્ધાને સાધન બનાવશો તો કોઈ પણ સમાધાન નહીં આપે. કોઈ પણ સાધન સમાધાન ન આપી શકે. મારી એકાગ્રતા કેમ નથી વધતી? મારું ધ્યાન કેમ ન વધ્યું? બીજા સાથે સ્પર્ધા કરશો તો થાકી જાશો કે મારાથી આની વિદ્યા વધુ છે, મારાથી પૈસા વધુ છે, મારાથી આની પ્રતિષ્ઠા વધુ છે, મારાથી કારખાનાં વધુ છે. અરે! તમે ખુદ એક કારખાનામાં મજૂર હતા, આજે તમારી પાસે કારખાનાંઓ છે. પોતાને જુઓ, પોતાની પ્રગતિને જુઓ; બીજાની નહીં. બીજાઓમાં તો દુખી થઈ જશો. પોતાને જોઈને આગળ વધો, બધાને ખબર પડી જશે કે ગઈ કાલે તમે શું હતા? આજે પ્રભુની કૃપા, પછી વધુ કૃપા. પોતાની પ્રગતિ જુઓને તો દ્વેષનો સવાલ જ ઊભો નહીં થાય.

આમ સાધનશુદ્ધિથી મેળવેલી પ્રગતિ જ સાચી પ્રગતિ છે. પાત્રતા હોય તો વસ્તુ જરૂર પ્રાપ્ત થાય. લક્ષ્મીને પામવી હોય તો પહેલાં વિષ્ણુ તો બનવું પડે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 02:11 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK