Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ક્રિકેટના મેદાનની ક્રીઝથી લઈને રામાયણની લક્ષ્મણરેખા સુધી બધે જ મર્યાદાને સ્થાન

ક્રિકેટના મેદાનની ક્રીઝથી લઈને રામાયણની લક્ષ્મણરેખા સુધી બધે જ મર્યાદાને સ્થાન

Published : 12 May, 2026 12:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાત્રે કેટલા વાગ્યા સુધી જાગવું અને સવારે કેટલા વાગ્યા સુધી ઊંઘતા રહેવું એ બધું મર્યાદા સાથે જ યોગ્ય ગણાય

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


સિગ્નલ પર ઊભેલી ગાડીના ડ્રાઇવરની નજર સિગ્નલના થાંભલા પર છે. કલર પીળો થતાં જ તેણે ગાડી સ્ટાર્ટ કરી અને હજી ગ્રીન કલર થાય એ પહેલાં લાઇન ક્રૉસ કરી લીધી અને પત્યું. ફાઇન ભરવો પડ્યો. 

IPLની મૅચમાં બોલિંગ કરતી વખતે સહેજ ક્રીઝની બહાર પગ પડતાં નો-બૉલ અને ફ્રી હિટની લહાણી થાય છે. બ્લુ લાઇનની બહાર જતા બૉલને વાઇડનો દરજ્જો મળે છે. ક્રીઝની બહાર નીકળીને શૉટ મારવા જતાં જો બૉલ મિસ થયો અને સમયસર ક્રીઝમાં પાછા ફરી ન શક્યા તો સ્ટમ્પ્ડ. રન લેતી વખતે ક્રીઝની અંદર પહોંચે એ પહેલાં જો ફીલ્ડરનો થ્રો સ્ટમ્પ વિખેરી નાખે તો રન આઉટ. બે રન લેતી વખતે પહેલો રન ક્રીઝની અંદર બૅટ મૂક્યા વગર પૂરો કરે તો શૉર્ટ રન ગણીને બે રન દોડવા છતાં સિંગલનું સિગ્નલ મળે. બાઉન્ડરી પર ફીલ્ડિંગ કરનાર કે કૅચ કરનાર ફીલ્ડર જો બાઉન્ડરીને સહેજ પણ અડી જાય તો મેદાન પરના અમ્પાયરે આપેલા નિર્ણયને થર્ડ અમ્પાયર ફેરવી નાખે. પાવરપ્લેમાં પણ ૯ ખેલાડીને ૩૦ યાર્ડના સર્કલની અંદર રહેવાની મર્યાદા છે. માથા કરતાં ઉપર જતો બાઉન્સર વાઇડ ગણાય છે અને કમરથી ઉપરનો ફુલટોસ નો બૉલ ગણાય છે. ટૂંકમાં, સમગ્ર રમત ખેલાડીને માપમાં રહીને રમતાં શીખવાડે છે, જે ન હોય તો યુદ્ધના અને ક્રિકેટના મેદાન વચ્ચે કોઈ ફરક ન રહે. મેદાનની બહાર પણ ક્રીઝનો મહિમા જાળવવો ખૂબ જરૂરી છે. 



જીવનમાં મર્યાદાનું પાલન એ ક્રીઝનું ઔચિત્ય છે. મર્યાદા બહારનું ખાઈને માણસ માંદો પડે છે, ‘પીવાની’ મર્યાદા ઓળંગીને માણસ છાકટો બને છે, ખર્ચવાની પોતાની મર્યાદા ન સમજનારો છેવટે દેવાદાર બને છે અને વ્યાજે પૈસા લીધે રાખવાની મર્યાદા ન જાળવનારો છેવટે ‘નાદાર’ બને છે. 


રાત્રે કેટલા વાગ્યા સુધી જાગવું અને સવારે કેટલા વાગ્યા સુધી ઊંઘતા રહેવું એ બધું મર્યાદા સાથે જ યોગ્ય ગણાય. મર્યાદા બહારનો પરિશ્રમ માણસને તનથી તોડી નાખે છે. મર્યાદા બહારનું સ્ટ્રેસ કે વર્કલોડ માણસને મનથી તોડી નાખે છે. આવકથી વધુ કે ભવિષ્યના ખ્યાલ વગરનો ખર્ચ વ્યક્તિને ધનથી બરબાદ કરી નાખે છે. મર્યાદાહીન મિત્રોની સોબત માણસને જીવનથી ખલાસ કરી નાખે છે.

રામાયણના સીતાપહર પ્રસંગમાં શું બચ્યું? રામ જીતીને અયોધ્યા ગયા, લક્ષ્મણ-સીતા પણ સાથે ગયાં, રાવણ મરી ગયો, યુદ્ધ પૂરું થયું; પણ એક લક્ષ્મણરેખા હજી અકબંધ ઊભી છે જે બયાન આપે છે કે સીતાજીએ મને ઓળંગવાની ભૂલ ન કરી હોત તો રામાયણ યુદ્ધમુક્ત અને રાવણ વગરનું હોત. ક્રિકેટના મેદાનની ક્રીઝથી લઈને રામાયણની લક્ષ્મણરેખા સુધી બધે જ મર્યાદાને સ્થાન છે. જીવન મર્યાદિત છે એટલે એ મર્યાદાથી જ શોભે છે. આધુનિક જીવનશૈલીને કારણે આકાશમાં રહેલું ઓઝોન વાયુનું પડ ચિરાઈ ગયું છે અને પરિણામે સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણો હવે સીધાં જ માણસની ચામડીને દઝાડે છે. મર્યાદાધર્મ એ જીવનમાં સંરક્ષક એવા ઓઝોનના પડની માફક જરૂરી છે. મર્યાદાના ઓઝોન લેયરમાં ગાબડું પડશે તો તાપ અને સંતાપ વધવાના એ નક્કી છે.


- આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ

આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK