વિષ્ણુ અને શિવ વચ્ચેના સ્વામી, સેવક અને સખાના દિવ્ય સંબંધથી લઈને શિવલિંગ, પ્રણવ મંત્ર અને ભગવાન શિવના સકલ-નિષ્કલ સ્વરૂપનું મહત્ત્વ સમજીએ.
પ્રતીકાત્મક તસવીર
ભક્તોનાં દુઃખ, પીડા, પાપને જે હરે તે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન શિવજીનું હૃદય છે, શિવજીનો આત્મા છે. બન્નેમાં પરસ્પર અનુરાગ છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં શ્રીરામ અને શિવજી વચ્ચે ૩ પ્રકારના સંબંધ વર્ણવ્યા છે : સ્વામી, સેવક અને સખા. આ ત્રણેય ભાવ છે. વિષ્ણુને ભજનારા પરમ શૈવ છે માટે વિષ્ણુ સમાન કોઈ શૈવ નથી અને શિવજી સમાન કોઈ વૈષ્ણવ નથી. આ બન્ને એકબીજાના સેવક, સ્વામી અને સખા છે. વિષ્ણુની આરાધના સેવા કથા પ્રકારથી કરવી જોઈએ. એ શિવજી પાસેથી શીખવું જોઈએ.
વિષ્ણુસંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવસંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે એમાં જરાય અસત્ય નથી અને અયોગ્ય પણ નથી. ક્યારેક કોઈ ગુણનો પ્રભાવ તો ક્યારેક અન્ય ગુણનો પ્રભાવ આપણા વ્યાવહારિક જીવનમાં રહેતો જ હોય છે.
ભગવાન શિવ મહાદેવ છે. ભાગવતની કથા અનુસાર ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીના ક્રોધ કરવાથી તેમની ભ્રૂકુટિમાંથી એક પુરુષ પ્રગટ થયો તે રુદ્ર કહેવાયા. આમ તો વિષ્ણુથી બ્રહ્મા અને બ્રહ્માથી ભગવાન શિવનો પ્રાદુર્ભાવ માનવામાં આવે છે. ત્રણેયમાં કાર્ય અને કારણનો સંબંધ છે એવું પણ કહી શકાય.
શિવલિંગની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. એમાં પણ ખાસ કરીને ૐ એટલે કે પ્રણવનું મહત્ત્વ છે અને પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને આ મંત્ર બને છે - ‘ૐ નમઃ શિવાય.’
ૐ મહાદેવનાં પંચમુખ છે. પંચમુખી મહાદેવનું એક મુખ પૂર્વમાં છે તો એક દક્ષિણમાં અને એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં અને એક મધ્યમાં છે. ઉત્તરવાળા મુખમાંથી અકાર પ્રગટ થયો, પશ્ચિમવાળા મુખથી ઉકાર પ્રગટ થયો, દક્ષિણવાળા મુખમાંથી મકાર પ્રગટ થયો અને પૂર્વવાળા મુખમાંથી બિંદુ અર્ધમાત્રા ૐકારની ઉપર જે અર્ધમાત્રા હોય છે એ પ્રગટ થઈ. આ રીતે શિવલિંગનાં પાંચ મુખના જે ભાવ છે એનાથી પ્રણવનું પ્રાગટ્ય થયું.
શિવપુરાણમાં શિવજીના સકલ અને નિષ્કલ બે સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. બન્ને સ્વરૂપ ભગવાન શિવજીનાં છે. એક સકલ રૂપ છે, એક નિષ્કલ રૂપ છે. એક સાકાર રૂપ છે જેમાં ભોલેબાબા જટાધારી રૂપમાં પદમાસનસ્થ છે, ખૂબ સુંદર દેખાય છે.
જટા મુકુટ સુરસરિત સિર લોચન નલિન બિસાલ
નીલકંઠ લાવણ્યનિધિ સોહ બાબિધુ ભાલ
શિવપુરાણ અનુસાર શિવજીનું જે સકલ, સાકાર રૂપ છે, જે અવ્યયી છે, કલા સહિત રૂપ છે એને બેથી વધારે ભુજાઓ છે, ચરણ છે, મસ્તક છે, જટા છે, નેત્ર છે. આ શિવજીનું મહેશ્વર રૂપ છે. જે લિંગ છે એ શિવસ્વરૂપ છે.
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
