કોઈ વ્યક્તિ મોટી કે પાળવામાં મુશ્કેલ હોય એવી પ્રતિજ્ઞા લે તો તેને ભીષ્મપ્રતિજ્ઞા તરીકે નવાજવામાં આવે છે, પરંતુ કેટલાક જાણકારો કહે છે કે ભીષ્મની પ્રતિજ્ઞા જ આડકતરી રીતે મહાભારતના ભયાવહ વિનાશક યુદ્ધ માટે કારણભૂત બની હતી
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
આજે કોઈ વ્યક્તિ મોટી કે પાળવામાં મુશ્કેલ હોય એવી પ્રતિજ્ઞા લે તો તેને ભીષ્મપ્રતિજ્ઞા તરીકે નવાજવામાં આવે છે, પરંતુ કેટલાક જાણકારો કહે છે કે ભીષ્મની પ્રતિજ્ઞા જ આડકતરી રીતે મહાભારતના ભયાવહ વિનાશક યુદ્ધ માટે કારણભૂત બની હતી. આ વાત સમજતાં પહેલાં ભીષ્મે કઈ પ્રતિજ્ઞા શા માટે લેવી પડી એની કથા ટૂંકમાં સમજીએ.
વાત એમ છે કે ગંગાપુત્ર દેવવ્રત ઉર્ફે ભીષ્મના પિતા અને હસ્તિનાપુરનરેશ શાંતનુમહારાજ એક વાર શિકાર કરવા વનમાં ગયા ત્યારે તેમણે સત્યવતી નામની એક સુંદર માછીમાર કન્યા જોઈ અને તેના પ્રેમમાં પડ્યા. મહારાજે સત્યવતીના પિતા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સત્યવતીના પિતાએ એક શરત મૂકી કે તેની દીકરી થકી જે સંતાન થાય તેને જ હસ્તિનાપુરની ગાદી મળે. એટલું જ નહીં, ઉત્તરોત્તર તેમનાં સંતાનોના સંતાનને જ રાજગાદી મળ્યા કરે.
ADVERTISEMENT
આ શરતનો સ્વીકાર કરવો શાંતનુ માટે અશક્ય હતો, કારણ કે એમ કરવા જતાં તેમના પુત્ર દેવવ્રતને અન્યાય થાય એમ હતો. તેમણે આ શરત માન્ય ન રાખી અને રાજમહેલ પાછા ફર્યા, પરંતુ સત્યવતી વિના તેઓ ઉદાસ રહેવા લાગ્યા. રાજ્યના કારભારમાં તેમનું મન ચોંટતું નહોતું. દેવવ્રતથી પિતાની આ હાલત જોવાતી નહોતી. થોડી તપાસ અને પૂછપરછને અંતે દેવવ્રતને આની પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ક્યારેય હસ્તિનાપુરની ગાદી પર બેસશે નહીં અને હંમેશાં આ રાજ્યનો સેવક બનીને રહેશે અને આજીવન બ્રહ્મચર્ય પાળશે જેથી માતા સત્યવતીના વંશજોને પણ કોઈ ઊની આંચ ન આવે. આ પ્રતિજ્ઞા બાદ શાંતનુમહારાજ અને સત્યવતીનાં લગ્ન થયાં. તેમને બે પુત્રો પણ થયા, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. એ બન્ને પુત્રો પણ અંબિકા અને અંબાલિકા નામની કન્યાને પરણ્યા હતા. જોકે વિધિના લેખે તેઓ નાની ઉંમરે નિ:સંતાન અવસ્થામાં મૃત્યુ પામ્યા અને ગાદીનો વારસ કોઈ ન રહ્યો.
એ સમયે સત્યવતીએ ભીષ્મને પોતાની પ્રતિજ્ઞા તોડવાનું કહ્યું હતું, પરંતુ તેઓ અડગ રહ્યા. જો તેમણે માતા સત્યવતીની વાત માની લીધી હોત તો ભારતનો ઇતિહાસ કંઈક અલગ જ હોત. અંતે હારીને સત્યવતીએ ગાદીના વારસ માટે વેદવ્યાસજીને બોલાવીને નિયોગપદ્ધતિ દ્વારા અંબિકા-અંબાલિકાને ગર્ભવતી બનાવી : આ રીતે પાંડુ અને ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે આ બન્ને ભાઈઓના પુત્રો વચ્ચે સત્તા માટે ખૂંખાર મહાયુદ્ધ ખેલાશે.
ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને જુગારમાં કપટથી પાંડવોને હરાવ્યા અને દ્રૌપદીનાં ભરસભામાં ચીર ખેંચ્યાં ત્યારે પણ ભીષ્મપિતામહ ચૂપ રહ્યા. તેમણે ધાર્યું હોત તો પોતાની પ્રતિજ્ઞા તોડીને સત્તા હસ્તગત કરી શક્યા હોત; સુશાસન સ્થાપી શક્યા હોત, પણ ભીષ્મપ્રતિજ્ઞા લેનાર પુરુષ તરીકે તેમણે જે પોતાનું સન્માન ઊભું કર્યું હતું, એક આગવી ઇમેજ ઊભી કરી હતી એને તેઓ તોડવા માગતા નહોતા અને મહાભારતના યુદ્ધનાં બીજ રોપાઈ ગયાં.
હવે કૃષ્ણપ્રતિજ્ઞાની વાત કરીએ.
મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે અર્જુન તેના પ્રિય દાદા ભીષ્મપિતામહ સામે કઠોરતાથી લડતો નહોતો. બીજી બાજુ ભીષ્મપિતામહ પાંડવોની સેનાનો કચ્ચરઘાણ કાઢી રહ્યા હતા. કૃષ્ણએ અર્જુનને યુદ્ધ પહેલાં ગીતાનો ઉપદેશ આપીને યુદ્ધ માટે તૈયાર કર્યો હતો, પરંતુ કૃષ્ણને આ મહેનત પર પાણી ફરી વળતું હોય એવું લાગ્યું. ભીષ્મપિતામહના રૌદ્ર સ્વરૂપને બે જ જણ ખાળી શકતા નહોતા, અર્જુન અને શ્રીકૃષ્ણ. હવે શ્રીકૃષ્ણએ તો યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની અને ન લડવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ અર્જુનને ઢીલો પડતો જોઈ શ્રીકૃષ્ણએ રથનું પૈડું ઉઠાવ્યું અને પિતામહ સામે લડવા તૈયાર થઈ ગયા. જોકે અર્જુનને તેના કર્તવ્યનું ભાન થાય છે અને તે પૂરા જોશથી લડવા માંડે છે. પિતામહ ભલે અર્જુનના લાડકા હતા, પણ તેમણે અધર્મને સાથ આપ્યો હતો. તેમની સામે લડી ધર્મની સ્થાપના કરવી જરૂરી હતી. જ્યારે પ્રશ્ન સમાજનો હોય, રાષ્ટ્રહિતનો હોય, અસંખ્ય લોકોનું ભલું થવાનું હોય તો પોતાની પ્રતિજ્ઞા કે પ્રતિષ્ઠાનું મમત્વ છોડી દેવું જોઈએ. ભીષ્મ એ ક્યારેય કરી ન શક્યા. અન્યાય સામે લડી ન શક્યા, જ્યારે શ્રીકૃષ્ણએ પ્રજાના હિતમાં પોતાની પ્રતિજ્ઞા તોડી બતાવી.
આજે પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે.
મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી બન્ને ગુજરાતી ભારત દેશના વડા પ્રધાન બન્યા. બન્નેને કૉન્ગ્રેસને હરાવીને સત્તા પર આવવાની તક મળી. બન્ને પ્રામાણિક અને મક્કમ મનોબળવાળા. જોકે મોરારજી દેસાઈની મક્કમતા ઘણી વાર જીદમાં પલટાઈ જતી હતી. તેમનું અક્કડ વલણ એવું કે સાથીપક્ષોના નેતાઓને એકસાથે રાખી શક્યા નહીં કે સાચવી શક્યા નહીં. સમાજનું કે દેશનું ભલું થતું હોય તો પોતાના સિદ્ધાંત સાથે બાંધછોડ કરવી પડે, પણ તેઓ ન કરી શક્યા. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીને હરાવીને બનાવેલી તેમની જનતા પક્ષની સરકાર માત્ર અઢી વર્ષમાં ભાંગી પડી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અનેક નાના-મોટા પક્ષોને સાચવીને NDAના નામે ત્રીજી વાર સરકાર ચલાવે છે. પોતે મક્કમ રહીને દેશહિત માટે કામ કરતા જાય અને સાથે બીજા પક્ષોને સાચવવા માટે ફ્લેક્સિબલ પણ થઈ જાય. મક્કમતા અને જીદ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. જો એ પારખતાં આવડી જાય તો કૃષ્ણને ઓળખી શકાય. તેમની નજીક પહોંચી શકાય.
(ક્રમશ:)