કુરુક્ષેત્રના મેદાનમાં શલ્ય એવો સારથિ છે જે કર્ણને સહયોગ આપતો જ નથી. મનોમન કર્ણને ગુસ્સો આવી રહ્યો છે કે મેં આ કેવા સારથિને નિયુક્ત કર્યો છે?
પ્રતીકાત્મક તસવીર
કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણના રથનું પૈડું જ્યારે મેદાનમાં ખૂંપી ગયું ત્યારે તેણે શલ્યને કહ્યું હતું કે ‘શલ્ય! કંઈક કર.’ શલ્યએ જવાબ આપ્યો કે ‘મારું કામ રથ ચલાવવાનું છે, રથનું પૈડું બહાર કાઢવાનું નથી. હું રથ ચલાવવા માટે નિયુક્ત થયો છું.’
આપણી સરકારી ઑફિસોમાં પટાવાળા હોય છે. તેમાંથી કેટલાકની વર્તણૂક આવી જ હોય છે. સજ્જન હોવા છતાં જે દુર્જનતાની રક્ષા કરે એવા લોકોને પહેલાં દૂર કરવા જોઈએ, એ મહાભારતકાલીન સત્ય છે. ઑફિસર કહે, ‘પાણી આપજે.’ પટાવાળો કહે કે ‘એ કામ મારું નથી, આ કામ મારી ફરજમાં આવતું નથી.’
ADVERTISEMENT
કુરુક્ષેત્રના મેદાનમાં શલ્ય એવો સારથિ છે જે કર્ણને સહયોગ આપતો જ નથી. મનોમન કર્ણને ગુસ્સો આવી રહ્યો છે કે મેં આ કેવા સારથિને નિયુક્ત કર્યો છે? આ માણસે તો મને હેરાન-પરેશાન કરી મૂક્યો છે! કર્ણ પોતે રથનું પૈડું કાઢવા માટે નીચે ઊતર્યો. હથિયાર રથમાં હતાં. નિઃશસ્ત્ર બની તે રથનું પૈડું બહાર કાઢી રહ્યો હતો ત્યારે જ કૃષ્ણે અર્જુનને કહ્યું, ‘માર!’ અર્જુને કહ્યું, ‘આ સમયે મારું? આ તો ધર્મ ન કહેવાય.’ કૃષ્ણ કહે છે, ‘ધર્મ શું છે અને શું નથી એ તું મારા પર છોડ અને માર.’
ક્યારેક-ક્યારેક કોઈ સજ્જન માણસોને ધર્મની આણ દઈને અધર્મ એનું કામ કાઢી લે છે. તેને ધર્મના સોગંદ આપીને બિલકુલ નિઃશસ્ત્ર કરી દે છે. દુર્જન પક્ષે સજ્જન શ્રીકૃષ્ણ આમ તો પૂરા વ્યવહારુ છે. દુર્યોધનને સૌથી છેલ્લે માર્યો; પણ દુર્યોધનની રક્ષા કરવા માટે જે તત્પર હતા એ કર્ણ, દ્રોણ, ભીષ્મને તેમણે પહેલાં માર્યા. ખરેખર આ બધા સજ્જન હતા. ભીષ્મ, દ્રોણ, કર્ણ આ બધાની પાસે કોઈ ને કોઈ સદ્ગુણો છે. તેઓ સજ્જન છે, પણ એ સજ્જનતા દુર્જનતાની રક્ષામાં રોકાયેલી છે. એ સજ્જનતા દુર્જનતાનું રક્ષાકવચ બનીને બેઠી છે. તેથી જ્યારે એ દુર્જનતાનું રક્ષાકવચ બનીને બેઠી છે તો પહેલાં એનો વધ કરાય અને અંતમાં દુર્યોધનનો. એ બધા પ્રતિ શ્રીકૃષ્ણને અતિ સ્નેહ છે, તેમનું સમ્માન કરે છે. પણ પહેલાં તેમને દૂર કરવા પડે. તે સજ્જન જરૂર છે પણ દુર્જનતાની રક્ષા માટે કામ કરી રહ્યા છે. દુર્જનતાની રક્ષા માટે જે સજ્જનતાનું કામ કરી રહ્યા છે તેમને ખતમ કરવા જરૂરી બની જાય છે. આ મહાભારત કાળનું સત્ય છે. જીવનમાં પણ સાચા ગુરુ મળી જાય તો મુશ્કેલીમાં પણ સાચો માર્ગ સૂચવે છે.
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

