વાઈ તાલુકાના પાંડે ગામમાં કાળભૈરવનાથની અનોખી ઉપાસના થાય છે: દશેરા સુધી પગ સતત જમીનથી અડેલો જ રહેવો જોઈએ; ન સૂઈ શકાય, ન બેસી શકાય; શારીરિક અને માનસિક પરીકાષ્ઠાની અનોખી કસોટી
એક પગ જમીનને અડીને રહે એ રીતે હીંચકા પર પોરો ખાતા નવસકરી.
મા આદ્યપરાશક્તિની ઉપાસના લોકો પોતપાતાની શ્રદ્ધા અને પરંપરા પ્રમાણે કરે છે. જોકે સાતારાના વાઈ તાલુકાના પાંડે ગામમાં નવરાત્રિનો અર્થ કંઈક જુદો જ છે. માતાજીની ઉપાસનાની સાથે-સાથે નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન ગ્રામદેવતા કાળભૈરવનાથની ઉપાસના અને એ માટે અનોખી પદ્ધતિએ કરવામાં આવતી અત્યંત કઠોર અને શરીરની સાથે-સાથે મગજને પણ નિચોવી નાખે એવી સાધના કરવામાં આવે છે. ૩૫૦ વર્ષથી ચાલતી આવતી આ પરંપરામાં ૯ દિવસ અને ૯ રાત સુધી ન જમીન પર બેસી શકાય કે ન સૂઈ શકાય. આખી નવરાત્રિ ફક્ત ઊભા જ રહેવાનું. જો ચૂક થઈ અને એ છુપાવી તો કાળભૈરવનાથ આમાં ભાગ લેનારાને પરચો પણ એવો જ દેખાડે છે. આ નવરાત્રિને ગામના લોકો મરાઠીમાં ઉભ્યાચી નવરાત્રિ કહે છે અને એમાં ભાગ લેનારાઓને નવસકરી.
પાંડે ગામના દરેક કુટુંબનો ઓછામાં ઓછો એક સભ્ય આ પરંપરામાં ભાગ લે છે. ગામના લગભગ ૭૫ ટકા લોકો ઉપવાસ કરે છે અને ૯ દિવસ દરમ્યાન ગામના ગ્રામદેવતા કાળભૈરવનાથના મંદિરમાં રહે છે. આમાં ભાગ લેનારા ૯ દિવસ અને ૯ રાત સુધી ઊભા જ રહે છે. વ્રતની શરત મુજબ તેમનો ઓછામાં ઓછો એક પગ જમીન સાથે અડેલો જ રહેવો જોઈએ અને એટલા માટે નવસકરીઓ ૯ દિવસ દરમ્યાન દોડતા પણ નથી. બન્ને પગ એક સેકન્ડ માટે પણ હવામાં રહી જાય અને પગનો સંપર્ક જમીનથી છૂટી જાય તો વ્રત ફોક ગણાય છે.
ADVERTISEMENT
૯ દિવસ સતત ઊભા રહેવું શક્ય ન હોય અને રાતે આરામ મળે એટલા માટે મંદિરમાં હીંચકા બાંધવામાં આવ્યા છે. તેમને થોડો આરામ મળી રહે અને તેઓ પોતાનું વ્રત-પોતાની સાધના પૂરી કરી શકે એ માટે આ વ્યવસ્થા છે. જોકે એમાં પણ એક શરત છે. તેઓ ફક્ત પોતાની છાતીનો ભાગ હીંચકા પર ટેકવી શકે છે અને પોતાના પગની પાની સતત જમીનના સંપર્કમાં જ રહેવી જોઈએ.
ઇચ્છાપૂર્તિ માટે નહીં, દેવતાનો આભાર માનવા અને શ્રદ્ધા દર્શાવવા આ પરંપરા
પાંડે ગામના લોકો આ પરંપરા બદલ ગર્વ અનુભવે છે અને તેમના મતે આ ફક્ત કોઈની માનતા પૂરી થાય એટલા માટે જ નથી કરાતું. લોકો ગ્રામદેવતાનો આભાર માનવા માટે, ગામનું રક્ષણ, ભરણપોષણ કરવા માટે અને પેઢીઓથી તેમને સાચવવા બદલ પણ કરે છે.
સફેદ કપડાં પહેરવાનાં, ગામની હદની બહાર પગ પણ ન મૂકી શકાય
આ દરમ્યાન વ્રત કરનારાએ સફેદ વસ્ત્રો પહેરવાનાં હોય છે અને તળેલું, મીઠા-મરચાંવાળું કે સામાન્ય ભોજન ન લઈ શકે. તમામ દિવસ તેમણે ફક્ત દૂધ, ફળાહાર તથા સાબુદાણાની ખીર ખાઈને જ કાઢવાના હોય છે. આ ઉપરાંત આમાં ભાગ લેનારી કોઈ પણ વ્યક્તિ ગામની હદની બહાર જઈ ન શકે. જો તેમનાથી કોઈ ભૂલ થઈ હોય અને નિયમભંગ થયો હોય તો તેમણે મંદિરના પૂજારી પાસે જઈને એની કબૂલાત કરવી પડે છે. નહીંતર તેમને પરચારૂપે શારીરિક સમસ્યાઓ થાય છે અને તે બીમાર પણ થયા હોવાના કિસ્સા છે. નોમના દિવસે કાળભૈરવની પૂજા કરીને માનતા પૂરી કરાય છે. દશેરાએ ગામની હદ પાર કરવા માટેની દિશા નક્કી કરવા માટે દેવતાનો કૉલ લેવામાં આવે છે. ગામની એ હદ પર જઈને સાંજે શમીના પાનનું સોનું એકબીજાને આપીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે.
રજસ્વલા મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા
આ પરંપરામાં ભાગ લીધો હોય અને એ દરમ્યાન માસિક ધર્મ થાય તો મહિલાઓને અલાયદો રૂમ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમના માટે ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે. જો તેમની ઇચ્છા હોય તો તાત્પૂરતા ધોરણે તે પોતાના કુટુંબીજનો સાથે ગામની બહાર પણ રહી શકે છે. મહિલાઓ આ દરમ્યાન પહેલેથી જ ઘણી તકલીફમાં હોય છે એટલે તેમનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
આર્મી અને BSFના જવાનો રજા લઈને ખાસ નવસકરી બનવા આવે છે
આ ગામના અનેક લોકો ઇન્ડિયન આર્મી તથા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)માં છે અને તેઓ આ પરંપરાનો ભાગ બનવા માટે ખાસ પહેલેથી જ રજા મૂકી દે છે અને ગામ પાછા આવે છે. અઢારથી લઈને ૬૫ વર્ષના લોકો આમાં ભાગ લે છે. સામાન્ય રીતે તેમની દિનચર્યા સવારે સાડાચાર વાગ્યે ઊઠી ઘરે જઈને નહાઈ-ધોઈને પાછા મંદિરની સવારની આરતીમાં ભાગ લઈ ધ્યાન કરવું, પુસ્તકો વાંચવા, સાંજે ગામનું ચક્કર લગાવીને પાછા સંધ્યાઆરતીમાં આવવું આ રીતની હોય છે. બૅલૅન્સ જળવાઈ રહે એ માટે બધા જ પોતાની સાથે એક જાડી લાકડી રાખે છે.
