Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પર્યુષણની સફળતા માટે અવૉર્ડ કે રિવૉર્ડની આશા કે અપેક્ષા વિના સત્કાર્ય કરો

પર્યુષણની સફળતા માટે અવૉર્ડ કે રિવૉર્ડની આશા કે અપેક્ષા વિના સત્કાર્ય કરો

Published : 11 September, 2026 09:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતકાળ સપના, વર્તમાનકાળ અપના, ભવિષ્યકાળ કલ્પના. ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા છોડો. માત્ર વર્તમાનકાળને સફળ બનાવવા ચિંતા નહીં,ચિંતન કરો

પૂ. ધીરજમુનિ મ.સા.

પર્વાધિરાજ પર્યુષણનો પૈગામ

પૂ. ધીરજમુનિ મ.સા.


પર્યુષણ પુનરાવર્તન માટે છે કે પરિવર્તન માટે? નેગેટિવ માણસ હંમેશાં અભાવને જુએ છે. પૉઝિટિવ માણસ હંમેશાં જે છે એને જુએ છે. નેગેટિવ માણસ સુખમાં પણ રડતો હશે. પૉઝિટિવ માણસ દુ:ખમાં પણ હસતો રહેશે. નેગેટિવ માણસ સારા માણસના પણ દોષો જ જુએ. પૉઝિટિવ માણસ ખરાબ માણસના પણ ગુણો જ જુએ. નેગેટિવ માણસ બોલીને બગાડે છે. પૉઝિટિવ માણસ સારું બોલીને સુધારે છે. નેગેટિવિટીને દૂર કરીને પૉઝિટિવિટી લાવવી એ જ પર્યુષણ પર્વની સાચી આરાધના છે.

ભક્તિ કે ભાવના, પ્રવચન કે વ્યાખ્યાન-સત્સંગમાં બેસો છો પણ અે તમારામાં બેસે છે? ક્યારેક ચેકઅપ કરો. પર્યુષણની સફળતા માટે ચેન્જ યૉર અૅટિટ્યુડ - તમારું વલણ-પ્રકૃતિ બદલાવો. ભાગવત ગીતામાં કહ્યું છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. જૈન ધર્મ કહે છે કે બદલવા ધારો તો જીવતાં પ્રકૃતિ બદલી શકો છો!!! ચેન્જ યૉર હૅબિટ - આદત, ટેવ બદલો. પહેલાં માણસ ટેવ પાડે છે પછી ટેવ માણસને પાડે છે! ચેન્જ યૉર લાઇફ સ્ટાઇલ - જીવન જીવવાની પદ્ધતિ બદલાવો. આપણે આપણા પોતાનામાં પરિવર્તન લાવવા તૈયાર નથી અને બીજા બદલાય અેવી આશા રાખીએ છીએ. જૂનું ભૂલી શકતા નથી, નવું જોઈ શકતા નથી!!



‘એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે. જો મઠારો જિંદગીને તો જ કંઈક નક્કર મળે.’
ભૂતકાળ સપના, વર્તમાનકાળ અપના, ભવિષ્યકાળ કલ્પના. ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા છોડો. માત્ર વર્તમાનકાળને સફળ બનાવવા ચિંતા નહીં, ચિંતન કરો. વ્યથા નહીં, વ્યવસ્થા કરો. જોયા કરો, જતું કરો, એટલું જ નહીં, ક્યારેય જોયા કરો અને જાતે કરો. આ‍વા પરિવર્તનથી જ પર્યુષણની ઉજવણી સાર્થક થયા વિના રહેશે નહીં.
કોઈ પણ સત્કાર્ય કે કર્તવ્યરૂપે કાર્ય કરો અેમાં અવૉર્ડ કે રિવૉર્ડની 


આશા-અપેક્ષા વિના કરો. હંમેશાં અંતર નિરીક્ષણ કરતા રહો કે પર્યુષણમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન!!!

જીવનમાં સુખ-દુ:ખ, લાભ-અલાભ, શાંતિ-અશાંતિ જે આવે છે અે જાય છે. સોનેરી દિવસોને જતા વાર લાગતી નથી. જેની પ્રતિક્ષા અેની પૂર્ણાહુતિ આવે જ છે. પર્યુષણને સફળ બનાવવા સમાજસુધારક બનતાં પહેલાં સ્વભાવસુધારક બનવું જરૂરી છે.


Waking up is Wealth - આત્મજાગૃતિ એ જ સંપત્તિ છે. આત્મજાગૃતિ વિના આત્મહિત શક્ય જ નથી. સૌ પ્રથમ જાગૃત થા. સાવધાન બનીને નુકસાનકારક પ્રવૃત્તિથી દૂર થઈ જા. ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા, હૃદયમાં શુદ્ધ ભાવોથી મલિનતાને હજારો માઇલ દૂર ભગાવી પ્રભુશરણનો સ્વીકાર કરી આત્મશુદ્ધિ કરી લેવી અતિજરૂરી છે. 
‘ઝિંદગી ખૂબસૂરત હૈ
હમેં જીના નહીં આયા
નશા હર ચીઝ મેં હૈ
હમેં પીના નહીં આયા’
પરમાર્થ કરતા રહો, પરંતુ પરમાર્થી બનતાં પહેલાં નિસ્પૃહી બનવાનું ભૂલશો નહીં. અવૉર્ડ કે રિવૉર્ડની મથામણમાં શક્તિનો વ્યય કરશો નહીં. શુદ્ધ ભાવથી કરેલું સત્કાર્ય કદી નિષ્ફળ જતું નથી. પબ્લિકની નજરમાં આવે કે ન આવે, પ્રભુની નજરમાં અવશ્ય નોંધ લેવાતી જ હોય છે. જ્યાં જીવો છો, જેની સાથે જીવો છો ત્યાં દિવ્યતા પ્રસરવાનું કાર્ય કરતા રહો. જ્યાં કાર્યરત હો ત્યાં તમારું કામ એવું બોલે કે તમારું નામ આપોઆપ થઈ જાય.

જીવનની પ્રત્યેક ક્ષણ સાર્થક કરવા માટે સતર્ક અને સાવધાન રહો. જીવનની સમસ્યાનું કારણ ખરાબ ગ્રહદશા નહીં, પરંતુ ખોટી આગ્રહ દશા છે. સમજણ વધારો, સ્વભાવ સુધારો. જીવનમાં આવતા દુ:ખને એકલા પચાવજો અને મળેલા સુખને સૌની વચ્ચે વહેંચી લેજો.

દિવસ ઊગે ત્યારે એવું લાગે કે પૈસાની જરૂર છે! અને સંધ્યા ઢળતાં જ લાગે કે હવે શાંતિની જરૂર છે!! પર્યુષણ બહિર્મુખ આત્માને અંતર્મુખ બનાવવા માટે છે.
તકદીર કો બદલ સકતે હો, ઝરા ખુદ કો બદલ કે દેખો. જીવન જીવવા જેવું અને જીવી જાણવા જેવું લાગશે.

વિચારજો! જીવનમાં આપણું શું? જન્મ બીજાએ આપ્યો, નામ બીજાએ, શિક્ષણ બીજાએ અને સંબંધો બીજા સાથે જોડીએ. કામ કરવાનું બીજાએ શીખવાડ્યું. અંતે મુક્તિધામ પણ બીજા જ લઈ જશે. તારું પોતાનું આ જગતમાં છે શું? જેનો તું આટલો ઘમંડ કરે છે! જાગૃત બનીને પર્યુષણને સફળ બનાવી લેવામાં સાર્થકતા છે.

- પૂ. ધીરજમુનિ મ.સા.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK