Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પ્રભુવીર જેવા બનવાની તૈયારી છે?

પ્રભુવીર જેવા બનવાની તૈયારી છે?

05 September, 2024 09:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભુવીરના જન્મકલ્યાણક અવસરે મારી સૌને એ જ પ્રેરણા છે કે આજે એક નિર્ણય કરો, ‘એક જન્મ મારો એવો હોય જે જન્મકલ્યાણક બની જાય.`

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ વિશેષ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


ભગવાન મહાવીરનો જન્મોત્સવ જન્મકલ્યાણક હોય એટલે સૌના હૃદયમાં આનંદ, ઉલ્લાસ અને ઉમંગ હોય. પ્રભુનો જયજયકાર કરવાનો અંતરનો ઉત્સાહ હોય, પ્રભુના અનંત ઉપકારો પ્રત્યે અત્યંત અહોભાવ હોય. આજે મારા પ્રભુનો જન્મકલ્યાણક અવસર છે એવી આત્મીયતા પણ હોય અને અનેક સ્થાનો પર પ્રભુના જન્મકલ્યાણકનો ઉત્સવ પણ ભવ્યતાથી, દિવ્યતાથી ઊજવાય.


પ્રભુના જન્મકલ્યાણક અવસરે, પ્રભુ જન્મોત્સવ અવસરે ઉત્સવ બનાવવો શ્રેષ્ઠ છે, પણ પ્રભુના ઉપદેશને હૃદયમાં ધારણ કરીને પ્રભુવીર જેવા બનવાની તૈયારી કરવી એ સર્વશ્રેષ્ઠ છે. પ્રભુના મુખ્ય સિદ્ધાંતો અહિંસા, અનેકાંતવાદ અને પરિગ્રહ જો જન-જનના હૃદયમાં સ્થિર થાય અને આચરણમાં આવે તો દરેક ઘરમાં દરેક દિવસ ઉત્સવનો દિવસ બની જાય.



જન્મ તો બધાનો થાય, જન્મદિવસ પણ ઘણાનો ઊજવાય; પણ જન્મકલ્યાણક તો કોઈ પરમ આત્માનો જ ઊજવાય, એ પણ વર્ષોનાં વર્ષો સુધી... અઢી હજાર વર્ષ પછી પણ એટલા જ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઊજવાય!


વિચાર કરો, આપણો જન્મદિવસ જન્મદિવસ કહેવાય અને પ્રભુવીરનો જન્મદિવસ જન્મકલ્યાણક કહેવાય. કેમ? કેમ કે પ્રભુનો જન્મ અનેક આત્માઓના કલ્યાણ માટે હોય; જગતના હિત, શ્રેય અને કલ્યાણ માટે હોય. પ્રભુવીરનો આત્મા મહારાણી ત્રિશલાના ગર્ભમાં આવતાં જ સર્વત્ર બધું વર્ધમાન-વર્ધમાન થવા લાગે છે; ખેતરોમાં પાકની વૃદ્ધિ, ધન-ધાન્યની વૃદ્ધિ, વ્યાપારમાં વૃદ્ધિ અને જીવોના હૃદયમાં આનંદની વૃદ્ધિ!

વર્ધમાન મહાવીરના જન્મદિવસને જન્મકલ્યાણક કહેવાય છે, કેમ કે તેમનું જીવન સ્વાર્થ માટે નહોતું પણ સૌના કલ્યાણ માટે હતું, તેમનું સમસ્ત જીવન પરમાર્થ માટે હતું. તેમનામાં એટલી જબરદસ્ત positivity અને ઉત્તમ પરમાર્થ ભાવના હતી કે પ્રભુવીર જ્યાં પધારે ત્યાં રોગ-શોક, દુ:ખ-દરિદ્રતા અને negativity દૂર થઈ જાય. પ્રભુ જ્યાં પધારે ત્યાં જાતિવેર પણ શાંત થઈ જાય, પ્રભુ જ્યાં પધારે ત્યાં પ્રસન્નતા અને positivity પ્રસરી જાય.


પ્રભુવીરના જન્મકલ્યાણક અવસરે મારી સૌને એ જ પ્રેરણા છે કે આજે એક નિર્ણય કરો, ‘એક જન્મ મારો એવો હોય જે જન્મકલ્યાણક બની જાય.’

ક્યારેય વિચાર્યું છે કે મારો પણ એક જન્મ જન્મકલ્યાણક હશે? ના!

જેની પ્રભુવીર જેવા બનવાની તૈયારી હોય તેને જ આવો વિચાર આવે. તે જ સ્વાર્થ છોડીને પરમાર્થી બને, તે જ પ્રભુ જેવા બનવાનો પુરુષાર્થ કરે.

આપણે આજ સુધી પ્રભુને માન્યા છે, પ્રભુનાં દર્શન કર્યાં છે, પ્રભુની પૂજા કરી છે, પ્રભુની ભક્તિ કરી છે, પ્રભુનાં કલ્યાણકો ઊજવ્યાં છે, પ્રભુના જીવનનું વાંચન કર્યું છે; પણ ક્યારેય પ્રભુ જેવા બનવાની તૈયારી નથી કરી!

પ્રભુવીરની વિચારધારા હતી અનેકાંતવાદ!

હું પણ સાચો હોઈ શકું અને તે પણ સાચો હોઈ શકે!

અને આપણી વિચારધારા શું હોય છે?

તમારી lifeમાં સૌથી વધારે કયા words વપરાય છે? I am right, This is my right!

જ્યાં આ બે શબ્દો વપરાતા હોય ત્યાં progress ઓછો અને problems વધારે હોય!

જ્યાં I am rightનો આગ્રહ હોય ત્યાં fight હોય.

પ્રભુવીર જેવા બનવાની તૈયારી છે?

તો પ્રભુની વિચારધારાને સ્વયંની વિચારધારા બનાવવી જોઈએ.

દરેકની ભાવનાનો, દરેકની સમજનો, દરેકના દૃષ્ટિકોણનો સ્વીકાર કરવો.

મારા પ્રભુ અપરિગ્રહી હતા, મારે અલ્પ પરિગ્રહી બનવું છે. મારે જરૂરિયાતથી વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો નથી અને મારી પાસે જે જરૂરિયાતથી વધારે છે એ જરૂરિયાતમંદોને અર્પણ કરી દેવું છે.

મારા પ્રભુ પરમાર્થી હતા, મારે પ્રભુવીર જેવા બનવા દિન-પ્રતિદિન મારા સ્વાર્થના percentage ઘટાડતા જવા છે અને પરમાર્થના percentage વધારતા જવા છે.

પરમાર્થ એટલે સામેવાળાના હિત અને શ્રેયની ભાવના!

પરમાર્થ એટલે સૃષ્ટિના જીવ માત્ર પ્રત્યે સદ્ભાવના!

પરમાર્થ એટલે કોઈની ભાવનાને hurt ન કરવી!

પરમાર્થ એટલે ‘શુભ થાઓ સકલ વિશ્વનું’ એવી શુભ ભાવના!

જેના અંતરાત્મામાં આવી શુભ ભાવના હોય તેની પળ-પળ પરમાર્થની હોય અને જેની પળ-પળ પરમાર્થની હોય તેનો ત્રીજો, પાંચમો કે પંદરમો જન્મ જન્મકલ્યાણકનો હોય!

મારા પ્રભુએ તેમની પ્રજ્ઞાને પ્રગટ કરી હતી.

પ્રજ્ઞા એટલે સમય પર જેને બધું સમજાઈ જાય.

અત્યારે મોટા ભાગની વ્યક્તિઓ એવી છે જેમને સમય પર તો ન સમજાય, પણ સમય જાય પછી પણ ન સમજાય અને એના કારણે સમસ્યા સર્જાય.

તમારી વિચારધારા હોય છે, ‘મને કોઈ સમજતું જ નથી.’ પ્રભુવીરની વિચારધારા હતી, ‘મને કોઈ સમજે કે ન સમજે, મારે બધાને સમજવું છે.’

જેનામાં બીજાને સમજવાની તૈયારી હોય તેની lifeમાં કોઈ સમસ્યા ન હોય.

પ્રભુએ કહ્યું છે,

જ્યારે સમજ વધારે હોય ત્યારે સમજાવવાનો પ્રયત્ન કરવો અને જ્યારે સમજ ઓછી હોય ત્યારે સમજવાનો પ્રયત્ન કરવો.

પ્રભુને પણ જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી પ્રભુ મૌન રહ્યા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ઉપદેશ આપવાની શરૂઆત કરી.

પ્રભુવીર જેવા બનવાની તૈયારી છે?

તો વધારેમાં વધારે સમય મૌન રહો. જરૂર વિના બોલવું નહીં, માગ્યા વિના સલાહ આપવી નહીં.

મારા પ્રભુ always smiling હતા.

પ્રભુને ગમે એવા problems કે ગમે એવા ઉપસર્ગો face કરવા પડ્યા, પણ પ્રભુના faceનું smile always same જ રહ્યું!

હું પણ ગમે એવી પરિસ્થિતિમાં smiling રહીશ અને બધાને smileનું donation આપીશ.

પ્રભુના જન્મકલ્યાણકના આ કલ્યાણકારી અવસરે મારે માત્ર પ્રભુનો જન્મકલ્યાણક જય-જયના નાદ સાથે ઊજવવો નથી, પણ મારે પ્રભુ જેવા બનવાની તૈયારી કરવી છે. આજે મારા પ્રભુનો જન્મકલ્યાણક છે, ભવિષ્યમાં મારો જન્મકલ્યાણક ઊજવાય એની તૈયારી કરવી છે. મારે મારા પ્રભુવીર જેવા બનવાની તૈયારી કરવી છે અને એ માટે મારે મારા પ્રભુવીરના સિદ્ધાંતોને, પ્રભુના ઉપદેશને, પ્રભુના આદેશને મારા આત્મામાં એવા સ્થિર કરવા છે, એને એવા આચરણીય બનાવવા છે કે જલદી-જલદી મારો એ જન્મદિવસ આવે જે જન્મકલ્યાણક બની જાય!

પ્રભુવીર જેવા બનવાની તૈયારી ક્યારે થાય?

જ્યારે પ્રભુની વિચારધારા મારી આચારધારા બની જાય,

જ્યારે પ્રભુના આત્મગુણો મારા સદ્ગુણો બની જાય,

જ્યારે પ્રભુના સિદ્ધાંતો મારા જીવનના મંત્રો બની જાય!

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK