Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

સનાતનનું સાત્ત્વિક ગૌરવ

Published : 07 December, 2025 02:52 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

વારાણસીમાં રહીને મહારાષ્ટ્રના અહિલ્યાનગરના વેદમૂર્તિ દેવવ્રત ખેરેએ એવી પરીક્ષા પાર કરી જે છેક ૨૦૦ વર્ષ પહેલાં કોઈએ કરી હતી

વેદમૂર્તિ દેવવ્રત ખેરે

વેદમૂર્તિ દેવવ્રત ખેરે


‘સનાતન’ શબ્દનો અર્થ શું? શાશ્વત - ક્યારેય ખતમ નહીં થનારું. જેનો કોઈ આરંભ નથી કે અંત નથી એવું. આપણી ધર્મસંસ્કૃતિને ‘હિન્દુ’ નામ મળ્યું સ્થળ એટલે કે ભૂ-ભાગને કારણે. હિમાલયની તળેટીથી લઈને સમુદ્ર સુધીના મેદાની વિસ્તારમાં વસતી પ્રજા એટલે હિન્દુ. સિંધુ નદીના કિનારેથી શરૂ થતી આ સંસ્કૃતિને કારણે એને નામ મળ્યું હિન્દુ. જોકે વાસ્તવમાં તો આપણી સંસ્કૃતિ અને ધર્મ એટલે સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ. હવે એ પુરવાર કરવાની પણ જરૂર નથી રહી કે આખા વિશ્વમાં સૌથી જૂની છતાં સૌથી આધુનિક અને સદાકાળ રહેનારી સંસ્કૃતિ અને ધર્મ કોઈ હોય તો એ સનાતન ધર્મ સંસ્કૃતિ છે. આખા વિશ્વએ આ વાસ્તવિકતા એક યા બીજી રીતે સ્વીકારી જ લીધી છે.
એવી મહાન ગૌરવપ્રદ સંસ્કૃતિમાં એક ઉન્નત મસ્તક કરનારો વીરલો જન્મ્યો જેનું નામ છે દેવવ્રત ખેરે. ગયા અઠવાડિયા દરમ્યાન આખા ભારત પર વેદમૂર્તિ દેવવ્રત અડગ ધ્રુવના તારાની જેમ છવાઈ ગયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ મૂક્યું અને બધાને ઇન્તેજારી થઈ કે આ દેવવ્રત ખેરે છે કોણ અને તેણે એવું તે શું કર્યું કે વડા પ્રધાને પણ કહેવું પડ્યું કે દેશને તેના પર ગર્વ છે અને આવનારી પેઢી માટે તે પ્રેરણાદાયી બનશે.

સામાન્યથી અસામાન્ય સુધીની સફર 



ઘણી વાર કોઈ દેશની મહાનતા ટેક્નૉલૉજી, શોધ, યુદ્ધ, તાકાત, સૈન્ય, અર્થવ્યવસ્થા કે વૈજ્ઞાનિક આવિષ્કારોમાં નહીં પરંતુ એવી વ્યક્તિમાં છુપાયેલી હોય છે જે દેખાવે તો સામાન્ય છે પણ તેની ભીતરની અકલ્પનીય ક્ષમતા, બુદ્ધિપ્રતિભા કે જ્ઞાન તેને અસામાન્ય બનાવી દેતાં હોય છે. વિશ્વ એ વિચારવા માટે મજબૂર થઈ જાય કે મનુષ્યની ક્ષમતા કોઈ પણ અત્યાધુનિક મશીન કરતાં ક્યાંય ઉત્તમ અને ક્યાંય અનેકગણી છે. અને ભારત દેશની આવી મહાનતા હમણાં જ એક અસામાન્ય દીકરાએ દેખાડી.
ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે એ આપણે બધા જ જાણીએ છીએ. હરામખોર અને અભણ મોગલ બખત્યાર ખિલજીએ જ્યારે આપણી નાલંદા વિદ્યાપીઠ બાળી નાખી હતી ત્યારે કહેવાય છે કે ત્યાં જે પુસ્તકો અને સાહિત્ય બળી ગયાં હતાં એ એટલાં હતાં કે સતત ૯૦ દિવસ સુધી એ આગ ઓલવાઈ નહોતી. મોગલો અને અંગ્રેજો બન્નેએ માત્ર આ રીતે જ નહીં, બીજી અનેક રીતે આજ સુધી આપણાં કંઈકેટલાંય સાહિત્યોને બરબાદ કર્યાં છે. આઝાદી પછી એ લોકો નહીં તો તેમના ચેલા ડાબેરીઓ અને કહેવાતા લિબરલ્સ હજી આજેય કરી રહ્યા છે. છતાં એ બધા અત્યાચાર પછી પણ આજે આપણી પાસે જે બચ્યું છે એની જાળવણી થઈ શકશે એવો વિશ્વાસ દેવવ્રત જેવા પનોતા વીરલાને કારણે જાગે છે.
મહારાષ્ટ્રના અહિલ્યાનગરનો ૧૯ વર્ષનો વતની દેવવ્રત એક વેદપાઠી છે. હાલ તે વારાણસીના વલ્લભરામ શાલિગ્રામ સાગ્વેદઃ વિદ્યાલયમાં વેદોનો અભ્યાસ કરી રહ્યો છે. દેવવ્રતને આ સંસ્કાર વારસામાં મળ્યા છે. તેના પિતા મહેશ રેખે અને દાદા પણ વેદાભ્યાસમાં નિપુણ હતા. ખરેખર તો દેવવ્રતે જે ઉપાધિ હાંસલ કરી છે એ માત્ર તેની નહીં પરંતુ તેના આખા પરિવારની તપસ્યાનું પરિણામ છે એમ કહીએ તો ખોટું નથી. વાત કંઈક એવી છે કે દેવવ્રત શિવના ધામ વારાણસીમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે અને ગયા અઠવાડિયે તેણે એક એવી પરીક્ષા પાર કરી જે છેલ્લાં ૨૦૦ વર્ષમાં કોઈ કરી નથી શક્યું. એવી અકલ્પનીય કાર્યસિદ્ધિ જે કોઈ પણ આધુનિક ટેક્નૉલૉજીવાળું કમ્પ્યુટર કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કરી ન શકે.


સપનામાં પણ ઉત્તીર્ણ ન થઈ શકીએ 

દેવવ્રતે એક એવી સિદ્ધિ મેળવી છે જે સિદ્ધિ મેળવવાની વાત તો છોડો, આપણામાંથી કોઈ એનું સપનું સુધ્ધાં નહીં જોઈ શકે. ૨૦૨૫ની બીજી ઑક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી અર્થાત્ સતત ૫૦ દિવસ સુધી રોજ ૪ કલાક વેદમૂર્તિ દેવવ્રતે શુક્લ યજુર્વેદના ૨૦૦૦ જેટલા મંત્રોનું દંડક્રમ પારાયણ કર્યું. સરળ ભાષામાં કહીએ તો એક એવું પારાયણ જેમાં ૨૫ લાખ કરતાં વધુ પદ (પદ્ય) આવે છે, કરોડોની સંખ્યામાં શબ્દો અને એના ઉચ્ચારણમાં એક પણ ભૂલ થઈ તો આખો પ્રયાસ શૂન્ય. વેદવિદ વેદમૂર્તિ દેવવ્રતે આ જે પારાયણ પૂર્ણ કર્યાની સિદ્ધિ મેળવી એ છેલ્લાં ૨૦૦ વર્ષોમાં કોઈ મેળવી શક્યું નથી. એટલું જ નહીં, વેદમૂર્તિ દેવવ્રતનું નામ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ કરવામાં આવ્યું. યુનેસ્કોએ ૨૦૦૩માં વૈદિક મંત્રોચ્ચારણની પરંપરાને ‘માનવતાની મૌખિક અને અમૂર્ત વિરાસત’ તરીકે ઘોષિત કરી હતી. વારાણસીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તેને ‘દંડક્રમ વિક્રમાદિત્ય’ની ઉપાધિ આપવામાં આવી છે. 


દંડક્રમ પારાયણ એટલે શું?

દંડક્રમ અર્થાત્ એક એવો ક્રમ જેમાં દરેક શબ્દ એની આગળના શબ્દ સાથે જોડાયેલો હોય. કંઈક એમ સમજો કે દોરાની એવી ગૂંથણી જેમાં દરેક દોરો બીજા દોરાને ઓવરલૅપ કરતો હોય. આ મંત્રો અને શબ્દોની ગૂંથણી એટલી કઠિન છે કે એક નાનીસરખી ભૂલ પણ આખા પાઠને નિરર્થક કરી નાખે છે. એટલું જ નહીં, એ શબ્દોના સમૂહ (મંત્ર કે પદ્ય)ને પણ પ્રથમથી શરૂ કરી સવળા અને ઊલટા બન્ને ક્રમમાં, આગળથી અને પાછળથી શરૂ અને પૂર્ણ કરતા જવું. આ સિદ્ધિ માત્ર તપ, શ્રદ્ધા, એકાગ્રતા અને અનુશાસન દ્વારા જ શક્ય બને છે. 
દંડક્રમ પારાયણ એટલે એક એવી પ્રક્રિયા જેમાં મંત્રોને માત્ર સીધેસીધા નહીં કે માત્ર ઊલટા ક્રમમાં પણ નહીં પણ ડઝનબંધ અલગ-અલગ રીતે, અલગ-અલગ ક્રમોમાં ઉચ્ચારણ કરવાની એક સતત થતી પ્રક્રિયા. અને છતાં મૂળભૂત શર્ત એ કે જે-તે મંત્ર કે પદ્યનો ભાવાર્થ બદલાવો ન જોઈએ. કંઈક એમ કહો કે એમાં દરેક શબ્દને પોતાના સ્થાનેથી હટાવીને નવા સ્થાને સ્થાપિત કરવો, ફરી જોડવો; ક્યારેક દોહરાવીને કે ક્યારેક તોડીને, ક્યારેક ઊલટાવીને તો ક્યાંક, ક્યારેક નવા ક્રમમાં જોડીને બોલવાની પ્રક્રિયા. આ જટિલ પ્રક્રિયાને આપણે સામાન્યજન માત્ર આંકડાની મદદથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો સાવ સરળ ભાષામાં એમ કહી શકાય કે એક જ મંત્રને એના શબ્દોનું સ્થાન બદલી, નવાં કૉમ્બિનેશન બનાવી, ઉચ્ચારણના અલગ-અલગ લય સાથે અંદાજે ૯૦ અલગ-અલગ રીતે બોલવો પડે. એટલું જ નહીં, ધારો કે આવા ૧૦૦ મંત્રોનો સમૂહ છે અને પાઠ કરનારે ૧૦ મંત્રોની શ‍ૃંખલા લીધી હોય તો એ પાઠક પહેલાં ૧, ૨, ૩, ૪ એમ પહેલા ૧૦ મંત્રોનો પાઠ કરશે, ત્યાર બાદ ૧૦૦, ૯૯, ૯૮, ૯૭ એમ ઊલટા ક્રમથી ૧૦ મંત્રોનો પાઠ કરશે. ત્યાર બાદ ૧૧, ૧૨, ૧૩... એમ સીધી અને ઊલટી ગણતરીઓ એના મધ્યબિંદુ સુધી ચાલતી રહે. એ દરેક મંત્રનું અલગ-અલગ લગભગ ૯૦ રીતે પઠન કરવાનું. એમાં પેલી પૂર્વશરત તો ખરી જ કે કોઈ પણ શબ્દ હટાવવાથી કે નવા સ્થાને મૂકવાથી મંત્રનો અર્થ બદલાવો ન જોઈએ. આટલું વાંચતાં જ મગજ ચકરાવે ચડી ગયુંને? સાચું કહેજો.
વાંધો નહીં. ચાલો, એક સરળ ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ. ધારો કે વેદમૂર્તિ દેવવ્રત કહે કે ‘હું દેવવ્રત મહેશ રેખે છું.’ હવે જો આપણે આ વાક્યને દંડક્રમ પારાયણની રીતે પઠન કરવાનો પ્રયત્ન કરીએ તો હું દેવવ્રત મહેશ રેખે છું, હું છું દેવવ્રત મહેશ રેખે, દેવવ્રત મહેશ રેખે હું છું, હું રેખે દેવવ્રત મહેશ છું, હું દેવવ્રત રેખે છું... આ એક જ વાક્યને આપણે શબ્દોનું સ્થાન બદલી-બદલીને પાંચ અલગ-અલગ રીતે દોહરાવ્યું, ખરુંને? અને છતાં એનો અર્થ બદલાયો નહીં એ પણ સાચું, રાઇટ? આ તો માત્ર શબ્દોના સમૂહમાં આપણે શબ્દોનું સ્થાન બદલ્યું; પરંતુ દંડક્રમમાં આથીયે આગળ વધીને શબ્દોને તોડવામાં આવે, એને નવી રીતે જોડવાના, ફરી નવા ક્રમાંકિત કરવાના, ઉલટાવવાના વગેરે... વગેરે... અને પુનરાવર્તન ઉચ્ચારણ પણ કરવાનું. અચ્છા, આ ઉચ્ચારણમાં પાછી ક્યાંય એક જરાસરખી પણ ભૂલ ન થવી જોઈએ. આ સિવાય ઉચ્ચારણની શૈલી, આરોહ-અવરોહ, લય, શ્વાસોનું ગ્રહણ અને ત્યાગની ક્રિયા... આ બધું જ દરેક વખતે અલગ હોવું જોઈએ એ પણ એટલું જ જરૂરી. આપણે જે ઉદાહરણ લીધું એ તો માત્ર એક સામાન્ય વાક્ય હતું, જ્યારે દેવવ્રતે જે પારાયણ કર્યું એ તો હતું યજુર્વેદના શુદ્ધ સંસ્કૃતના કઠિનથી લઈને અત્યંત કઠિન શ્ળોકો અને મંત્રો.

છેક ૨૦૦ વર્ષ પહેલાં

વેદમૂર્તિ દેવવ્રતે આ જે ઉપાધિ હાંસલ કરી એ પારાયણ ૨૦૦૦ મંત્રોનું હતું. વિચારી જુઓ કે ૨૦૦૦ મંત્રોમાં દરેક મંત્રના અંદાજે ૯૨ અલગ-અલગ કૉમ્બિનેશન. અર્થાત્ ૨૦૦૦ X ૯૦ = ૧,૮૦,૦૦૦. મૂળ ૨૦૦૦ મંત્રોનું ૧ લાખ ૮૦ હજાર રીતે પઠન. એ પણ જોઈને કે વાંચીને નહીં, મોઢે અને કંઠસ્થ કર્યા બાદ એનું પારાયણ કરવું. અને શરત શું? ક્યાંય એકેય મંત્ર કે પદ્યનો અર્થ બદલાવો ન જોઈએ. ઉદાહરણમાં આપણને એક જ વાક્યને પાંચ અલગ-અલગ રીતે ગોઠવવામાં પણ ફાંફાં પડી ગયાં તો પછી આ તો કેટલું ગહન, કેટલું જટિલ અને કેટલી તપસ્યા માગી લેતું પારાયણ હશે. 
આથી જ આવું અત્યંત કઠિન અને જટિલ પારાયણ ક્યારેય માત્ર અસામાન્ય યાદદાસ્ત દ્વારા નથી થઈ શકતું. દંડક્રમ પારાયણ માટે ધ્વનિ, શ્વાસ, લય, અવાજ, મગજ, જીભ અને એ સિવાયની પણ શરીરની તમામ ઇન્દ્રિયો વચ્ચે જબરદસ્ત તાલમેલ સાધવો પડે. દરેક સાથે એવું સાયુજ્ય જે પ્રખર સાધના વિના શક્ય નથી. કોઈ કહી શકે કે વેદમૂર્તિ દેવવ્રત જેવા વિરલા આ માત્ર એક જન્મમાં કરી શકે? શક્ય જ નથી. આ માટે તેમની જન્મોજન્મની તપસ્યા હશે, જન્મોજન્મનું દૃઢ નિર્ધારણ હશે. ત્યારે જ આ જન્મે આ શક્ય બન્યું. છેલ્લાં ૨૦૦ વર્ષોમાં આવું પારાયણ આજ સુધી કોઈ કરી શક્યું નથી. ૨૦૦ વર્ષ પહેલાં આ આકરી તપસ્યા નાશિકના બ્રાહ્મણ શ્રી નારાયણ શાસ્ત્રી દ્વારા પૂરી કરવામાં આવી હતી અને એ પણ ૧૦૦ દિવસમાં, જ્યારે વેદમૂર્તિ દેવવ્રતે તો એ માત્ર ૫૦ દિવસમાં પૂરી કરી.
હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે દેવવ્રતે આ જે અત્યંત કઠિન સાધના પૂરી કરી એ ‘શુક્લ યજુર્વેદની માધ્યંદિન સંહિતા’માં શું છે? જેના ૨૦૦૦ મંત્રોનું પારાયણ તેણે કર્યું. 

શુક્લ યજુર્વેદ - માધ્યંદિન સંહિતા 

તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આપણી સનાતન સંસ્કૃતિમાં વેદોને શ્રુતિ ગ્રંથ કહેવાય છે. અર્થાત્, દિવ્યજ્ઞાનનો આ પ્રવાહ ગુરુના શ્રીમુખથી સાંભળીને શિષ્યો દ્વારા વિસ્તાર પામે છે. સૌપ્રથમ મહર્ષિ વેદવ્યાસજીએ એને ૪ પ્રભાગોમાં સંપાદિત કરીને સુવ્યવસ્થિત કર્યો અને ત્યાર બાદ તેમણે ચારેય વેદનું જ્ઞાન તેમના ૪ શિષ્યોને આપ્યું. અર્થાત્ હવે તેમના એ ૪ શિષ્યો દ્વારા એનો વિસ્તાર તેમના શિષ્યો સુધી અને ત્યાર બાદ તે શિષ્યોના શિષ્યો સુધી એમ આગળ વધ્યો. વેદવ્યાસજીએ ઋગ્વેદનું જ્ઞાન આપ્યું મહર્ષિ પૈલને, યજુર્વેદનું જ્ઞાન આપ્યું વૈશમ્પાયન ઋષિને, સામવેદનું જ્ઞાન વિસ્તર્યું જૈમિની ઋષિ સુધી અને અથર્વવેદનું જ્ઞાન મળ્યું મહર્ષિ સુમંતુને. 
હવે આપણે વાત કરવી છે યજુર્વેદની. તો યજુર્વેદમાં મુખ્યતઃ બે સંપ્રદાય (વિભાગ) છે. બ્રહ્મ સંપ્રદાય કહેવાય છે કૃષ્ણ યજુર્વેદ તરીકે અને આદિત્ય સંપ્રદાય ઓળખાય છે શુક્લ યજુર્વેદ તરીકે. એમાં આપણે આગળ વધવું છે વેદમૂર્તિ દેવવ્રતે જેનું પારાયણ કર્યું એ વિશે. અર્થાત્, શુક્લ યજુર્વેદ. તો શુક્લ યજુર્વેદની મુખ્યતઃ બે શાખાઓ છે : ૧. માધ્યંદિન સંહિતા અને ૨. કણ્વ સંહિતા. હવે આ નામ કઈ રીતે મળ્યું? તો એનો જવાબ કંઈક એવો છે કે મહર્ષિ વૈશમ્પાયન પાસેથી યજુર્વેદનું અધ્યયન પહોંચ્યું મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પાસે અને યાજ્ઞવલ્ક્યજીએ એમાંના શુક્લ યજુર્વેદ ભાગનું જ્ઞાન આપ્યું તેમના શિષ્ય મહર્ષિ માધ્યંદિનને. આથી મહર્ષિ માધ્યંદિને શુક્લ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર અને અધ્યયન કર્યું એ કહેવાયું માધ્યંદિન સંહિતા.

માધ્યંદિન સંહિતામાં શું છે?

માધ્યંદિન સંહિતા વિશે વિગતે વાત કરવા જઈએ તો આમ તો ઘણું લાંબું ડિસ્ક્રિપ્શન થઈ શકે, પરંતુ આપણે એને ટૂંકું અને સાવ સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ જેથી આપણા જેવા સામાન્યજનને સમજાય. તો માધ્યંદિન સંહિતામાં બે મુખ્ય ભાગો છે : પૂર્વન્વિશતી: અને ઉત્તરન્વિશતી:. આ બે ભાગો મળીને કુલ ૪૦ અધ્યાય છે અને એનો મુખ્ય ઉદ્દેશ અથવા હેતુ યજ્ઞીય કર્મકાંડ માટે મંત્રો પ્રસ્તુત કરવાનો છે. યજ્ઞીય કર્મકાંડના એ મંત્રો છે જે દર્શપૌણમાસ, વાજપાય, રાજસૂય, શતરુદ્રીય, પુરુષમેધ, અશ્વમેધ, સર્વમેધ, પિતૃમેધ, મહાવીર સંભરણ વગેરે જેવા અનેક યજ્ઞોમાં બોલાય છે અથવા એમ કહો કે આ અને આવા બીજા અનેક યજ્ઞોના મંત્રો માધ્યંદિન સંહિતામાં છે. આ જ માધ્યંદિન સંહિતાનો અંતિમ અધ્યાય એટલે કે ૪૦મો અધ્યાય જે વિશુદ્ધ જ્ઞાન-પરક કહેવાયો છે એનું આપણામાં જાણીતું નામ એટલે ‘ઈશાવાસ્યોપનિષદ’ જેને બ્રાહ્મણો ‘આદિ ઉપનિષદ’ પણ કહે છે.
મહાન સનાતન ધર્મના આટલા સમૃદ્ધ વારસાની અને આટલી ઉચ્ચતમ સાધનાની વાત કર્યા પછી વધુ લાંબી વાત ન કરતાં માત્ર એક પ્રશ્ન સાથે આ લેખ પૂરો કરવો છે. ક્યારેક શાંતિથી વિચાર કરજો કે મહાન સનાતન ધર્મના માત્ર એક વેદના એક ભાગની એક સંહિતાનું પારાયણ કરવા માટે જો આટલી આકરી તપસ્યા કરવી પડતી હોય તો બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર કે વશિષ્ઠ જેવા દેવતુલ્ય ઋષિઓ કે મહાજ્ઞાની રાવણથી લઈને વાલ્મીકિ જેવા ઋષિઓએ કેવાં તપ અને કેવી સાધના કરી હશે? રાવણ એટલા તપસ્વી હતા કે તેઓ મહાદેવના ધામ કૈલાસ જ્યારે ચાહે ત્યારે આવ-જા કરી શકતા.
આવી ઉચ્ચતમ કક્ષાથી ધીરે-ધીરે આપણે મનુષ્ય તરીકે નીચે ઊતરતાં-ઊતરતાં કેટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયા છીએ. સાચો જવાબ મળે તો પૂછજો કે ખરેખર આપણે પ્રગતિ કરી છે કે પારાવાર અધોગતિ?

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 02:52 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK