સોશ્યલ મીડિયા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ સામે ગંભીર ખતરો પણ દેખાઈ રહ્યો છે. બાળકો શીખવાનું શીખે એના કરતાં ન શીખવાનું શીખે છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કોઈ પણ બાળકની સૌથી મોટી બે તાકાત છે તેની હિડન પોટેન્શ્યલ અને તેનું લાંબું ભવિષ્ય. સરખું ઘડતર પામનારું બાળક પરિવારથી લઈને દેશ અને સમાજ માટે કીમતી ઍસેટ બની રહે છે. આ માટે બાળકને નાનપણથી બદીઓથી દૂર રાખવાનાં પ્રિવેન્ટિવ સ્ટેપ્સ ભરીને તેના ઘડતરની શરૂઆત થાય છે.
આજે સૌથી મોટો પડકાર બાળકોને ટેક્નૉલૉજી સાથે જોડેલાં રાખીને એનાં સંભવિત નુકસાનોથી તેમને બચાવી રાખવાનો છે. એક બાજુ ડિજિટલ ઉપકરણોને કારણે લર્નિંગ, કમ્યુનિકેશન, સ્વાસ્થ્ય-સેવાથી લઈને બુકિંગ, પર્ચેઝિંગ અને પેઇંગ સુધીના મોટા ભાગના વ્યવહારોનો આધાર બની ગયા છે. સોશ્યલ મીડિયા અને ઑનલાઇન ગેમિંગથી લઈને જનરેટિવ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સુધી ડિજિટલ દુનિયા આપણા જીવનની દિશા નક્કી કરનારું મજબૂત ફૅક્ટર બની ચૂકી છે. એમાં પણ બાળકો માટે આ વાત વધુ સચોટ છે. દુનિયાભરમાં બાળપણને ડિજિટલ ટેક્નૉલૉજી દ્વારા રી-પ્રોગ્રામ્ડ કરવામાં આવી રહ્યું છે અને એ જ હવે નક્કી કરી રહી છે કે બાળકો કેવી રીતે શીખે છે, રમે છે અને પરસ્પર જોડાય છે.
ADVERTISEMENT
બીજી બાજુ સોશ્યલ મીડિયા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ સામે ગંભીર ખતરો પણ દેખાઈ રહ્યો છે. બાળકો શીખવાનું શીખે એના કરતાં ન શીખવાનું શીખે છે. આ કડવી વાસ્તવિકતા નકારી શકાતી નથી. દુનિયાના વિકસિત દેશોની સરકારો પણ આ વાત સ્વીકારી રહી છે કે બાળકોની ઑનલાઇન સુરક્ષા હવે પબ્લિક હેલ્થ-ઇશ્યુ બની ચૂકી છે.
આપણો દેશ ભૂલકાંઓમાંથી ભવ્યતાનું સર્જન કરવા માટે પંકાયેલો છે. છતાં આ વિશે લેટ ઇનિશ્યેટિવ સિન્ડ્રૉમનો ભોગ બન્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉન જાહેરમાં કહે છે કે સોશ્યલ મીડિયા બાબતે કંઈ કરવા વિશે હજી મોડું નથી થયું, પણ મોટા ફેરફારોનો સમય વીતી ગયો છે. હવે ઍક્શન જ લેવી પડશે.
ડિજિટલ દુનિયા તટસ્થ નથી. એને કઈ રીતે ડિઝાઇન કરવામાં આવી છે, કઈ રીતે સંચાલિત કરવામાં આવી રહી છે, એનાથી કેવી રીતે કમાણી થઈ રહી છે આ તમામ ફૅક્ટર્સ આપણા જીવનને આકાર આપે છે. સેક્સ્યુઅલાઇઝ્ડ અને હિંસક કન્ટેન્ટ ઊગતી પેઢીના કુમળા માનસ માટે વધારે ખતરનાક છે. આવી સામગ્રી વારંવાર બતાવવાથી બાળકોની પોતાની અને પોતાની આસપાસની દુનિયાની સમજ ઘડાઈ શકે છે જે તેના જીવનને આકાર આપશે. ઍલ્ગરિધમ સચોટ માહિતી આપવાને બદલે ધ્યાન આકર્ષિત કરનારી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે. પ્રોફાઇલિંગ અને ટાર્ગેટેડ માર્કેટિંગ માટે પર્સનલ ડેટાનો સંગ્રહ અને એનો ઉપયોગ ચિંતા વધારનારો છે. આ અંગે કોઈ નક્કર પગલાં ભરવાં અનિવાર્ય છે. સોશ્યલ મીડિયા વિશે આજના આપણા નિર્ણયો આગામી પેઢીઓને પ્રભાવિત કરશે.
