લગ્નપ્રસંગોમાં વપરાતી સોપારી, શ્રીફળ, છાબ જેવી ચીજોને ડેકોરેટ કરવાનો કન્સેપ્ટ નવો નથી. જોકે આણા અને પહેરામણીને વધુ પ્રેઝન્ટેબલ બનાવવા હવે ઇન્ડો-વેસ્ટર્ન ટચનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ સીઝનમાં નવું શું આવ્યું છે?

ભાવના પટ્ટણીની ડિઝાઇન
દીકરીનાં લગ્ન એટલે હરખનો અવસર. એમાંય આણાની તૈયારી તો જોરદાર જ હોવી જોઈએ. જમાના પ્રમાણે કરિયાવરમાં શું આપવાના છો એવું હવે કોઈ પૂછતું નથી અને એનું મહત્ત્વ નથી રહ્યું પણ આણું પ્રેઝન્ટેબલ તો હોવું જ જોઈએ, કારણ કે એના પર મહેમાનોની નજર મંડાયેલી હોય છે. આણામાં મૂકવામાં આવતાં શ્રીફળ, હળદર-સોપારી, બાજોઠ, લાડકા લાડુ, સાડીઓ અને ડ્રેસિસ, જ્વેલરી બૉક્સની સજાવટનો કન્સેપ્ટ ખાસ્સો પ્રચલિત છે. દર સીઝનમાં એમાં નવા આઇડિયાઝનો ઉમેરો પણ થતો રહે છે. આ વર્ષે આર્ટિસ્ટો શું લાવ્યા છે જોઈએ.
ઇન્ડો-વેસ્ટર્ન ટચ
લગ્નના આઉટફિટ્સ, વેડિંગ થીમ અને સ્ટેજ ડેકોરેશનના આઇડિયાઝ ચેન્જ થયા છે એવી જ રીતે આણાની સજાવટ મનમોહક તેમ જ યુનિક હોવી જોઈએ એવો આગ્રહ સૌ રાખવા લાગ્યા છે એમ જણાવતાં વિલે પાર્લેનાં ક્રીએટિવ આર્ટિસ્ટ હેમાંગિની ગોપાણી કહે છે, ‘વરરાજાના હાથમાં શોભતા શ્રીફળથી લઈને વિદાયવેળાએ કન્યાના હાથમાં આપવામાં આવતા રમણદીવા સહિત દરેકેદરેક વસ્તુમાં નવીનતા જોઈએ છે. વસ્તુની કિંમત કરતાં એને પ્રેઝન્ટેબલ બનાવવાનો ખર્ચ વધી જાય તોય લોકોને વાંધો નથી. આ સીઝનમાં ડેકોરેશનમાં મૉડર્ન અને ટ્રેડિશનલનું કૉમ્બિનેશન ટ્રેન્ડમાં છે. પહેરામણી માટેની કોઈ પણ આઇટમમાં અગાઉ જરીવાળી તુઈ, નાડાછડી અને જિલેટિન પેપર જેવી વસ્તુઓનો ઉપયોગ થતો હતો.
હવે ગિફ્ટના પ્રકાર મુજબ એને ટચ આપવો પડે છે. વેસ્ટર્ન લુકમાં આર્ટિફિશ્યલ પેસ્ટલ ફ્લાવર્સ અથવા રિયલ ફ્લાવર અને ડિફરન્ટ કલર્સની રિબન્સનું ડેકોરેશન હોય. જ્યારે ટ્રેડિશનલમાં જૂટ મટીરિયલ અને ગોટા પટ્ટીનો ઉપયોગ થાય. પરંપરાગત રીતે સજાવીને ગોઠવવામાં આવેલી કન્યાની સાડી સાથે વરરાજાના સૂટને વેસ્ટર્ન સ્ટાઇલમાં પૅક કરીને મૂકવાથી ઇન્ડો-વેસ્ટર્ન લુક લાગે છે.’
લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વધુ માહિતી આપતાં બોરીવલીનાં ક્રીએટિવ આર્ટિસ્ટ ભાવના પટણી કહે છે, ‘આણાની સજાવટમાં પરિવર્તન આવતાં નામ પણ બદલાઈ ગયું. એનું વિદેશી નામ છે ટ્રુઝો પાર્ટી ડેકોરેશન. શ્રીફળ, સંપુટ, વરમાળાથી માંડીને લગ્ન બાદ વહુનાં પગલાં પાડવાની પ્રથા માટે વપરાતી મૅટ વેસ્ટર્ન સ્ટાઇલમાં ડેકોરેટ કરેલી હોવી જોઈએ. એના પર નામ લખવાનો ટ્રેન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. બાંધણીનું કાપડ કમ્પ્લીટ્લી આઉટડેટેડ છે. રેડ અને ગ્રીન કલર્સની જગ્યાએ પીચ, સી ગ્રીન અને બ્લુ આવી ગયા છે.’
થીમ સાથે મૅચિંગ
આજકાલ થીમ વેડિંગનો જમાનો છે. એ થીમ લગ્નના દરેક ફંક્શનથી લઈને દરેક ચીજ સાથે જવી જોઈએ. સ્ટેજ ડેકોરેશન, બ્રાઇડ અને ગ્રૂમના આઉટફિટ્સથી લઈને ગેસ્ટના ડ્રેસકોડ સુદ્ધાં સાથે આણાનું ડેકોરેશન પણ મૅચ થવું જોઈએ એવી ક્લાયન્ટ્સની ડિમાન્ડ છે. આ સંદર્ભે વાત કરતાં ભાવના કહે છે, ‘ફંક્શનમાં કેવા કલરની થીમ છે એ બાબત ક્લાયન્ટ્સ અમને પહેલાં જ જણાવી દે છે. શ્રીફળ, વરમાળા, લાડકા લાડુ, ટ્રે, રથ, ગિફ્ટ આર્ટિકલ્સ બધું જ દેખાવમાં સેમ ટુ સેમ હોય તો જોનારાને અટ્રૅક્ટ કરે છે. થીમ રિલેટેડ ડેકોરેશનમાં રાધા-કૃષ્ણના પ્રેમને દર્શાવી શકાય. વરરાજાનો વરઘોડો અને કન્યાની ડોલી જતી હોય એવું બતાવવું હોય તો એ રીતે ડેકોરેટ થાય. કલર કૉમ્બિનેશનમાં ક્લાયન્ટ્સને શું જોઈએ છે એ જાણ્યા બાદ અમે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ બનાવીને આપીએ.’
કન્સેપ્ટ ચેન્જ
હેમાંગિની ગોપાણી
આપણે ત્યાં પહેરામણીને છાબમાં સજાવીને લઈ જવાની પ્રથા છે. જૂના જમાનાની ગોળાકાર છાબમાં દરેક વસ્તુને હાઇલાઇટ કરવી અઘરું છે તેથી આ કન્સેપ્ટ અત્યારે આઉટડેટેડ ગણાય છે. એની જગ્યાએ વુડન અને થર્મોકોલ ટ્રે પ્રચલિત છે, કારણ કે એનો શેપ અટ્રૅક્ટિવ છે એમ જણાવતાં હેમાંગિની કહે છે, ‘ગિફ્ટને ટ્રેમાં વન સાઇડ અરેન્જ કરી સામેની સાઇડમાં ડેકોરેશન કરીને મૂકો તો દૂરથી પણ એ વસ્તુ હાઇલાઇટ થાય છે તેમ જ એને કૅરી કરવી સરળ છે. ટ્રે ડેકોરેશનમાં લાઇટિંગનો કન્સેપ્ટ પણ પૉપ્યુલર છે. ટ્રેની નીચે સેલ ગોઠવેલા હોય. મહેમાનોના આવવાના સમયે લાઇટિંગ ઑન કરી દેવાનું. એનાથી આખો ગેટઅપ ચેન્જ થઈ જાય છે. સામાન્ય રીતે અમે લોકો ડેકોરેટિવ ટ્રે આપી દઈએ છીએ. જેમના ઘરે પ્રસંગ હોય તેઓ હૉલમાં જઈને એમાં વસ્તુ ગોઠવે છે. મોટા ભાગે આ બધી આઇટમો કસ્ટમાઇઝ્ડ હોય છે. ઘણા એમાં પણ ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલની ડિમાન્ડ કરે છે. બે-ત્રણ ટ્રે સાથે ટ્રેડિશનલ છાબ મૂકી દેવાની જેથી પ્રથા જળવાઈ રહે અને ટ્રેન્ડી પણ લાગે. પહેરામણી ઉપરાંત મેકઅપનો સામાન, સૅન્ડલ, વૉચ જેવી અનેક વસ્તુઓને ડેકોરેટ કરીને મૂકવામાં આવે છે.’
ભાવના પટણી
ન્યુ કન્સેપ્ટમાં વપરાતી વસ્તુઓ વિશે જાણકારી આપતાં ભાવના કહે છે, ‘ફાઇન વુડન ટ્રે ઉપરાંત મેટલ કેજ અને બાસ્કેટ આવી ગયાં છે. મોટા ભાગની આઇટમમાં વેસ્ટર્ન ટચ ટ્રેન્ડી છે. ડેકોરેટિવ પીસમાં રાધા-કૃષ્ણ કન્સેપ્ટ પણ લોકોને ખૂબ ગમે છે. બે જુદા કન્સેપ્ટને સેપરેટલી ટ્રીટ કરવાની જગ્યાએ એક જ આઇટમમાં બન્ને દેખાડી શકાય. દાખલા તરીકે ટ્રે પર પેસ્ટલ ફ્લાવર્સનું ડેકોરેશન કરી બૅક સાઇડમાં રાધા-કૃષ્ણનાં પોસ્ટર અથવા પેઇન્ટિંગ્સ ગોઠવવાં. પહેરામણીને ડિસ્પ્લે કરવાના અઢળક આઇડિયાઝ છે. આર્ટિસ્ટની ક્રીએટિવિટી એને યુનિક બનાવે છે.’