યાદ રહે, આપણે સહુ મનુષ્યો કર્મના કાયદા હેઠળ પોતપોતાનાં કર્મ કરી રહ્યા છીએ અને એને માટે અપેક્ષિત કે અનપેક્ષિત ફળની પ્રાપ્તિ કરી રહ્યા છીએ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સામાન્યતઃ લોકો પોતાના જીવનમાં આવનારા દરેક અડચણ અને દુઃખને માટે બીજાને કોસતા રહે છે અને અંદર ને અંદર બડબડ કરતા રહે છે કે ‘ફલાણાએ અમારી સાથે આવું ન કર્યું હોત આજે અમારા હાલ આવા ન થયા હોત’, પરંતુ આવા સમયે મોટે ભાગે લોકો આ સાર્વત્રિક નિયમને ભૂલી જાય છે કે ‘દરેક ક્રિયાની એક વિરોધી અને સમાન પ્રતિક્રિયા હોય છે.’ અતઃ પોતાની જાતને જોવાને બદલે આપણે દર વખતે સામેવાળી વ્યક્તિને ઠીક કરવાની મથામણમાં જ પોતાની બધી ઊર્જા વેડફતા રહીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણને દોષ દેવા માટે કોઈ વ્યક્તિ નથી મળતી તો આપણે ખૂબ જ લુચ્ચાઈથી પરિસ્થિતિને દોષ આપવા માંડીએ છીએ. પરંતુ આવું કરવામાં આપણે એ ભૂલી જઈએ છીએ કે વર્તમાનમાં આપણા જીવનમાં જે પણ પરિસ્થિતિ છે એ આપણી જ પેદાઇશ છે, અતઃ ‘કર્મ ફિલોસૉફી’ અનુસાર જે કંઈ પણ આપણે આજે અનુભવી કે ભોગવી રહ્યા છીએ, એ ભૂતકાળમાં કરેલા આપણા જ કોઈ કર્મ અથવા તો ખોટી વિચારધારાનું પરિણામ છે. નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર દોષ નાખવામાં નિષ્ફળ થવાને કારણે નિરાશ મનુષ્ય સર્વશક્તિવાન પરમાત્માને દોષ આપવા સુધીની મૂર્ખતા કરી બેસે છે. આવું કરવા પાછળ મનુષ્યની દલીલ એવી હોય છે કે ‘દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું જ ભગવાનની મરજી મુજબ થઈ રહ્યું છે એટલે મારી આ વ્યક્તિગત દુર્દશા પણ ભગવાનની ઇચ્છાનું પરિણામ છે.’
સાંભળવામાં ઘણું હાસ્યાસ્પદ લાગે છેને? પરંતુ વાસ્તવિકતા તો આ જ છે કે આપણે જાણીજોઈને એ ભૂલવાનો ઢોંગ કરીએ છીએ કે દરેક વ્યક્તિ તેના પૂર્વજન્મનાં કર્મોના આધારે ખુશી અથવા સુખનો અનુભવ કરે છે અને માટે એ કહેવું અનુચિત રહેશે કે પરમાત્મા દુનિયામાં બની રહેલા દરેક સારા કે ખરાબ પ્રસંગને માટે જવાબદાર છે. યાદ રહે, આપણે સહુ મનુષ્યો કર્મના કાયદા હેઠળ પોતપોતાનાં કર્મ કરી રહ્યા છીએ અને એને માટે અપેક્ષિત કે અનપેક્ષિત ફળની પ્રાપ્તિ કરી રહ્યા છીએ. આ પ્રક્રિયામાં પરમાત્માની કોઈ પણ દખલગીરી નથી હોતી. જોકે એક શિક્ષક તેમ જ માર્ગદર્શકના રૂપે પ્રભુ આપણને સારાં કર્મ કરવાનું શિક્ષણ અને જ્ઞાન આપી શકે છે, પરંતુ આપણા બદલે તેઓ પરીક્ષા તો ન જ આપી શકે. એટલે આપણે કોઈને પણ દોષ દીધા વગર પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતે જ જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈને આગળ વધવાનું છે. દોષારોપણ કરવાની આદત આપણા સર્વાંગી વિકાસમાં મુખ્ય અવરોધો પૈકી એક છે એટલે જેટલું થઈ શકે તેટલું એનાથી બચવું અનિવાર્ય છે નહીંતર આપણે ક્યારેય કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવી નહીં શકીએ. તો ચાલો, આજથી આપણે આ પ્રતિજ્ઞા લઈએ કે આપણે પોતાનાં કર્મોની જવાબદારી પ્રત્યે સભાન રહીને પોતાની જાત સાથે પ્રામાણિક રહીશું અને પરમાત્મા દ્વારા બતાવેલા સત્ય માર્ગ પર ચાલવાનો સભાન પ્રયાસ કરીશું.


