Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > બિહાર મેં હોલી ગજબે હોલા, બબુઆ

બિહાર મેં હોલી ગજબે હોલા, બબુઆ

Published : 01 March, 2026 03:55 PM | IST | Mumbai
Alpa Nirmal

આમ તો બિહારમાં દારૂબંધી છે, પરંતુ હોળીના તહેવારમાં બેરોકટોક ભાંગ પીરસાય અને પીવાય છે.

સમસ્તીપુરની છાતા હોલી

તીર્થાટન

સમસ્તીપુરની છાતા હોલી


રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા સાથે બિહારની હોળી પણ ભારે ઝાકમઝોળ હોય છે. અહીં દરેક જિલ્લા અને તાલુકાએ અવનવી પરંપરાઓ સાથે આ તહેવારની ઉજવણી થાય છે. ક્યાંક ભગવાન બુદ્ધને રંગ લગાવી જશનની શરૂઆત થાય છે, તો ક્યાંક ગોબરસ્નાન કરાવ્યા પછી ઉત્સવનો પ્રારંભ થાય છે. ફગુઆની અનોખી રીતરસમો જાણવા આજે જઈએ વૈશાલીનગરમાં

ફાલ્ગુનોત્સવ નિમિત્તે અનેક જગ્યાએ જટ-જતીન ડાન્સનું આયોજન પણ થાય છે. આ નૃત્યનાટિકા બિહારી લૈલા-મજનૂની કથા બયાન કરે છે.



જો તમારી સાથે કે તમારે ત્યાં કામ કરતા બિહારી બાબુ દર હોળીએ ગામ જવા માટે રજા લેતા હોય તો એ જાયઝ છે, કારણ કે બિહારની છોટી હોલી (હોલિકાદહનનો દિવસ) અને બડી હોલી (ધુલંડી)ની ઉજવણીઓ છે જ એવી મૅગ્નેટિક જેનાથી બિહારીજનો દૂર નથી રહી શકતા. ગામેગામ ગવાતા ફગુઆ, દરેક ઘરમાંથી આવતી વિવિધ પકવાનની સોડમ, પુરબહારમાં મહોરી ઊઠેલી ધરતી અને ચારેકોર આનંદના, હસી-મજાકના સૈલાબથી સમસ્ત રાજ્યનો માહોલ તરબતર હોય છે જે આ તહેવારના દ્રષ્ટા અને ભોક્તાને તરોતાજા કરી દે છે. એક દૃષ્ટિએ ધુળેટી માનસિક ડિટૉક્સિફિકેશનનો તહેવાર કહી શકાય. જેને કાંઈ કહી ન શકાતું હોય (વડીલો, સંબંધીઓ વગેરેને) તેને લોકગીતો, વ્યંગગીતોના માધ્યમથી ચોપડાવી દો અને હળવા થઈ જાઓ. ઍન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ, જે-તે વ્યક્તિઓને માઠુંય ન લાગે, કારણ કે ‘બુરા ન માનો હોલી હૈ...’


જોક્સ અપાર્ટ, હકીકત એ છે કે હોલિકા અને પ્રહ્‍‍લાદની કથા ભલે ભગવાન પ્રત્યેની અસીમ ભક્તિ તથા દૃઢ વિશ્વાસનો બોધ આપતી હોય પણ રંગપંચમીનો ઉત્સવ જીવનને ઊજવવાનો સાર સૂચવે છે. આ તહેવાર સાથે મસ્તી-મજાક અને ધમ્માલ એટલે જોડાઈ ગયાં છે કારણ કે આપણા પ્રિય કાનુડાએ રાધાજી અને ગોપીઓ સાથે ફાગ ખેલ્યાની અનેક કહાનીઓ ધાર્મિક ગ્રંથોમાં આલેખાઈ છે. પ્રાચીન કિંવદંતી કહે છે, શ્રીકૃષ્ણનો વર્ણ હતો શામળો અને સખી રાધા વર્ણે ગોરી. બાળકનૈયો આ વિશે માતા યશોદાને વારંવાર ફરિયાદ કરતો. યશોદાજી તેને સમજાવતાં, અન્ય વાતોમાં ભોળવતાં પણ નંદલાલાએ જ્યારે રઢ ન મૂકી ત્યારે મૈયાએ સુઝાવ આપ્યો કે ‘તારા રંગ જેવો રંગ તું રાધાના ચહેરા પર લગાવી દે, તો તમે બેઉ સમાનરંગી થઈ જશો.’ બસ, પછી તો પૂછવું જ શું? નટખટ મોહન અને તેના મિત્રોએ ફૂલો, વનસ્પતિમાંથી અનેક રંગ તૈયાર કર્યા અને રાધારાણીને રંગવા પંહોચી ગયા બરસાના. રાધાજી અને સખીઓ રંગથી બચવા ભાગી, છુપાઈ, પણ ‘બિરજ કો છોરો’ એમ હાર માને એવો થોડો હતો. તેણે યેનકેનપ્રકારેણ રાધાને પકડી અને તેના ચહેરાને રંગી નાખ્યો. બ્રજવાસીઓને માખણચોરની આ શરારત બહુ ગમી ગઈ અને ત્યારથી રંગવાળી હોળી ઊજવવાનું શરૂ થઈ ગયું જે આજ સુધી ઉત્સાહથી ખેલાય છે અને એમાં ઈસ્ટ ઇન્ડિયાનું બિહાર રાજ્ય પણ પાછળ નથી. ઇન ફૅક્ટ અહીંની હોળી તો ભારે ગજબ છે બબુઆ.


નાલંદાના તેત્રાવનની હોળી


આગળ કહ્યું એમ, બિહારના દરેક પ્રાંતની ફગુઆ (ધુળેટી) ખેલવાની પરંપરા ભિન્ન છે જેમાંથી આપણે થોડી અનુઠી પદ્ધતિ વિશે જાણીએ...

નાલંદાના તેત્રાવનની હોળી

આમ તો ફાગપૂર્ણિમાનો આ ઉત્સવ રાધે-શ્યામ સાથે જોડાયેલો છે પણ  તેત્રાવનમાં ભગવાન બુદ્ધને રંગ લગાવ્યા બાદ ઉજવણીનું મંગલાચરણ કરવામાં આવે છે. એક કાળે વિદ્યાનગરી રહેલું નાલંદા સદીઓથી વિશ્વપ્રસિદ્ધ છે. દુનિયાભરમાંથી છાત્રો અહીં જ્ઞાનપ્રાપ્તિ  અર્થે આવતા. આજે પણ વિશ્વઆખું એ વિદ્યાલયોના પ્રાચીન અવશેષો જોવા અહીં આવે છે. એ સાથે જૈન તીર્થંકર મહાવીર અને તથાગત બુદ્ધની નગરી નાલંદા બૌદ્ધ ધર્મનું પણ પ્રમુખ સ્થાન છે. જિલ્લાના મુખ્ય શહેર બિહાર શરીફથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા તેત્રાવન ગામમાં આવેલા સંત બાબા મંદિરના મુખ્ય દેવ બુદ્ધને ગુલાલ અને રંગ લગાવ્યા પછી જ ગ્રામજનો એકબીજાને રંગ લગાવે છે. કાળા પથ્થરમાંથી બનેલી બુદ્ધની મૂર્તિ ૭ ફુટ ઊંચી છે. પ્રતિમાનો વર્ણ તો ખરો જ, પણ એની મુદ્રા પણ યુનિક છે. અહીં બુદ્ધ ભૂમિસ્પર્શ મુદ્રામાં છે. અહીં ૧૯૯૨-’૯૩માં ફૉરેન બુદ્ધિસ્ટ સંતોની બેઠક થઈ હતી જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ મૂર્તિ અત્યંત પ્રાચીન છે. વળી જ્ઞાનોદયના પ્રતીક સમાન બેસેલી મુદ્રાની આવી મૂર્તિ સમસ્ત વિશ્વમાં બહુ જૂજ છે.

 જોકે અહીંની ગ્રામીણ પ્રજા ભગવાન બુદ્ધને બાબા ભૈરવ કહે છે. બિહારના બે મુખ્ય ઉત્સવ છઠપૂજા અને હોળીનો શુભારંભ અને સમાપન આ બુદ્ધની પૂજા સાથે જ થાય છે. પરંપરા અનુસાર હોળીના આગલા દિવસે મૂર્તિને બરાબર સાફ કરવામાં આવે છે. એ પછી એના પર સાકર અને રવાનો લેપ લગાડાય છે. ત્યાર બાદ દેશી ઘીથી લીંપણ કરવામાં આવે છે અને બાબાના ચહેરાને છોડીને બાકીની મૂર્તિ પર સફેદ ચાદર વીંટાળી દેવાય છે. એ પછી બીજા દિવસે ગ્રામવાસીઓ અહીં આવી પહેલાં ભૈરવજીને રંગે છે. કૃષ્ણ મંદિરોની જેમ અહીં પણ હોળી ઉત્સવ દરમ્યાન ભજન-કીર્તન ગવાય છે. પાલ વંશની હકૂમતમાં આઠમી-બારમી સદી દરમ્યાન નિર્માણ થયેલા બુદ્ધની પ્રતિમાનાં દર્શન અર્થે પહેલાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા વિદેશીઓ આવતા, પરંતુ પર્યટનનો યોગ્ય વિકાસ ન થવાથી ભક્તોનું આવાગમન ઘટી ગયું છે. હા, ગ્રામવાસીઓની આસ્થા બરકરાર છે. તેમનું માનવું છે કે બાબાની મૂર્તિની સામે કરાયેલી મનોકામના પૂર્ણ થાય છે.


મગધની બુઢવા મંગલ હોલી

સમસ્તીપુરની છાતા હોલી

આઝાદી પૂર્વેથી કૃષિ વિદ્યાલય માટે જાણીતું સમસ્તીપુર બિહારના દરભંગા મંડલનું એક ગામ છે. અહીંથી ૪૦ કિલોમીટરે આવેલું મુઠ્ઠી જેવડું ધમૌન ગામ હોળીના તહેવાર દરમ્યાન હજારો મુલાકાતીઓનું યજમાન બની જાય છે, કારણ કે અહીંની છત્રી હોળી જબરદસ્ત પ્રખ્યાત છે. હોળીના કેટલાક દિવસો પૂર્વે ગામના યુવાનો ગ્રુપ બનાવીને વાંસની મોટી-મોટી છત્રી બનાવે છે. માળખું તૈયાર કર્યા બાદ એ છત્રીને રંગીન કપડાં, ફુમતાં, જરી, આભલા, લાઇટ્સ, પતાકા, પ્લાસ્ટિકનાં ફૂલો આદિ અનેક ડેકોરેટિવ વસ્તુઓથી સજાવે છે. ઍક્ચ્યુઅલી, અહીં છત્રી-ડેકોરેશનની સ્પર્ધા યોજાય છે. હોળીના દિવસે ગ્રામવાસીઓ ઢોલ-નગારાં સાથે નાચતાં-ગાતાં પોતાની રંગબેરંગી છત્રી લઈને અહીંના નિરંજન મંદિરના પરિસરમાં પહોંચે છે. બધી છત્રીઓ ત્યાં લાવ્યા બાદ એને પરિસરમાં મુકાય છે અને એમાંથી બેસ્ટ છત્રીનું આકલન કર્યા પછી એના મેકર્સનું સન્માન થાય છે. દરેક વ્યક્તિ મંદિરમાં દર્શન કરે છે અને પછી તો ઊડે છે રંગોની બૌછાર.

થોડા દસકા પૂર્વે શરૂ થયેલી આ પ્રથા કઈ રીતે આરંભ થઈ, કોણે કરી એની કોઈ નોંધ નથી, પરંતુ શરૂઆત એક છત્રીથી થયેલી. પછી એની સંખ્યા બે-ચાર થઈ અને આજે ૩૦થી ૩૫ છત્રીઓ શણગારાય છે. આ પ્રસંગે લોકોનો ઉત્સાહ અને થનગનાટ અદ્ભુત હોય છે. વડીલો, યુવાનો, મહિલા, બાળકો સહિત ઊજવાતા આ તહેવારમાં વર્ણભેદ પણ ભુલાઈ જાય છે અને આંતરિક વિખવાદ પણ વીસરાઈ જાય છે. હોળીની સવારથી લઈને મધરાત સુધી ઢોલક-હાર્મોનિયમની સાથે ઘમ્મર અને લોકગીતોની રમઝટ બોલાય છે.

બ્રજની હોલી જેટલી જ ફેમસ આ છાતા-હોલીમાં ગયા વર્ષે ૭૦,૦૦૦ જેટલા લોકો સામેલ થયા હતા અને ફક્ત ધમૌન ગામની જ નહીં, એની આજુબાજનાં ગામડાંઓમાંથી પણ શણગારાયેલી છત્રી અહીં લવાઈ હતી. ગામના વડીલો માને છે કે આ પ્રથાથી કેલ દેવતા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી આખું વર્ષ સારું જાય છે. બાબા કેવલ મહારાજ (કેલ દેવતા) નિષાદ સમુદાયના મુખ્ય દેવ છે. ખેડૂતો, ગ્રામવાસીઓની માન્યતા છે કે કેલ દેવ સર્પદંશથી મનુષ્યોની રક્ષા કરે છે.

લાલુપ્રસાદ યાદવે ફેમસ કરી કુર્તાફાડ હોલી

અફકોર્સ, આ કોઈ ધાર્મિક પરંપરા નથી, પરંતુ બિહારના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટરે તેમના કાર્યકાળમાં કુર્તાફાડ હોલીને ફેમસ કરી. એ પછી સ્ટેટના અનેક પ્રદેશમાં આ પ્રથા શરૂ થઈ ગઈ છે. આમા ઘેરૈયાઓ બડી હોલી (ધુળેટી)ના દિવસે ગ્રામના પુરુષોના કુર્તા, ગંજી, શર્ટ, ટી-શર્ટ જે પહેર્યું હોય એ ખાસ પદ્ધતિથી, હાથ વડે ફાડે છે અને એ પછી એ પુરુષ અડધો દિવસ સુધી એ ફાટેલાં કપડાં પહેરીને જ હોળી રમે છે. કોઈકને આ કૃત્ય અભદ્ર લાગે, પરંતુ ગળા તેમ જ ખભા પર લટકતા વસ્ત્રનાં ચીંથરાં જોઈને ખરેખર હસવું આવે છે અને હોળી તો આનંદ-પ્રમોદનો જ તહેવાર છેને.
કોઈ પણ હોદ્દા, દરજ્જા, નાતજાત, વર્ણના ભેદભાવ વિના ખેલાતા આ ફાગોત્સવ પાછળનો ઉદ્દેશ છે‍ : બધું ભૂલી મોજ કરો. ૧૯૯૦થી લાલુ પ્રસાદ તેમના રાજકીય નિવાસસ્થાન પર આ પ્રકારની હોળી રમતા. ઢોલ, ડફ, ફાગગીત, પકવાન, રંગ સાથે બેમિસાલ ઉત્સાહ સહિત ખેલાતી આ હોળી આજે પણ બિહારના પટના, ભાગલપુર, જમુઈ, મુંગેર, કોસી, શાહબાદ અને મગધના વિસ્તારોમાં ઊજવાય છે. 

મગધની બુઢવા મંગલ હોલી

બિહારના મગધ ક્ષેત્રમાં હોળીનો તહેવાર એટલે જશનનું ફુલ પૅકેજ. અહીંનાં મંદિરો આખા ફાગણ મહિનામાં ઢોલક-મંજીરાના તાલે ગવાતાં હોળીનાં લોકગીતોથી ગુંજી ઊઠે છે અને હોલિકાદહન બાદ તો એ મસ્તી પરાકાષ્ઠાએ પહોંચે છે. ધુળેટીના દિવસે અહીંના પુરુષોની શરૂઆત કીચડ, ગોબર અને માટીના પાણીથી પલળીને થાય છે. યુવાનિયાઓની ટોળકી ગામના ઘરે-ઘરે જાય છે અને ઘરમાં રહેલા દરેક ઉંમરના જેન્ટ્સને બહાર ખેંચી લાવીને તેના માથે ગોબર-કીચડથી ભરેલી આખી બાલદી ઠાલવી દે છે. એ પછી ગોબરગ્રસ્ત પુરુષો પણ પછી એ ટોળીમાં જોડાઈને બીજા ઘરે જાય છે. આ આખો કાર્યક્રમ બપોર સુધી ચાલે છે એ પછી રંગ (પાકા પણ ખરા) અને સાંજે અબીલ-ગુલાલથી ફાગવા રમાય છે. આખા ગામના લોકો એક જગ્યાએ ભેગા થાય છે. પારંપરિક ગીતોથી લઈ ડીજેની ધૂન ચાલે છે અને સાથે  ખાણી-પીણીનો આ જલસો મોડી રાત સુધી ચાલે છે. એ પછી પણ હજી ધરાયા ન હોય એમ બીજા દિવસે, આપણે વાસી ઉતરાણ મનાવીએ એમ, અહીં બુઢવા હોળી મનાવાય છે. એ સાથે સાંજે જુલૂસ નીકળે છે ઍન્ડ અગેઇન, ડાન્સિંગ-સિન્ગિંગ સાથે મૌજેમૌજ હોય છે. એ સાથે અમુક ગામડાંઓમાં માટલા ફોડવાની પ્રતિયોગિતા પણ યોજાય છે.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 03:55 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK