આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં આવશે
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તાજેતરમાં ગૅસ-ટૅન્કરને થયેલ અકસ્માત
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તાજેતરમાં ગૅસ-ટૅન્કરને થયેલા અકસ્માતને કારણે ૩૨ કલાક ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, જેને કારણે મહારાષ્ટ્ર સરકાર અત્યંત ઇમર્જન્સીમાં ક્ષતિગ્રસ્ત ટૅન્કરોને ઍરલિફ્ટ કરવાની શક્યતા ચકાસી રહી છે એમ શનિવારે વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. સરકારે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) બનાવવાનો અને ઇમર્જન્સી રિસ્પૉન્સ મેકૅનિઝમને મજબૂત બનાવવાનો આદેશ આપ્યો છે. એમાં હાઇવે પર ડેડિકેટેડ ડેન્જરસ મટીરિયલ રિસ્પૉન્સ યુનિટ સ્થાપવાનો અને ફાયર-ફાઇટિંગ સિસ્ટમને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
વિધાનસભામાં ચર્ચાનો જવાબ આપતાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘અત્યંત જ્વલનશીલ કેમિકલ ટ્રાન્સપોર્ટ કરતા ટૅન્કર પાસે માન્ય લાઇસન્સ હતું અને એનું નિયમિત નિરીક્ષણ ચાલી રહ્યું હતું. ૩ ફેબ્રુઆરીએ ખંડાલા ઘાટમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યા બાદ વાહન પલટી ગયું હતું, જેને કારણે સેંકડો વાહનો ફસાઈ ગયાં હતાં અને પ્રવાસીઓ માટે દુઃસ્વપ્ન સર્જાયું હતું. ગૅસ લીકેજ અથવા આગને રોકવા માટે અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરતાં મોટી દુર્ઘટના ટળી હતી.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે સરકાર કેટલાક દેશોમાં પ્રવર્તતી પ્રથા મુજબ ભારે કટોકટીમાં ક્ષતિગ્રસ્ત ટૅન્કરોને ઍરલિફ્ટ કરવાની શક્યતા ચકાસી રહી છે. ઘણા ટ્રાન્સપોર્ટરો પાસે આવા અકસ્માતોને સંભાળવા માટે સ્પષ્ટ SOPનો અભાવ હોવાનું સ્વીકારતાં તેમણે કહ્યું કે સરકારે જોખમી મટીરિયલ ટ્રાન્સપોર્ટ કરતી કંપનીઓને પૂરતાં બચાવ-સાધનો રાખવાનો અને નિર્ધારિત કટોકટી પ્રોટોકૉલ સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘હાઇવે પર અને ખાસ કરીને ટનલમાં ડેન્જરસ મટીરિયલ રિસ્પૉન્સ યુનિટ સ્થાપવા અને ફાયર-ફાઇટિંગ સિસ્ટમ્સને મજબૂત બનાવવા માટે સૂચનાઓ ઇશ્યુ કરવામાં આવી છે. એમાં ફોમ, પાણી અને અન્ય અગ્નિ-નિયંત્રણ પદ્ધતિઓ તથા જોગવાઈઓનો સમાવેશ થાય છે. વળી ટ્રાફિક જૅમના એ સમયગાળા દરમ્યાન વસૂલ કરવામાં આવેલો ટોલ પાછો આપવામાં આવશે.’
ઇમર્જન્સીમાં હેલિકૉપ્ટર તહેનાત કરવા સૂચન
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય જયંત પાટીલે ગંભીર ટ્રાફિક જૅમ દરમ્યાન ફાસ્ટ ઇમર્જન્સી રિસ્પૉન્સ માટે હેલિકૉપ્ટર સર્વિસ તહેનાત કરવાનું સૂચન કર્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો હતો કે ‘હેલિકૉપ્ટર ઉપલબ્ધ છે, પરંતુ રાત્રિ-ઉડાન પર પ્રતિબંધ હોવાથી કામગીરીમાં અવરોધો ઊભા થાય છે. કટોકટી દરમ્યાન વાહનોને અસરગ્રસ્ત માર્ગોમાં પ્રવેશતાં અટકાવવા માટે અધિકારીઓ સાઇનબોર્ડ અને શૉર્ટ મેસેજિંગ સર્વિસ (SMS) ચેતવણીઓ દ્વારા રિયલ ટાઇમ ઇન્ફર્મેશન પ્રસારિત કરવા માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (ITMS)ને વધારશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં આવશે.’
