આખાય વિશ્વમાં શનિ ગ્રહ તેમની પત્ની સાથે બે જ જગ્યાએ બિરાજે છે, જેમાંનું એક મંદિર વિલંકુલમમાં છે
તાંજોરનું અક્ષયપુરેશ્વર મંદિર
તામિલનાડુમાં નવેનવ ગ્રહનાં અલાયદાં મંદિર તો છે જ, ઉપરાંત દરેક નક્ષત્રને સમર્પિત મંદિરો પણ છે. એ શૃંખલામાં અક્ષયપુરેશ્વર મંદિર એ પુષ્ય નક્ષત્રનું મંદિર છે. પુષ્ય નક્ષત્ર હોય એવા દિવસે અહીં સેંકડો ભાવિકો દર્શનાર્થે આવે છે અને અખાત્રીજે તો અહીં જોરદાર ઝાકમઝોળ હોય છે. આખાય વિશ્વમાં શનિ ગ્રહ તેમની પત્ની સાથે બે જ જગ્યાએ બિરાજે છે, જેમાંનું એક મંદિર વિલંકુલમમાં છે
વૈશાખ મહિનાના અજવાળિયા પક્ષની ત્રીજ એ અક્ષયતૃતીયા. આ દિવસ સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ત્રેતાયુગની શરૂઆત આ ત્રીજે જ થઈ હતી. વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનું પ્રાગટ્ય, પવિત્ર નદી ગંગાજીનું ધરતી પર અવતરણ, કુબેર દેવનું ધનના દેવતા તરીકેનું સ્થાપન, મહાભારત ગ્રંથના લેખનના મંગલાચરણ તેમ જ અકિંચન સુદામાનું દ્વારકાધીશના મહેલમાં મિત્રને મળવા જવું જેવા દરેક શુભ અવસર અખાત્રીજના જ બન્યા હતા. એમાંય આ ત્રીજને અક્ષયતૃતીયા એટલે કહેવાઈ, કારણ કે પાંડવોને વનવાસ દરમિયાન ખોરાકની અગવડ ન પડે એ સારુ શ્રીકૃષ્ણએ દ્રૌપદીને જે અક્ષયપાત્ર આપ્યું હતું એ દિવસ પણ વૈશાખ સુદ ત્રીજનો હતો.
ADVERTISEMENT
શનિદેવ તેમની બન્ને પત્નીઓ સાથે અહીં બિરાજે છે.
આ જ પરંપરામાં અન્ય એક પ્રસંગ પણ આ દિવસે જ ઘટ્યો હતો. બન્યું એવું હતું કે ભાઈના પ્રહારથી પંગુ થઈ ગયેલા શનિદેવ ભોલેનાથનાં ભિન્ન-ભિન્ન મંદિરોની યાત્રા કરી રહ્યા હતા. એમાં ફરતાં-ફરતાં તેઓ વિલંકુલમ નામક સ્થળે પહોંચી ગયા. બેલનાં વિશાળ વૃક્ષો અને અસંખ્ય નાનાં-નાનાં તળાવો ધરાવતા આ પ્રદેશમાં શનિ મહારાજના પગ ફસાઈ ગયા. ત્યારે ભક્તની મદદ કરવા સ્વયં ભોલેનાથ ત્યાં પ્રગટ થયા. અફકોર્સ, એ દિવસ પણ હતો અખાત્રીજનો. વાર હતો શનિ અને નક્ષત્ર હતું પુષ્ય.
વેલ, વેલ, વેલ. ત્રણ દિવસ પછી અક્ષયતૃતીયાનો શુભ દિવસ આવી રહ્યો છે એ અન્વયે આપણે વિલંકુલમ ઊપડીએ.
lll
વિલંકુલમ તામિલનાડુ રાજ્યનું એક રિમોટ વિલેજ છે. તંજાવુર જિલ્લામાં આવેલું આ ગામ અનડેવલપ્ડ ભલે રહ્યું છતાંય વર્ષે દહાડે અહીં હજારો યાત્રાળુઓ આવે છે કારણ કે આ ગામ શનિગ્રહનું સાધના ક્ષેત્ર ગણાય છે. કઈ રીતે? એની વિસ્તૃત કહાની આપણે જાણીએ.
શનિદેવ સૂર્ય અને છાયાદેવીનું સંતાન. પરંતુ પિતા-પુત્રનું ઊભેય ન બને. એ જ રીતે શનિનું ભાઈ-બહેન યમ અને યમુના સાથે પણ ન જામે. છતાંય ઇન્દ્રદેવના કહેવાથી સૂર્ય ભગવાને કાળા-કદરૂપા શનિને સૂર્યલોકમાં રહેવાની અનુમતિ આપી. એ સાવકા ભાઈ યમને ખટક્યું. યમ અનેક પ્રસંગે શનિનું અપમાન કરે, તેની સાથે હુંસાતુંસી કરે, આક્ષેપો કરે. એવી એક ચકમકમાં યમે શનિનો પગ તોડી નાખ્યો અને શનિ લંગડા થઈ ગયા. જોકે અન્ય માન્યતા પ્રમાણે શનિ માર્કન્ડેય ઋષિના શ્રાપને કારણે પંગુ થયા હતા.
ખેર, એ વિવાદમાં ન પડતાં શનિની આગળની કથા જાણીએ. તો ભાઈ સાથે વિખવાદ થતાં શિવભક્ત શનિ પિતાનું નિવાસસ્થાન છોડી ભોલેનાથનાં તીર્થધામોની યાત્રાએ નીકળી પડ્યા. વિશ્વનાથની ભક્તિ કરે અને ભિક્ષા લઈ પોતાનું પેટ ભરે. આમ સમસ્ત ભૂલોકમાં ફરતાં-ફરતાં તેઓ વિલંકુલમ સ્થળે આવી પહોંચ્યા. પછી, બેલ વૃક્ષોના મૂળમાં તેમના પગ ફસાયા અને ત્યાર બાદ શું થયું એ તો આપણે આગળ વાંચ્યું.
અક્ષયપુરેશ્વર મહાદેવજી.
જોકે અન્ય કથા કહે છે કે સૂર્યલોક છોડ્યા બાદ શનિ મહારાજ ખૂબ દુખી હતા. કુરૂપ અને પંગુ હોવાથી કોઈ કન્યા તેમની સાથે વિવાહ કરવા તૈયાર નહોતી અને એકલતાથી કંટાળી તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. મરવા માટે તેઓ સમુદ્રમાં આગળ આગળ વધી રહ્યા હતા. ત્યાં બે કિશોરીઓએ તેમને બચાવ્યા. ઉપરાંત તેમની સાથે લગ્ન કરવા તૈયાર પણ થઈ. આથી શનિએ તેમના આદ્યગુરુ કાલભૈરવ (શંકરના રૌદ્ર સ્વરૂપ) તેમ જ શિવ-પાર્વતીને નમસ્કાર કર્યા અને આભાર માન્યો. ત્યારે સ્વયં કૈલાશવાસી અહીં પ્રગટ થયા અને શનિને સધિયારો આપતાં કહ્યું કે ‘તને આત્મહત્યાના વિચાર અપાવવાનું કારણ એ હતું કે મારે તારી ભક્તિની કસોટી કરવી હતી.’ શનિદેવ એ પરીક્ષામાં પાસ થયા. તેમને બે પત્નીયે મળી ને ઉપરથી પ્રભુએ વરદાન માગવાનું કહ્યું. એ સમયે કર્મદાતા શનિદેવે પાર્વતીપતિને આ જ ભૂમિમાં વસી જવાનું કહ્યું જેથી મનુષ્યલોકના દુખી માનવો તેમનાં દર્શને આવી શાતા મેળવી શકે. નીલકંઠ પ્રભુ માની ગયા. અને ત્યારથી બાબા અહીં બિરાજે છે.
એટલે જ શનિની પનોતી નડતી હોય તેવા જાતકો, પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો હોય તેવા મનુષ્યો, જેમનાં લગ્ન ન થતાં હોય ઉપરાંત જેમને શારીરિક પંગુતા હોય અરે, પગના દુખાવા રહેતા હોય તેવા ભક્તો પણ આ નાનકડા ગામે આવે છે. શિવ શંકરનાં દર્શન કરે છે, શનિદેવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે.
ચૌલ સામ્રાજ્ય દરમિયાન તેરમી સદીની મધ્યમાં બનેલું આ મંદિર તામિલ વાસ્તુકલાનો સુંદર નમુનો છે. જોકે પરાક્ર પંડ્યાને નિર્માણ કરાવેલા આ પૌરાણિક દેવાલયને તાત્કાલિક રીસ્ટોરેશનની જરૂર છે. વિશાળ મંદિરના મુખ્ય ગર્ભગ્રહમાં મોટું શિવલિંગ છે. અક્ષયતૃતીયાના દિવસે તથા પુષ્ય નક્ષત્રમાં પ્રગટ થયું હોવાથી અહીં ભોલેબાબા અક્ષયપુરેશ્વર નામે ઓળખાય છે. મંદિરમાં દુર્ગામા સ્વરૂપે પાર્વતી માતા, નવે ગ્રહોના લીડર સૂર્યદેવ, મુરખા (કાર્તિકેય સ્વામી), વિનાયક (હા, હા આપણા ગણપતિ બાપ્પા જ), કાળભૈરવ, બ્રહ્માજી, માતા ગજલક્ષ્મી, દક્ષિણામૂર્તિ સંત તથા શનિદેવ તેમની બે પત્નીઓ મંઘા અને જયેષ્ઠા સાથે અલાયદા દેવાલયમાં બિરાજમાન છે.
મંદિરના પ્રાંગણમાં એક વૃક્ષ છે જે શનિ વૃક્ષ તરીકે પ્રખ્યાત છે. એની ડાળખીઓ અને થડ પર કાગળની ચિઠ્ઠી બંધાય છે. ભાવિકો પોતાની મનોકામના એક કાગળ પર લખી એનું ભૂંગળું બનાવી આ ઝાડનાં અંગોની ફરતે બાંધે છે. જોકે સ્થાનિક લોકોના મતે આ પ્રથા નવી છે, એ રિચ્યુઅલ નથી. બસ, શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાથી આ ક્રિયા કરે છે.
સંસ્કૃતિ, કળા તથા ઐતિહાસિક સ્થાપત્યોથી સુશોભિત તાંજોરથી અક્ષયપુરેશ્વર બાપ્પા ૭૮ કિલોમીટર દૂર બેઠા છે પણ પ્રાઇવેટ વાહનોમાં આ દૂરી દોઢ કલાકમાં તય કરી શકાય છે. ‘તામિલનાડુ સરકારી પરિવહન સેવા’ની બસ અહીં જાય છે પણ એની સર્વિસ દિવસમાં ફક્ત બે જ વખત હોવાથી અહીં જવા ટૅક્સી કરવી સુગમ પડે છે. આ તામિલ વિલેજ નાનકડું અને અવિકસિત છે એટલે બહારના લોકોના રહેવા માટે કોઈ હોટેલ તો નથી જ પણ નાસ્તા-પાણી માટે રેસ્ટોરાં પણ નથી. મંદિરની બહાર નાનો-મોટો પુજાપો વેચતી આઠ-દસ નાની હાટડીઓ છે. જ્યાં કાપી (કૉફી) કે નારિયેળપાણી મળી જાય, એથી વિશેષ કશું નહીં. જોકે પુષ્ય નક્ષત્રના દિવસોએ તેમ જ શિવરાત્રિ, અખાત્રીજ તથા નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન આવતો તિરુકાર્તિકે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતો તિરુવાધિરાઈ જેવા તહેવારો દરમિયાન અહીં જાત્રાળુઓની ખાસ્સી આવનજાવન થતી હોવાથી ધીરે-ધીરે આ એરિયામાં વિકાસ થઈ રહ્યો છે.
મુંબઈથી તંજાવુર કઈ રીતે જવું એ તીર્થાટન પ્રેમીઓને ખ્યાલ છે જ. છતાંય જાણાવી દઈએ તો મુંબઈથી ઊપડતી નાગરકોઇલ એક્સપ્રેસ, કરાઇકલ એક્સપ્રેસ તાંજોર જંક્શને ઉતારશે અને હવાઈ ઉડાન ભરવી હોય તો તિરુચિરાપલ્લી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઇઝ નિયરેસ્ટ. અહીંથી ફક્ત ૫૭ કિલોમીટરનું ડ્રાઇવ કરો એટલે વણક્કમ ટુ તાંજોર.
અક્ષયપુરેશ્વર મંદિર પુષ્ય નક્ષત્રને સમર્પિત છે
દક્ષિણ ભારતીય પદ્ધતિ જ્યોતિષ વિદ્યામાં જન્મનક્ષત્ર અદકેરું મહત્ત્વ ધરાવે છે. આથી અહીંના લોકો કમ સે કમ લાઇફમાં એક વખત પોતાના નક્ષત્રનાં મંદિરે દર્શન કરવા અચૂક જાય છે. અક્ષયપુરેશ્વર મંદિર પુષ્ય નક્ષત્રને સમર્પિત છે. કહેવાય છે કે પુષ્ય નક્ષત્ર ધરાવતો જાતક એ નક્ષત્ર દરમિયાન અથવા અખાત્રીજના અહીં આવી શનિ ભગવાનનો અભિષેક કરે તો તેનાં સઘળાં કષ્ટોનું નિવારણ થઈ જાય છે.
- અહીં શનિ ભગવાનને તેલ, પંચામૃત, ભસ્મ, ચંદન જેવી ઔષધિઓની પેસ્ટ, નારિયેળપાણી, દૂધ, દહીં, મધ, ઘી આદિ આઠ વસ્તુઓથી અભિષેક કરવામાં આવે છે.
- પુષ્ય નક્ષત્ર શુભત્વ અને સમૃદ્ધિ આપતું નક્ષત્ર છે. અન્ય જાતકો પણ ઐશ્વર્ય અને પુણ્યની કામનાથી આ મંદિરમાં શિવ અને શનિને મત્થા ટેકે છે.
- કહેવાય છે કે ઝાડના મૂળમાં પગ ફસાવાથી શનિ ગ્રહ જ્યાં પડ્યો ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળ્યું. એ જ્ઞાનવવી ઝરણા ઉપર પુષ્કરણી (તળાવ) બનાવાયું છે. એનું જળ પણ પવિત્ર ગણાય છે.
- સવારે ૮થી ૧૨ અને બપોરે ૫થી ૮ દરમિયાન ખુલ્લા રહેતા આ મંદિરમાં ભોગ તરીકે તલની મીઠાઈ ચડાવવાની પ્રથા છે અને અનેક ભાવિકો ગરીબોને મીઠાઈઓ પણ વહેંચે છે.

