ગ્રેપસીડ ઑઇલ વાળ માટે સારું માનવામાં આવે છે. એક તો એ તેલ લાઇટવેઇટ અને નૉન-ગ્રીસી હોય છે એટલે એને લગાવ્યા પછી વાળ ભારે અને ચીકણા નથી લાગતા. એમાં અનેક ગુણો રહેલા છે જે વાળને સૉફ્ટ અને શાઇની બનાવવાનું કામ કરે છે
પ્રતીકાત્મક તસવીર
આમ તો મોટા ભાગનાં ઘરોમાં માથામાં લગાડવામાં નારિયેળ તેલનો ઉપયોગ થાય છે, પણ એ સિવાય પણ બીજાં અનેક તેલ છે જેનો સૂઝબૂઝ સાથે ઉપયોગ કરવામાં આવે તો એ વધુ સારું પરિણામ આપી શકે છે. આવું જ એક ઑઇલ એટલે દ્રાક્ષના બીજનું તેલ, જેને અંગ્રેજીમાં ગ્રેપસીડ ઑઇલ કહેવાય છે.
ગ્રેપસીડ ઑઇલ લાઇટવેઇટ હોય છે. એટલે માથાની ચામડીમાં એ સરળતાથી શોષાઈ જાય છે. એને વાળમાં લગાવ્યા પછી પણ એ ચીકણા થતા નથી. ગ્રેપસીડ તેલમાં મૉઇશ્ચરાઇઝિંગ ગુણો હોય છે. જેમના વાળ રુક્ષ અને નિસ્તેજ થઈ ગયા હોય, સ્કૅલ્પમાં ડ્રાયનેસને કારણે ખંજવાળ આવતી હોય તો તેમને આ તેલ લગાવવાથી ફાયદો થાય છે. ગ્રેપસીડ ઑઇલ સ્કૅલ્પને મૉઇશ્ચરાઇઝ કરીને ડૅન્ડ્રફની સમસ્યા ઓછી કરે છે તેમ જ વાળને ચમકદાર અને સુંવાળા બનાવે છે.
ADVERTISEMENT
ગ્રેપસીડ ઑઇલમાં આવશ્યક ફૅટી ઍસિડ્સ હોય છે. ખાસ કરીને લિનોલિક ઍસિડ હોય છે જે રફ અને ડૅમેજ્ડ વાળને રિપેર કરવાનું કામ કરે છે. પરિણામે વાળ તૂટવાની અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા થતી નથી. ગ્રેપસીડ ઑઇલમાં વિટામિન Eનું પ્રમાણ સારું હોય છે, જે એક ઍન્ટિ-ઑક્સિડન્ટ તરીકે કામ કરીને ધૂળ, તડકા, પ્રદૂષણને કારણે વાળને થતા ડૅમેજથી બચાવે છે. ગ્રેપસીડ ઑઇલમાં કેરોટિનૉઇડ્સ અને પૉલિફિનોલ્સ હોય છે, જેમાં રહેલા ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણો સ્કૅલ્પમાં થતી બળતરા, ખંજવાળ ઓછી કરવાનું કામ કરે છે. અહીં ધ્યાન રાખવું કે જેમને દ્રાક્ષની ઍલર્જી હોય એ લોકોએ આ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. હાથમાં થોડું તેલ લગાવીને પૅચ-ટેસ્ટ કરીને જોવું જોઈએ કે ખંજવાળ કે રેડનેસ જેવી કોઈ તકલીફ તો નથી થતીને, એ પછી જ એને માથામાં લગાવવું જોઈએ. ગ્રેપસીડ ઑઇલ લાઇટવેઇટ ઑઇલ છે એટલે જેમના વધુપડતા ડ્રાય હેર હોય એ લોકોને પણ આ તેલથી એટલો ફાયદો ન થાય એવું બને. તેમના માટે નારિયેળ તેલ જેવાં હેવી ઑઇલ વધુ સારાં, કારણ કે એનાથી તેમને પૂરતું મૉઇશ્ચરાઇઝર મળી રહેશે. તમે જે ગ્રેપસીડ ઑઇલ વાપરો એ કેમિકલ વગરનું હાઈ ક્વૉલિટીનું હોય એનું ધ્યાન રાખો.

