Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પાપ હંમેશાં બેહોશીમાં જ થાય, જાગૃત માણસ ક્યારેય પાપ કરી શકતો નથી

પાપ હંમેશાં બેહોશીમાં જ થાય, જાગૃત માણસ ક્યારેય પાપ કરી શકતો નથી

Published : 29 May, 2026 11:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીરામ દ્વારા કર્તવ્યપરાયણતા, હનુમાનજી દ્વારા સેવાપરાયણતા, સીતાજી દ્વારા સમર્પણની ભાવના, શ્રીકૃષ્ણ દ્વારા જીવનને આનંદસભર બનાવીને મુશ્કેલીઓ વચ્ચે સંગીતમય બનાવવાની ભાવના શીખવા મળે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


જીવનો પુનર્જન્મ અને ઈશ્વરનો અવતાર કેવળ આપણા ધર્મમાં છે. જીવ કર્મ અનુસાર આવે છે અને એટલે જ કર્મ અનુસાર શરીર મળે છે, જ્યારે ભગવાન નિજ ઇચ્છાથી જન્મ લે છે અને એટલે જ ઇચ્છિત રૂપ લઈને આવે છે. શાસ્ત્રો દ્વારા ભગવાન આપણને જીવતાં શીખવે છે. છતાં આપણે ન શીખીએ ત્યારે ભગવાન જન્મ લઈને લીલાઓ દ્વારા જીવન કેમ જીવવું એનો આદર્શ આપણને શીખવે છે.

શ્રીરામ દ્વારા કર્તવ્યપરાયણતા, હનુમાનજી દ્વારા સેવાપરાયણતા, સીતાજી દ્વારા સમર્પણની ભાવના, શ્રીકૃષ્ણ દ્વારા જીવનને આનંદસભર બનાવીને મુશ્કેલીઓ વચ્ચે સંગીતમય બનાવવાની ભાવના શીખવા મળે છે. આમ સેવા, સમર્પણ, ત્યાગ અને સત્યપરાયણતાના પાઠ આપણને પરિવારજનો પાસેથી ન મળે કે ઓછા મળે તો પણ શાસ્ત્રો, પુરાણો અને ધર્મગ્રંથો ઈશ્વરની આ બધી લીલાઓથી જીવન જીવવાનું શીખવે છે.



પરમેશ્વર આદિ, અંત અને મધ્યરહિત છે. ભગવાન કાલઅબાધિત છે. ભગવાનની સાથે ક્યારેય ભૂતપૂર્વ લાગતું નથી, કારણ કે ભગવાન અભૂતપૂર્વ છે. પ્રેમનો પ્રદેશ જ અનોખો છે. પ્રેમના પ્રાંતમાં પ્રવેશો એટલે શબ્દોના અર્થ બદલાઈ જાય. પ્રેમમાં હારવું એટલે જીતવું, પ્રેમમાં ના એટલે હા. ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં હારીને જીતી છે. પ્રેમના પ્રદેશનો શબ્દકોશ જુદો હોય છે. પ્રેમની પ્યાસમાં તૃપ્તિ અને તૃપ્તિમાં પ્યાસ હોય છે. જેમ-જેમ પીઓ એટલે તરસ વધતી જાય.


આપણે ઘરની સફાઈ દરરોજ કરીએ છીએ એમ જાતની સફાઈ કરવા માટે કથાઓ હોય છે. ઘણી વાર કથામાં પણ આપણે એટલો બધો કચરો લઈને આવીએ છીએ કે સફાઈ એક બાજુ રહી જાય છે. કથા તો આપણી અંદરના કચરાને સાફ કરવા માટે છે. ઘણા લોકો તીર્થમાં જઈને કચરો કરે છે. તીર્થ તો આપણી અંદરના કચરાને ધોવા માટે છે.

આપણે બહુ જાગૃત રહેવાની જરૂર છે. જે સતત જાગૃત હોય છે તે વિચારે છે કે હું શું બોલું છું? કેવું બોલું છું? કેવું વર્તન કરું છું? આપણી ભૂમિકા આપણા વ્યવહાર અને આપણી બોલચાલની રીતભાતથી નક્કી થાય છે. આપણા વિચાર કેવા છે, ભાવના કેવી છે એ બહુ મહત્ત્વનું છે અને એટલે જ કહું છું કે આપણે સતત આપણી જાતને જોતા રહેવાનું છે. જાતને જોતો રહે, નિષ્પક્ષ બનીને જોતો રહે તે ક્યારેય દુખી થતો નથી. પરમાત્મા પણ તેને ક્યારેય દુખી કરતો નથી.


યાદ રાખજો, પાપ હંમેશાં બેહોશીમાં જ થાય છે. જાગૃત માણસ ક્યારેય પાપ કરી શકતો નથી. ક્યારેક આપણને અહંકાર બેહોશ કરે છે. તેથી શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે, ‘તું જાગૃત થા. હોશપૂર્વક યુદ્ધ કરીશ તો તારું યુદ્ધ પણ ધર્મ બનશે.’

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK