ભક્તિનું ફળ ભગવાન નથી. તમે ઘણી ભક્તિ કરો અને તમને ભગવાન મળી જાય એ વાત મારા વિચાર મુજબ અનુભવનું સત્ય નથી. ભક્તિનું ફળ ભગવાન નથી, ભક્તિનું ફળ ભક્તિ જ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નારદજી કહે છે ભક્તિ ફળ છે અને તુલસી કહે છે ભક્તિ રસ છે. ત્રણ રસ. આ ત્રણ રસ કયા-કયા એ જાણવું જોઈએ.
પહેલો રસ આમરસ જેમાં બધાં ફળો સમાઈ જાય છે તો બીજો રસ છે રામ રસ કથા અને ત્રીજો રસ છે, નામ રસ. આ ત્રણ રસને જે જાણે છે, જીવનમાં ઉતારે છે તેને સંત કહેવામાં આવે છે. આ ઉપરાંત ભક્તિ સાથે જોડાયેલી છ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છ વાતમાં પહેલું છે, કલેશના અગ્નિનો નાશ કરે છે. બીજું, શુભા મંગલ દેવે ત્રણ, ભક્તિ સુદુર્લભા છે. ચાર, ભક્તિ સાન્દ્રાનંદા વિશેષાત્મા છે તો પાંચમા ક્રમે આવે છે ભક્તિ શ્રીકૃષ્ણની તરફ આકર્ષિત કરે છે; જ્યારે છઠ્ઠા નંબરે છે, ભક્તિ અયોગ-વિયોગ અને સંયોગ આપે છે.
ADVERTISEMENT
ભક્તિનું ફળ ભગવાન નથી. તમે ઘણી ભક્તિ કરો અને તમને ભગવાન મળી જાય એ વાત મારા વિચાર મુજબ અનુભવનું સત્ય નથી. ભક્તિનું ફળ ભગવાન નથી, ભક્તિનું ફળ ભક્તિ જ છે. ભગવાનને પામવાના નથી. ભગવાન હંમેશાં પ્રાપ્ત થયેલા જ છે. યાદ રાખજો, ભગવાન હંમેશાં પ્રાપ્ત થયેલા જ છે એટલે તેને પામવાની દિશા એ ભક્તિ નથી. ભગવાનને પામવાનો સરળ અર્થ છે, અંદર જુઓ.
અસ પ્રભુ હૃદય અછત અધિકારી, સકલ જીવ જગ દિન દુખારી.
પરમાત્મા બધાને મળેલા જ છે. ભક્તિનું ફળ ભગવાન હોત તો આપણામાં ભક્તિ પહેલાં જ આવી જવી જોઈતી હતી, પરંતુ આપણામાં ભક્તિ દેખાતી નથી. ભગવાન તો મળેલા જ છે, છતાં આપણો ક્રોધ ન ગયો કારણ કે ભક્તિ નથી આવી. મનની ખરાબી નથી ગઈ કારણ કે ભક્તિ નથી આવી. ભક્તિ આવી હોત તો જીવન સર્વાંગ સુંદર થઈ ગયું હોત. આમ ભગવાનનું ફળ ભક્તિ છે, ભક્તિનું ફળ ભગવાન નથી.
જેમ ભગવાનનું ફળ ભક્તિ છે એવી જ રીતે જ્ઞાનનું ફળ મુક્તિ છે, પણ યાદ રહે કે આ પ્રકારની મુક્તિ મળવાથી મુક્તિ મળ્યાનું સુખ નથી મળતું. મુક્તિ મળ્યાનું સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનમાં ભક્તિ ભળવી જોઈએ. જ્ઞાનમાં ભક્તિ મળે તો જ મુક્તિના ફળનું સુખ અનુભવી શકાય. જલને રાખવા માટે સ્થલની એટલે કે પાત્રની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત મુક્તિના સુખને મેળવવાની છે અને મુક્તિના સુખનું પાત્ર ભક્તિ છે. મોક્ષનું સુખ ભક્તિ વિના ન મળે કારણ કે ભક્તિ સાધન નથી પણ સમસ્ત સાધનોનું સાધ્ય તત્ત્વ છે અને એ જ તત્ત્વની દિશામાં આપણે આગળ વધવાનું છે.


