અડધા કલાકમાં સમારકામ તો પૂરું થયું, પણ સાવચેતી માટે ટ્રેનો ૩૦ની સ્પીડે જ દોડાવવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે સવારે વિક્રોલી અને કાંજુરમાર્ગ વચ્ચે ટ્રૅક નંબર એકમાં તિરાડ હોવાનું જણાઈ આવતાં ટ્રેનો ૧૦થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી થાણે જતી સ્લો ટ્રેનના ટ્રૅક પર સવારે ૭.૩૨ વાગ્યે ક્રૅક હોવાનું જણાઈ આવ્યું હતું. તરત જ એની જાણ મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતાં તેમના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. ૭.૫૮ વાગ્યે સમારકામ પૂરું થયું હતું. એ પછી સાવચેતીની દૃષ્ટિએ એ ટ્રૅક પરથી ટ્રેનો તો દોડાવવામાં આવી હતી પણ એની ઝડપ ૩૦ કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી હતી. આ દરમ્યાન થાણે તરફ જતી કેટલીક સ્લો ટ્રેનોને માટુંગાથી ફાસ્ટ ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવતાં ફાસ્ટ ટ્રેનનું શેડ્યુલ્ડ પણ ખોરવાઈ ગયું હતું.


