જર્મન સિલ્વર જ્વેલરી પહેરવામાં આમ તો બહુ સુંદર લાગે પણ ઘણા લોકોને એનાથી ઍલર્જી થતી હોય છે. એવામાં તમારી પાસે બીજા કયા વિકલ્પો છે એ જાણી લો
જર્મન સિલ્વર જ્વેલરી
ઘણા લોકોને જર્મન સિલ્વર જ્વેલરી પહેરવાનું ખૂબ પસંદ હોય છે. એ દેખાવમાં બિલકુલ ચાંદી જેવી લાગે છે. એની ડિઝાઇન્સ પણ ટ્રેન્ડી હોય છે અને એમ છતાં એ કિંમતમાં સસ્તી હોય છે. જોકે એ દરેક સ્કિન-ટાઇપના લોકોને સૂટ નથી કરતી. ઘણા લોકોને એનાથી ખંજવાળ, લાલાશ, બળતરા જેવી સમસ્યા થાય છે. એનું કારણ એ છે કે જર્મન સિલ્વર જ્વેલરીના નામમાં જ ફક્ત સિલ્વર છે. એ અસલમાં સિલ્વરમાંથી નહીં પણ નિકલ, કૉપર અને ઝિન્ક ધાતુના મિશ્રણથી બનેલી હોય છે.
ડર્મેટોલૉજિસ્ટ અનુસાર નિકલ એવી ધાતુ છે જે સ્કિન-ઍલર્જીને ટ્રિગર કરી શકે છે. ઘણા લોકોની ત્વચાને આ ધાતુ સદતી નથી. ખાસ કરીને જ્યારે લાંબા સમય સુધી આ ધાતુ ત્વચાના સંપર્કમાં રહે. જો કોઈની સ્કિન સેન્સિટિવ હોય અને અગાઉ કોઈ મેટલથી રીઍક્શન થઈ ચૂક્યું હોય તો જર્મન સિલ્વરની જ્વેલરી પહેરવાથી ઍલર્જી થઈ શકે છે.
ADVERTISEMENT
જો તમને જર્મન સિલ્વર જ્વેલરી પહેરવી જ હોય અને સંપૂર્ણ રીતે એને પહેરવાનું છોડવું ન હોય તો તમે કેટલીક તકેદારી સાથે પહેરી શકો છો. જેમ કે જ્વેલરીને આખો દિવસ પહેરી રાખવાને બદલે ફક્ત ફંક્શન પૂરતી જ પહેરવાનું રાખો. પરસેવો થાય એટલે જ્વેલરી કાઢી નાખો. ઘણા લોકો અંદરની તરફ ક્લિયર નેઇલ-પૉલિશ લગાવીને જ્વેલરી પહેરે છે, જેનાથી સ્કિન અને મેટલનો સીધો સંપર્ક ન થાય. જોકે આ બધા અસ્થાયી ઉપાય છે.
જો તમારી સ્કિન વારંવાર રીઍક્ટ કરતી હોય તો તમારે સારો અને સ્કિન-ફ્રેન્ડ્લી વિકલ્પ પસંદ કરવો જોઈએ. તમે સ્ટર્લિંગ સિલ્વર કે જેમાં ૯૨.૫ ટકા સિલ્વર અને ૭.૫ ટકા કૉપર હોય છે એ પસંદ કરી શકો છો. નિકલ ફ્રી, સ્ટેનલેસ સ્ટીલ, ટાઇટેનિમ અથવા પ્લૅટિનમ જ્વેલરીના વિકલ્પો પણ તમારી પાસે છે.


