એક સમય હતો જ્યારે પુરુષોની ફૅશનમાં ફિટિંગ અને કલરને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. હવે સમય બદલાયો છે. આજના ફૅશન કૉન્શ્યસ પુરુષો કપડાંની અંદરની ડિઝાઇન સુધી ધ્યાન આપી રહ્યા છે. જોકે હવે નાની-નાની ડીટેલ્સ તેમની પર્સનલ સ્ટાઇલનો ભાગ બની રહી છે
ટેક્સ્ચર્ડ કૉલર, કૉન્ટ્રાસ્ટ સ્ટિચિંગ, કલરફુલ બટન્સ
એક સમય હતો જ્યારે પુરુષોની ફૅશનનો અર્થ માત્ર સારું શર્ટ, પૅન્ટ અને શૂઝ સુધી મર્યાદિત હતો. જોકે હવે મેન્સ ફૅશનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. આજના પુરુષો માત્ર મોંઘાં કે બ્રૅન્ડેડ કપડાં પાછળ નથી દોડતા, પરંતુ પોતાના લુકને અલગ બનાવતી નાની-નાની ડીટેલ્સ પર પણ ધ્યાન આપી રહ્યા છે. કૉન્ટ્રાસ્ટ સ્ટિચિંગ, અનોખાં બટન્સ, ટેક્સ્ચર્ડ કૉલર, કફ્સ અને લાઇનિંગ જેવી નાની બાબતો હવે આઉટફિટને સામાન્યમાંથી ખાસ બનાવી રહી છે. આ ટ્રેન્ડને ફૅશનની ભાષામાં ટાઇની ડીટેલ્સ ટ્રેન્ડ કહી શકાય છે, જેમાં આખા આઉટફિટમાં મોટા ફેરફાર કર્યા વગર નાની ડિઝાઇન ડીટેલ્સ દ્વારા પર્સનલ સ્ટાઇલ દર્શાવવામાં આવે છે.
કૉન્ટ્રાસ્ટ સ્ટિચિંગથી મળે છે અલગ ઓળખ
ADVERTISEMENT
પહેલાં કપડાંમાં સ્ટિચિંગ માત્ર મજબૂતી માટે ગણાતું હતું, પરંતુ હવે એ ડિઝાઇનનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. ડાર્ક કલરના શર્ટ પર લાઇટ કલરનું સ્ટિચિંગ અથવા ડેનિમ પર દેખાતું સ્ટિચિંગ આખા લુકમાં કૅઝ્યુઅલ અને પ્રીમિયમ ટચ ઉમેરે છે. ખાસ કરીને ડેનિમ જૅકેટ, કૅઝ્યુઅલ શર્ટ અને પોલો ટી-શર્ટમાં કૉન્ટ્રાસ્ટ સ્ટિચિંગનો ઉપયોગ વધી રહ્યો છે. એ ખૂબ વધારે ધ્યાન ખેંચ્યા વગર કપડાંને યુનિક બનાવે છે.
કલરફુલ બટન્સનો નવો ટ્રેન્ડ
બટન જેવી નાની વસ્તુ પણ હવે ફૅશનનો ભાગ બની ગઈ છે. સાદાં સફેદ કે કાળાં બટનની જગ્યાએ લાકડાના બટન, મેટલ-ફિનિશ બટન અથવા કૉન્ટ્રાસ્ટ કલરનાં બટન શર્ટને અલગ લુક આપે છે. ઉદાહરણ તરીકે લાઇટ લિનન શર્ટ પર બ્રાઉન બટન્સ એને વધુ રિલૅક્સ્ડ અને રિસૉર્ટ સ્ટાઇલ લુક આપી શકે છે, જ્યારે ફૉર્મલ શર્ટ પર પ્રીમિયમ ફિનિશવાળાં બટન્સ એને વધુ એલિગન્ટ બનાવે છે.
ટેક્સ્ચર્ડ કૉલરથી વધે છે પર્સનાલિટી
શર્ટનો કૉલર હંમેશાં પુરુષોના લુકનું મહત્ત્વનું તત્ત્વ રહ્યો છે. હવે પ્લેન કૉલરની જગ્યાએ ટેક્સ્ચર્ડ કૉલર, કૉન્ટ્રાસ્ટ ફૅબ્રિક કૉલર અથવા અલગ પૅટર્નવાળા કૉલર લોકપ્રિય બની રહ્યા છે. આવા કૉલરવાળા શર્ટને બ્લેઝર વગર પણ સ્માર્ટ લુક આપી શકાય છે. ખાસ કરીને ઑફિસ-પાર્ટી, બિઝનેસ-મીટિંગ અથવા સેમી-ફૉર્મલ પ્રસંગોમાં આ સ્ટાઇલ વધુ જોવા મળે છે.
કફ્સમાં છુપાયેલું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ
શર્ટનાં કફ્સ સામાન્ય રીતે ધ્યાનમાં આવતાં નથી, પરંતુ હવે ડિઝાઇનર્સ એનો ઉપયોગ સ્ટાઇલ ઉમેરવા માટે કરી રહ્યા છે. કૉન્ટ્રાસ્ટ કલરનાં કફ્સ, પ્રિન્ટેડ ઇનર કફ્સ અથવા અલગ ટેક્સ્ચરવાળાં કફ્સ પહેરનારની પર્સનલ સ્ટાઇલ દર્શાવે છે. સાદા ફૉર્મલ શર્ટને પણ કફ્સની નાની ડીટેલ્સથી વધુ પ્રીમિયમ લુક આપી શકાય છે.
લાઇનિંગ પણ બની રહી છે સ્ટાઇલનો ભાગ
પહેલાં જૅકેટ, બ્લેઝર કે કોટની અંદરની સાઇડ (લાઇનિંગ)ને માત્ર કપડું આરામથી પહેરાય અને સરકી શકે એ માટે ઉપયોગમાં લેવાતી સામાન્ય વસ્તુ માનવામાં આવતી હતી, પરંતુ હવે ડિઝાઇનર્સ એમાં પણ ફૅશનનો ટચ આપી રહ્યા છે. જેમ કે બહારથી એકદમ સાદું નેવી બ્લુ બ્લેઝર હોય, પરંતુ એની અંદરની સાઇડમાં સુંદર પ્રિન્ટ, અલગ રંગનું ફૅબ્રિક કે યુનિક પૅટર્ન હોય. જ્યારે વ્યક્તિ જૅકેટ ઉતારે અથવા એની અંદરની સાઇડ થોડી દેખાય ત્યારે એનો લુક વધુ સ્ટાઇલિશ લાગે.
કેમ વધી રહ્યો છે આ ટ્રેન્ડ?
આજના પુરુષો પોતાની ઓળખ કપડાં દ્વારા વ્યક્ત કરવા માગે છે, પરંતુ તેઓ ઓવર-ધ-ટૉપ ફૅશન પસંદ કરતા નથી. ટાઇની ડીટેલ્સ ટ્રેન્ડ તેમને એક બૅલૅન્સ આપે છે. લુક પ્રોફેશનલ પણ રહે અને એમાં વ્યક્તિગત સ્ટાઇલ પણ દેખાય. ખાસ કરીને કૉર્પોરેટ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે આ ટ્રેન્ડ ઉપયોગી છે, કારણ કે ઑફિસના ફૉર્મલ ડ્રેસ-કોડમાં રહીને પણ તેઓ પોતાના લુકને અલગ બનાવી શકે છે.
મેન્સ ફૅશનમાં હવે મોટો બદલાવ લાવવા માટે આખો વૉર્ડરોબ બદલવાની જરૂર નથી. ક્યારેક શર્ટનાં બટન, કૉલર, કફ અથવા સ્ટિચિંગ જેવી નાની બાબતો જ આખા લુકને નવી ઓળખ આપી શકે છેચ કારણ કે આજના ફૅશનયુગમાં સ્ટાઇલ માત્ર શું પહેર્યું છે એના વિશે નથી, તમે કેટલી સુંદર રીતે નાની-નાની ડીટેલ્સ પસંદ કરો છો એના વિશે પણ છે.
