૯૦ના દાયકાની ફૅશનનું કમબેક માત્ર જૂની સ્ટાઇલને ફરી અપનાવવાની વાત નથી, ક્લાસિક ફૅશનને આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે રીઇન્વેન્ટ કરવાની પ્રક્રિયા છે. ફૅશનમાં જૂનું કે નવું નહીં, એને કેટલી સારી રીતે કૅરી કરવામાં આવે છે એ વધુ મહત્ત્વનું છે.
સ્લિમ ટાઇ, બૅગી જીન્સ અને ક્વૉર્ટર-ઝિપ સ્વેટર્સ
જૂના જમાનાના નીટવેઅરથી લઈને બૅગી જીન્સ અને સ્લિમ ટાઇ સુધીની ૯૦ના દાયકાની ફૅશન ફરી એક વાર પુરુષોના વૉર્ડરોબમાં એન્ટ્રી લઈ રહી છે. જોકે આ વખતે જૂનો અંદાજ નહીં; પણ મૉડર્ન કટ્સ, ક્લીન સિલુએટ્સ અને સ્માર્ટ સ્ટાઇલિંગ સાથે રેટ્રો ફૅશનનું નવું વર્ઝન જોવા મળી રહ્યું છે
ફૅશનની દુનિયામાં જૂની સ્ટાઇલ ક્યારેય સંપૂર્ણપણે આઉટડેટેડ થતી નથી, એ માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે. હાલમાં મેન્સ ફૅશનમાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. ૯૦ના દાયકાની ઓળખ ગણાતાં બૅગી જીન્સ, કેબલ નીટ કાર્ડિગન્સ, ક્વૉર્ટર-ઝિપ સ્વેટર્સ અને સ્લિમ ટાઇ ફરી ટ્રેન્ડમાં છે. ખાસ વાત એ છે કે આ વખતે આ સ્ટાઇલમાં કન્ટેમ્પરરી ટચ ઉમેરવામાં આવી રહ્યો છે. એટલે કે વિન્ટેજ ફૅશન હવે માત્ર નૉસ્ટાલ્જિયા નહીં પણ આજના પુરુષો માટે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહી છે.
ADVERTISEMENT
નીટવેઅરમાં ક્લાસિક અંદાજ
વિન્ટેજ નીટવેઅર ફરી લોકપ્રિય થવાનું એક કારણ એની કમ્ફર્ટ અને ટાઇમલેસ અપીલ છે. ખાસ કરીને કેબલ નીટ કાર્ડિગન્સ અને ક્વૉર્ટર-ઝિપ સ્વેટર્સ મેન્સ વૉર્ડરોબમાં ખાસ સ્થાન બનાવી રહ્યાં છે. કેબલ નીટ કાર્ડિગન્સમાં જોવા મળતી ટેક્સ્ચર્ડ પૅટર્ન લુકને રિચ અને ક્લાસી બનાવે છે જ્યારે ક્વૉર્ટર-ઝિપ સ્વેટર કૅઝ્યુઅલ અને સ્માર્ટ લુક વચ્ચે સરસ બૅલૅન્સ જાળવે છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
કેબલ નીટ કાર્ડિગનને પ્લેન વાઇટ ટી-શર્ટ અથવા શર્ટ સાથે પહેરી શકાય છે. નીચે સ્ટ્રેટ-ફિટ ટ્રાઉઝર અને લોફર્સ પસંદ કરવાથી ક્લાસિક લુક મળશે. બીજી તરફ ક્વૉર્ટર-ઝિપ સ્વેટરને ચિનો પૅન્ટ અથવા ડાર્ક ડેનિમ સાથે પેર કરી શકાય છે. સ્વેટરની ઝિપ થોડી ખુલ્લી રાખીને અંદર કૉલરવાળું શર્ટ પહેરવાથી સ્માર્ટ લેયર્ડ લુક મળશે.
બૅગી જીન્સમાં કમ્ફર્ટ સાથે સ્ટાઇલનો કૉમ્બો
૯૦ના દાયકાની ફૅશનની વાત હોય અને બૅગી જીન્સનો ઉલ્લેખ ન થાય એવું શક્ય નથી. એક સમયે યુથ કલ્ચર અને સ્ટ્રીટવેઅરની ઓળખ બનેલાં બૅગી જીન્સ ફરીથી ટ્રેન્ડમાં છે. જોકે અત્યારની બૅગી જીન્સમાં અગાઉની સરખામણીએ વધુ ક્લીન કટ્સ અને બૅલૅન્સ્ડ ફિટ જોવા મળે છે, એટલે કે લૂઝ ફિટની સાથે એક સ્ટ્રક્ચર્ડ લુક પણ જળવાઈ રહે છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
બૅગી જીન્સ સાથે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ પહેરવાને બદલે રેગ્યુલર અથવા સ્લિમ-ફિટ ટી-શર્ટ પસંદ કરો, જેથી આખા આઉટફિટમાં બૅલૅન્સ જળવાય. વાઇટ સ્નીકર્સ, બેઝિક બેલ્ટ અને મિનિમલ વૉચ લુકને વધુ સ્ટાઇલિશ બનાવશે. થોડો વિન્ટેજ ટચ જોઈતો હોય તો ડેનિમ સાથે સ્ટ્રાઇપ્ડ શર્ટ અથવા લાઇટવેઇટ સ્વેટર પણ ટ્રાય કરી શકાય છે.
આટલું ધ્યાન રાખો
એક જ આઉટફિટમાં બધા વિન્ટેજ ટ્રેન્ડ્સ ભેગા કરવાને બદલે એક કે બે એલિમેન્ટ્સ પસંદ કરો.
નીટવેઅરમાં બેજ, બ્રાઉન, નેવી, ગ્રે અને ઑલિવ ગ્રીન જેવા સૉફ્ટ કલર્સ પસંદ કરો.
બૅગી જીન્સ પહેરતી વખતે ફિટિંગ અને લંબાઈનું ધ્યાન રાખો. જીન્સની કિનારી શૂઝ પર જરૂર કરતાં વધારે એકઠી ન થાય એનું ધ્યાન રાખો.
સ્લિમ ટાઇ સાથે શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝરની ફિટિંગ પણ પ્રમાણસર હોવી જોઈએ.
સ્નીકર્સ, લોફર્સ, લેધર બેલ્ટ અને મિનિમલ વૉચ જેવી ઍક્સેસરીઝથી રેટ્રો લુકને મૉડર્ન ફિનિશ આપી શકાય છે.
સ્લિમ ટાઇ સાથે ફૉર્મલવેઅર
વાઇડ ટાઇ અને ઓવરસાઇઝ્ડ ટાઇનો ટ્રેન્ડ ચર્ચામાં રહ્યો છે, પરંતુ હવે સ્લિમ ટાઇ પણ ફરીથી ફૅશનમાં સ્થાન બનાવી રહી છે. ૯૦ના દાયકાની આ ઍક્સેસરી આજના મિનિમલ અને ટેલર્ડ ફૉર્મલવેઅર સાથે નવી રીતે જોવા મળી રહી છે. ખાસ કરીને બ્લૅક, નેવી બ્લુ, બર્ગન્ડી અને સટલ સ્ટ્રાઇપ્સ જેવી ડિઝાઇન્સમાં સ્લિમ ટાઇ ક્લાસિક છતાં મૉડર્ન લુક આપે છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
સ્લિમ ટાઇને સ્લિમ-ફિટ અથવા સ્ટ્રક્ચર્ડ શર્ટ અને ટેલર્ડ ટ્રાઉઝર સાથે પહેરો. બ્લેઝર સાથે આ કૉમ્બિનેશન ઑફિસ-મીટિંગ્સથી લઈને સેમી-ફૉર્મલ ઇવેન્ટ્સમાં યોગ્ય રહેશે. જોકે ટાઇની પહોળાઈ અને શર્ટના કૉલર વચ્ચે બૅલૅન્સ જાળવવું જરૂરી છે. બહુ પહોળા કૉલર સાથે અત્યંત પાતળી ટાઇ પહેરવાનું ટાળો.
