Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મેન ઇન રેડ: આ વેડિંગ સીઝનમાં રેડ કલરનો ક્રેઝ વધ્યો

મેન ઇન રેડ: આ વેડિંગ સીઝનમાં રેડ કલરનો ક્રેઝ વધ્યો

Published : 09 April, 2026 08:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય દેવરકોંડા અને અર્જુન તેન્ડુલકર જેવો બોલ્ડ ઍન્ડ ક્લાસિક લુક મેળવવા માટે અપનાવો આ ટિપ્સ...

મેન ઇન રેડ: આ વેડિંગ સીઝનમાં રેડ કલરનો ક્રેઝ વધ્યો

મેન ઇન રેડ: આ વેડિંગ સીઝનમાં રેડ કલરનો ક્રેઝ વધ્યો


લગ્નની સીઝનમાં હવે માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ એક્સપરિમેન્ટલ બન્યા છે. ઑફ-વાઇટ અને પેસ્ટલ રંગોના કંટાળાજનક લુકને બાય-બાય કહીને હવે યુવાનો લાલ રંગના શેડ્સમાં પોતાનું નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ સેટ કરી રહ્યા છે. વિજય દેવરકોંડા અને અર્જુન તેન્ડુલકર જેવો બોલ્ડ ઍન્ડ ક્લાસિક લુક મેળવવા માટે અપનાવો આ ટિપ્સ...

પુરુષો મોટા ભાગે ઑફ-વાઇટ, બ્લુ કે બ્લૅક જેવા સેફ કલર પસંદ કરતા હોય છે. જોકે આ વર્ષે મેન ઇન રેડનો ક્રેઝ વધ્યો છે. મેન્સ ફૅશનમાં રેડ રેવલ્યુશન જોવા મળી રહ્યું છે. હાલમાં જ વિજય દેવરકોંડા અને અર્જુન તેન્ડુલકર જેવા યુવા આઇકૉન્સે લાલ રંગનાં આઉટફિટ્સમાં જે રીતે એન્ટ્રી લીધી છે એણે સાબિત કરી દીધું છે કે જો કૉન્ફિડન્સ સાથે કૅરી કરવામાં આવે તો લાલ રંગથી વધુ ક્લાસિક અને પાવરફુલ બીજું કંઈ નથી.

શા માટે લાલ રંગ?
લાલ રંગ માત્ર એક કલર નથી, એક સ્ટેટમેન્ટ છે. એ આત્મવિશ્વાસ, એનર્જી અને રૉયલ્ટીનું પ્રતીક છે. કોઈ પુરુષ જ્યારે લાલ રંગના આઉટફિટમાં એન્ટ્રી લે છે ત્યારે તે આપોઆપ સેન્ટર ઑફ અટ્રૅક્શન બની જાય છે. વિજય દેવરકોંડાએ તેનાં લગ્નમાં લાલ રંગને જે રીતે સ્ટાઇલ કર્યો હતો એને લીધે તે મૅસ્ક્યુલાઇન અને રૉયલ લાગતો હતો. સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરે તેનાં લગ્નમાં રેડ કુરતો પહેર્યો હતો અને તેનો લુક પણ રૉયલ જ લાગતો હતો. વેડિંગ સીઝનમાં ભીડથી અલગ દેખાવા માગો છો તો લાલ રંગને તમારા વૉર્ડરોબમાં સ્થાન આપવાનો આ બેસ્ટ ટાઇમ છે.

બોલ્ડ અને ક્લાસિક દેખાશો કઈ રીતે?
શેડ્સની પસંદગી : લાલ એટલે માત્ર ભડક લાલ જ નહીં. જો તમે પહેલી વાર લાલ રંગ ટ્રાય કરી રહ્યા હો તો મરૂન, બર્ગન્ડી કે વાઇન રેડ જેવા ડાર્ક શેડ્સ પસંદ કરો. આ શેડ્સ રાતના ફંક્શનમાં ખૂબ જ ક્લાસી લાગે છે. અર્જુન તેન્ડુલકર જેવી સૉફ્ટ છતાં પાવરફુલ ઇમેજ માટે ગ્લૉસી મટીરિયલને બદલે મેટ અથવા વેલ્વેટ ફૅબ્રિક પર પસંદગી ઉતારવી જોઈએ.

મોનોક્રોમ મૅજિક : આજકાલ ‘હેડ-ટુ-ટો’ એક જ કલર પહેરવાનો ટ્રેન્ડ છે. લાલ રંગનો કુરતો અને લાલ રંગનો જ પાયજામો કે ધોતી તમને લંબાઈમાં વધુ ઊંચા અને શાર્પ બતાવશે. જો તમારે વધુ પડતું લાલ ન પહેરવું હોય તો લાલ કુરતા સાથે ક્રીમ કે વાઇટ બૉટમ્સ એવરગ્રીન કૉમ્બિનેશન છે. વિજય દેવરકોંડાએ વાઇટ ધોતી પર રેડ દુપટ્ટો જે રીતે સ્ટાઇલ કર્યો હતો એ ક્લાસિક અને માઇથોલૉજિકલ ફીલિંગ આપતો હતો.

લેયરિંગ ઇઝ કિંગ : જો તમે ડાયરેક્ટ લાલ રંગનો કુરતો પહેરવામાં ખચકાટ અનુભવતા હો તો લેયરિંગનો સહારો લો. પ્લેન બ્લૅક કે વાઇટ આઉટફિટ પર લાલ રંગનું જૅકેટ કે વેસ્ટકોટ કે નેહરુ જૅકેટ પહેરવાથી તમારો આખો લુક બદલાઈ જશે. આ એવી સ્ટાઇલ છે જે બધા પુરુષો પર સારી લાગશે.
ઍક્સેસરીઝ પર ધ્યાન આપો : જ્યારે આઉટફિટ બોલ્ડ હોય ત્યારે ઍક્સેસરીઝ મિનિમલ હોવી જોઈએ. લાલ રંગ સાથે ગોલ્ડન કે સિલ્વર ઘડિયાળ અને બ્રાઉન લેધરની મોજડી કે લોફર્સ બેસ્ટ મૅચ થાય છે. યાદ રાખો કે લાલ રંગ પોતે જ એટલો પાવરફુલ છે કે તમને બીજી કોઈ ચીજની જરૂર નહીં પડે. તમે જે પહેરો છો એમાં કેટલા કમ્ફર્ટેબલ છો એ મહત્ત્વનું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK