ટ્રેડિશનલ અને ફ્યુઝન આઉટફિટ સાથે મૅચ થાય એવાં ફુટવેઅર હવે ફૅશનમાં મસ્ટ હૅવ થિંગ થઈ ગયાં છે
ફુટવેઅર
નવરાત્રિ માત્ર ચણિયાચોળી, આભલાં અને ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીનો તહેવાર નથી. એ પગથી માથા સુધીનું ફૅશન-સ્ટેટમેન્ટ દર્શાવવાની સારી તક છે. ખેલૈયાઓ માટે જેટલું મહત્ત્વ આઉટફિટ્સનું છે એટલું જ મહત્ત્વ યોગ્ય ફુટવેઅરનું પણ રહે છે. આ વર્ષે ફૅશન-માર્કેટમાં ફુટવેઅર સેગમેન્ટમાં માત્ર દેખાવ જ નહીં; કમ્ફર્ટ, પરંપરા અને આધુનિક ફ્યુઝનનો સમન્વય ધરાવતાં ફુટવેઅર ટ્રેન્ડમાં મોખરે છે.
LED સ્ટ્રિપ્સવાળાં ફુટવેઅર
ADVERTISEMENT
ગરબાના ગ્રાઉન્ડની નાઇટ લાઇટ્સ અને ડાર્ક એમ્બિયન્સમાં LED ફ્લૅશિંગવાળાં ફુટવેઅર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ખાસ કરીને હાઈ-ટૉપ સ્નીકર્સ અને સ્પોર્ટ્સ શૂઝના સોલમાં વૉટરપ્રૂફ LED સ્ટ્રિપ્સ લગાવવામાં આવે છે. ખેલૈયાઓ જ્યારે રાઉન્ડમાં ગરબે ઘૂમે છે ત્યારે પગનાં સ્ટેપ્સ સાથે સિન્ક થતી લાઇટિંગ યુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ ઊભી કરે છે. ચણિયાચોળી કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ ફ્યુઝન લુક આપવા માટે યુથમાં આ ઑપ્શન અત્યારે ડિમાન્ડમાં છે.
ગામઠી એમ્બ્રૉઇડરી
કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાની હસ્તકળાનો સ્પર્શ ધરાવતી જૂતી અને મોજડીની ફૅશન ગ્રાઉન્ડ પર સદાબહાર રહી છે. આ વર્ષે મલ્ટિ-કલર થ્રેડવર્ક, મિરરવર્ક, કોડી અને પોમ-પોમવાળી એમ્બ્રૉઇડેડ જૂતી ઇનથિંગ છે. જે ખેલૈયાઓ હેવી રબારી કે રાસ-ગરબાનાં ઓરિજિનલ પરંપરાગત વસ્ત્રો પહેરે છે તેમના માટે આ ગામઠી ડિઝાઇન એકદમ રૉયલ અને કલ્ચરલ ફીલ પૂરી પાડે છે.
ડબલ કુશન જૂતી
સતત ચારથી પાંચ કલાક ગરબા રમવા માટે કમ્ફર્ટ સૌથી મહત્ત્વનું પરિબળ છે. સાધારણ જૂતીઓથી પગમાં છાલાં પડવાની કે દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. એના ઉકેલરૂપે આ વખતે ડબલ
કુશનિંગ ટેક્નૉલૉજી ધરાવતી જૂતી માર્કેટમાં છવાઈ ગઈ છે. મેમરી ફોમ અને વધારાના સૉફ્ટ પૅડિંગ સાથે આવતી આ એથ્નિક જૂતીઓ દેખાવમાં પરંપરાગત લાગે છે, પણ ચાલવામાં કે ગરબા રમવામાં સ્પોર્ટ્સ શૂઝ જેવો જ આરામ આપે છે.
એમ્બોલિશ્ડ હીલ્સ
ગરબા રમવા સિવાય પણ નવરાત્રિના ફોટોશૂટ, ગેટ-ટુગેધર કે આરતીના સમય દરમ્યાન રૉયલ અને એલિગન્ટ લુક મેળવવા માટે એમ્બોલિશ્ડ હીલ્સ પસંદ કરવામાં આવે છે. બ્લૉક હીલ્સ અને પ્લૅટફૉર્મ હીલ્સ પર મોતી, સ્ટોનવર્ક, જરી અને સીક્વન્સવર્કની કારીગરી આ ફુટવેઅરને ખાસ બનાવે છે. પેન્સિલ હીલ્સ કરતાં બ્લૉક હીલ્સ બૅલૅન્સ જાળવવામાં સરળ રહેતી હોવાથી આ લેટેસ્ટ ડિઝાઇન એમ્બોલિશ્ડ ઑપ્શન તરીકે ખૂબ લોકપ્રિય થઈ રહી છે.
ફુટવેઅર માટે સ્ટાઇલિંગ ટિપ્સ
ફુટવેઅરની પસંદગી આઉટફિટના પ્રકાર પર આધાર રાખે છે. જો તમારાં ચણિયાચોળી ઘેરદાર અને હેવી ગામઠી વર્કવાળાં હોય તો એમ્બ્રૉઇડેડ જૂતી અથવા ડબલ કુશન મોજડી પર્ફેક્ટ મૅચ થશે. ઇન્ડો-વેસ્ટર્ન અથવા શૉર્ટ ચણિયાચોળી સાથે LED સ્નીકર્સ કે કૅન્વસ શૂઝ પહેરવાથી ટ્રેન્ડી અને મૉડર્ન ફ્યુઝન લુક મળે છે. ફોટોશૂટ કે ખાસ ફંક્શન માટે બ્લૉક એમ્બોલિશ્ડ હીલ્સ પસંદ કરી શકાય, પણ રમતી વખતે ફ્લૅટ અથવા સપોર્ટિવ સોલવાળાં ફુટવેઅર જ પહેરવાં જોઈએ.
DIY હૅક
જૂનાં શૂઝ કે જૂતીને ઘરે જ નવરાત્રિ-રેડી બનાવી શકાય છે. જો તમારી પાસે ઘરમાં સાદાં વાઇટ શૂઝ, પ્લેન જૂતી કે કૅન્વસ શૂઝ પડ્યાં હોય તો એને નવો અવતાર આપી શકાય છે.
ફૅબ્રિક ગ્લુની મદદથી શૂઝ કે જૂતીની બૉર્ડર પર કોડી કે ચણોઠીવાળી ગોટા લેસ લગાવીને લુક ચેન્જ કરી શકાય.
શૂઝની લેસમાં નાના પોમ-પોમ અને આભલાં ચીપકાવીને તમારા કૅઝ્યુઅલ શૂઝને નવરાત્રિ-રેડી બનાવી શકાય.
પ્લેન જૂતી પર જૂની બાંધણી કે કચ્છી કાપડનો ટુકડો ચીપકાવીને ઉપર ફૅબ્રિક ગ્લુ વડે નાની કોડી લગાવી દેવાથી પણ ક્લાસિક લુક લાગશે. આ સરળ રીતથી માત્ર ૧૦ કે ૧૫ મિનિટમાં ઘરમાં પડેલાં સાદાં ફુટવેઅર પણ નવરાત્રિની વાઇબ્સ સાથે મૅચ થઈ જશે.
