ઘણા પ્રોફેશનલ્સને નાના ઘરમાં વર્કસ્ટેશન બનાવવામાં અડચણ પડે છે. જરૂરી નથી કે તમારી પાસે ઘરમાં અલાયદી ઑફિસ બનાવી શકાય એવી રૂમ હોય, જરૂર છે માત્ર એવી સ્પેસની જ્યાં બેસીને તમને કામ કરવાની સરસ ફીલ આવે
ફ્લોટિંગ ડેસ્ક
વર્ક ફ્રૉમ હોમ હવે ઑપ્શન નથી પણ ન્યુ નૉર્મલ બની ગયું છે. મુંબઈના નાના અપાર્ટમેન્ટમાં રહેતા લોકોનો સૌથી મોટો સંઘર્ષ એ જ હોય છે કે બેડરૂમમાં ઑફિસનું કામ કેવી રીતે કરવું? લૅપટૉપ લઈને સોફા પર બેસવું સાંભળવામાં કૂલ લાગે છે, પણ દિવસના અંતે એ કમરના દુખાવા અને ક્લટર સિવાય કંઈ નથી આપતું. સ્માર્ટ ઇન્ટીરિયર ડિઝાઇન હવે સ્પેસને નહીં પણ આઇડિયાઝને મહત્ત્વ આપે છે. તમારી પાસે આખી રૂમ જેટલી જગ્યા ન હોય તો કંઈ નહીં, ઘરના એક નાના ખૂણાને પણ ક્લાસી વર્કસ્ટેશન બનાવી શકો છો.
ફ્લોટિંગ ડેસ્ક
ADVERTISEMENT
જો તમારી રૂમ નાની હોય તો ફ્લોટિંગ ડેસ્ક બેસ્ટ વિકલ્પ છે. દીવાલ પર ફિક્સ કરેલા ટેબલ નીચેનો ભાગ ખાલી રાખે છે, જેનાથી રૂમ મોટી દેખાય છે. ફોલ્ડ ડાઉન ડેસ્ક પણ અત્યારે ટ્રેન્ડમાં છે. આનાથી સ્પેસ-મૅનેજમેન્ટ સરળ બને છે.
વર્ટિકલ સ્ટોરેજ
નાની જગ્યામાં ફ્લોર-સ્પેસ બચાવવા માટે દીવાલોનો ઉપયોગ કરો. ઓપન સેલ્ફ કે પેગબોર્ડ્સ લગાવો. પેગબોર્ડ્સ પર તમે તમારા હેડફોન્સ, કૅલેન્ડર, પેન-હોલ્ડર અને નાના ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવી શકો છો. આનાથી તમારું ટેબલ સાફ રહેશે અને બધી વસ્તુઓ નજર સામે વ્યવસ્થિત ગોઠવાયેલી રહેશે.
ડેડ સ્પેસનો ઉપયોગ
ઘરમાં ઘણી જગ્યાઓ એવી હોય છે જેનો આપણે ઉપયોગ નથી કરતા. જેમ કે બારી પાસેનો ખૂણો કે સીડીની નીચેની જગ્યા. બારી પાસે નાનું સ્લિમ ટેબલ મૂકવાથી તમને કામ કરવા માટે નૅચરલ લાઇટ મળશે, જે પ્રોડક્ટિવિટી વધારે છે. એ જ રીતે ખાલી પડેલા ખૂણાઓમાં L શેપ કૉર્નર ડેસ્ક ફિટ કરીને તમે તમારો મિની ઑફિસ ઝોન બનાવી શકો છો.
હાઇબ્રિડ સ્પેસ
તમારું ડાઇનિંગ ટેબલ કે બેડરૂમનું સાઇડ ટેબલ પણ વર્કસ્ટેશન બની શકે છે. બસ, જરૂર છે એક ઍર્ગોનોમિક ખુરસીની. જો તમે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરતા હો તો પાસે જ એક નાની ટ્રૉલી રાખો જેમાં તમારું લૅપટૉપ અને સ્ટેશનરીની વસ્તુઓ હોય. કામ પૂરું થાય એટલે ટ્રૉલી સાઇડમાં કરી દો. તમારું ઘર પાછું ઘર બની જશે.
ઍમ્બિયન્સ
તમારા વર્કસ્ટેશન પર એક નાનો લૅમ્પ, પર્સનલ ફોટોફ્રેમ કે હરિયાળી માટે નાનો સક્યુલન્ટ છોડ મૂકો. હળવા અને પેસ્ટલ કલરના ઉપયોગથી નાની જગ્યા પણ ખુલ્લી અને પૉઝિટિવ લાગે છે. વાયરોનું જાળું ન દેખાય એ માટે કેબલ મૅનેજમેન્ટ બૉક્સનો ઉપયોગ અવશ્ય કરો.
