ઘણી વાર ઘરમાં વધુ ચીજો ભરેલી હોવાથી ગમે એટલી સાફસફાઈ કરીએ તો પણ અસ્તવ્યસ્ત જ લાગે છે. અમુક નાના ફેરફારો કરવાથી ઘર સ્પેશ્યસ લાગવાની સાથે સુઘડ અને સુંદર પણ દેખાશે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળી પહેલાંના દિવસોમાં રિનોવેશન અને સાફસફાઈ પુરજોશમાં ચાલતી હોય છે ત્યારે નવી ખરીદીની દોડધામમાં સાફસફાઈ કર્યા પછી પણ સામાન આડાઅવળો પડ્યો હોય એવું લાગે છે. તહેવારોમાં મહેમાનોની અવરજવર વધે છે ત્યારે આવું ઘર હોવાથી ઘણી વાર ક્ષોભમાં મુકાવું પડે છે. આવું ન થાય એ માટે થોડું સ્માર્ટ પ્લાનિંગ અને સ્પેસ-મૅનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. નાના-મોટા ફેરફારો કરીને ઘરને સ્પેશ્યસ અને ક્લીન રાખવા માટે હવે લેસ ઇઝ મોરનો નિયમ અપનાવો. જેટલો ઓછો સામાન નજરમાં આવશે; ઘર એટલું જ વધુ મોકળાશવાળું, સુઘડ અને ક્લીન દેખાશે.
ઑટોમન અને બેન્ચ
ADVERTISEMENT
દિવાળી પર અચાનક વધી જતા સામાન અને ગિફ્ટ્સને વ્યવસ્થિત રાખવા માટે હિડન સ્ટોરેજ ફર્નિચર સૌથી સ્માર્ટ સૉલ્યુશન સાબિત થશે. લિવિંગરૂમમાં સોફાની સાથે હિડન સ્ટોરેજવાળા ઑટોમન એટલે કે ગાદીવાળા સ્ટૂલ મૂકો. એની અંદર વધારાનાં કુશન, રજાઈ, પાથરવાનાં ગોદડાં કે બાળકોનાં રમકડાં સહેલાઈથી છુપાવી શકાય છે. ખાસ વાત એ છે કે જરૂર પડે ત્યારે એ મહેમાનો માટે બેસવાની વધારાની સીટ પણ બની જાય છે.
હિડન મિરર સ્ટોરેજ
લિવિંગરૂમ, ડ્રેસિંગ એરિયા કે
વૉશ-બેસિન પાસે લગાવેલા અરીસા પાછળ હિડન સ્ટોરેજ બનાવવું પૉપ્યુલર આઇડિયા છે. મિરરને સ્લાઇડ કે ઓપન કરશો તો ત્રણથી ૪ ઇંચ ઊંડી કૅબિનેટ હોય તો ડ્રેસિંગ ટેબલ પર કે બેસિન પાસે વેરવિખેર પડી રહેતી દવાનો સામાન, પર્ફ્યુમ, મેકઅપની આઇટમ્સ કે સ્કિનકૅર પ્રોડક્ટ્સને અરીસાની પાછળ સંતાડી શકાય છે. આનાથી ટેબલની સર્ફેસ એકદમ ક્લીન અને ઑર્ગેનાઇઝ્ડ દેખાશે.
હાઇડ્રોલિક બેડ
બેડરૂમમાં હાઇડ્રોલિક બેડ તેમ જ ડાઇનિંગ એરિયામાં બેન્ચ ટાઇપ સ્ટોરેજ દ્વારા મોટાં બૉક્સ, ટ્રાવેલ-બૅગ્સ અને તહેવારની વધારાની કટલરી નજરથી દૂર રાખી શકાય છે.
અન્ડર-સ્ટેર કે વિન્ડો બેન્ચ સ્ટોરેજ
જો તમારું ઘર બંગલો ટાઇપ હોય તો સીડીની નીચેની જગ્યા અથવા બેડરૂમની બારી પાસેની જગ્યાનો હિડન સ્ટોરેજ તરીકે ઉપયોગ કરી શકાય છે. સીડીના દરેક પગથિયાંની નીચે ડ્રૉઅર્સ બનાવી શકાય છે. ઉપરાંત બારી પાસે બેસવા માટે બનાવાયેલી સીટિંગ બેન્ચનું ઉપરનું ઢાંકણ ખૂલે એવું હાઇડ્રોલિક સ્ટોરેજ બનાવી શકાય. મહેમાનો માટેની વધારાની ચાદરો, ગાદલાં, કુશન કવર્સ, શૂઝ અથવા ટ્રાવેલ બૅગ્સને આ જગ્યાઓમાં સંતાડી શકાય છે, જેથી ઘરનો કોઈ પણ ખૂણો અસ્તવ્યસ્ત કે ભરેલો નહીં લાગે.
ફ્લશ વૉલ કૅબિનેટ્સ
તમે જ્યારે લિવિંગરૂમ કે બેડરૂમમાં વુડન કે ફ્લુટેડ વૉલ પૅનલિંગ કરાવો છો ત્યારે એ દીવાલની અંદર જ હિડન ડોરવાળું કબાટ બનાવી શકાય છે. આ કબાટના દરવાજા પર કોઈ હૅન્ડલ હોતાં નથી તેથી દરવાજો બંધ હોય ત્યારે ખબર પણ નથી પડતી કે ત્યાં કોઈ કબાટ છે. એ દીવાલની ડિઝાઇનનો જ એક ભાગ લાગે છે. તહેવાર દરમ્યાન આવતી વધારાની ખરીદી, ક્રૉકરી બૉક્સ, આઇરન બોર્ડ કે પૂજાની સામગ્રીનાં મોટાં બૉક્સ આ પૅનલિંગ સ્ટોરેજમાં મૂકી દેવાથી આખું ઘર મિનિમલિસ્ટિક અને રૉયલ લાગે છે.
લિફ્ટ-ટૉપ સેન્ટર ટેબલ
કૉફી કે સેન્ટર ટેબલ એવું પસંદ કરો જેનું ઉપરનું ઢાંકણ ઊંચું થઈ શકે. દિવાળીનાં મૅગેઝિનો, ટીવીનું રિમોટ અને રોજિંદા વપરાશની વસ્તુઓ ટેબલ પર ખુલ્લી રાખવાને બદલે અંદર સંતાડી શકાય છે.
જૂટ બાસ્કેટ્સ
જો તમારી પાસે હિડન ફર્નિચર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં મળતી જૂટ બાસ્કેટ્સ કે કેનની બાસ્કેટ્સ વસાવો. દિવાળીની નાની-મોટી છૂટીછવાઈ ચીજવસ્તુઓ, પૂજાની અગરબત્તી, કપૂર કે મેકઅપનો સામાન આ બાસ્કેટમાં ભરીને સોફાના ખૂણામાં કે શેલ્ફ પર મૂકી દો. આ બાસ્કેટ્સ એક આકર્ષક ડેકોરેશન પીસ તરીકે પણ ખીલી ઊઠશે અને ઘર અસ્તવ્યસ્ત પણ નહીં લાગે.
વર્ટિકલ સ્પેસનો સ્માર્ટ ઉપયોગ
ફ્લોટિંગ શેલ્વ્ઝ
તહેવારોમાં મહેમાનો આવે ત્યારે ફ્લોર પર ચાલવાની કે બેસવાની જગ્યા પૂરતી હોવી જોઈએ. જમીન પર સામાનના ઢગલા કરવાને બદલે દીવાલોની ઊંચાઈ એટલે કે વર્ટિકલ સ્પેસનો ઉપયોગ કરો. દીવાલ પર સ્ટાઇલિશ ફ્લોટિંગ શેલ્વ્ઝ લગાવીને એના પર દીવા, શો-પીસ કે પૂજાની સામગ્રી ગોઠવો. આનાથી ફ્લોર સાફ અને ખુલ્લી રહેશે, જેથી ઘર મોટું અને વ્યવસ્થિત લાગશે.
ફોલ્ડેબલ ફર્નિચર
ઘરમાં જગ્યા ઓછી હોય તો દીવાલ પર ફિક્સ થાય એવું ફોલ્ડેબલ ડ્રૉપ ડાઉન ફર્નિચર બેસ્ટ ઑપ્શન છે. ફોલ્ડેબલ ડાઇનિંગ ટેબલ, સ્ટડી ટેબલ કે નાનું આયર્નિંગ બોર્ડ યુનિટ લગાવી શકાય. આનાથી દિવાળીમાં જો મહેમાન આવે અને વધુ જગ્યાની જરૂર પડે તો ફર્નિચરને દીવાલ સાથે ફોલ્ડ કરી દેવાથી એટલી જગ્યા ખાલી થઈ જશે.
વૉલ પેગબોર્ડ્સ
દીવાલની ઊંચાઈ પર સળંગ શેલ્ફ બનાવવાને બદલે પેગબોર્ડ લગાવવાનો આજકાલ ભારે ટ્રેન્ડ છે. લાકડા કે મેટલના પેગબોર્ડમાં નાના-નાના હુક અને બૉક્સ હોય છે. એમાં તમે જરૂરિયાત મુજબ શેલ્વ્ઝ અને હુક્સની ગોઠવણી બદલી શકો છો. એન્ટ્રન્સ કે લીવિંગરૂમમાં પેગબોર્ડ્સ લગાવીને એમાં જૅકેટ્સ, કી-ચેઇન અને દિવાળીની નાની-મોટી ડેકોરેટિવ આઇટમ્સ કે દીવા લટકાવી શકાય, જેથી સામાન ટેબલ કે સોફા પર અસ્તવ્યસ્ત ન રખાઈ જાય.
