વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે એવામાં જો હેલ્ધી હેર માટે આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર એક સ્મૂધી દરરોજ ૧૫ દિવસ માટે બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે તો સમસ્યા ઓછી થઈ શકે છે
સ્મૂધી
વાળ ખરવાની સમસ્યા પાછળ અનેક કારણો જેમ કે જિનેટિક્સ, હૉર્મોનલ બદલાવ, પોષણની ઊણપ, તનાવ, વધુપડતા કેમિકલવાળી હેર પ્રોડકટ્સનો ઉપયોગ તેમ જ કેટલીક મેડિકલ કન્ડિશન્સ જેમ કે થાઇરૉઇડ ડિસઑર્ડર્સ અથવા ઑટોઇમ્યુન ડિસીઝ જવાબદાર હોય છે.
ન્યુટ્રિશનિસ્ટ ખુશી છાબરા અનુસાર વાળ ખરવાની સમસ્યા કયારેય બહારી પરિબળોથી નથી હોતી. ૯૯ ટકા કેસમાં એ શરીરની અંદરથી જ શરૂ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે સ્મૂધીની રેસિપી શૅર કરી છે. એ વાળ ખરતા રોકવામાં અને હેરલૉસને રિવર્સ કરવામાં મદદરૂપ બની શકે છે.
ADVERTISEMENT
ઇન્ગ્રીડિયન્ટ્સ અને ન્યુટ્રિઅન્ટ્સ
એક સ્પૂન આમન્ડ બટર - વિટામિન E
બે ચપટી હલીમ બીજ - આયર્ન અને ફોલેટ
એક ટેબલસ્પૂન પમ્પકિન સીડ્સ - ઝિન્ક, મૅગ્નેશિયમ
એક ટેબલસ્પૂન કાળા તલ - કૉપર, B કૉમ્પ્લેક્સ
એક સ્કૂપ પ્રોટીન પાઉડર- અમીનો ઍસિડ
સૌથી પહેલાં તો બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં નાખી એમાં પાણી ઍડ કરીને એને પીસીને એક સ્મૂધ પેસ્ટ જેવું બનાવી લો. એમાં પ્રોટીન પાઉડર અને આમન્ડ બટર ઉમેરો. એવો પ્રોટીન પાઉડર પસંદ કરો જે પ્રતિ સર્વિંગ ઓછામાં ઓછું ૨૩ ગ્રામ પ્રોટીન આપે.
આમન્ડ બટર
તમે તમારી સ્મૂધીમાં એક ચમચી આમન્ડ બટર ઉમેરો તો તમારા શરીરને એવી હેલ્ધી ફૅટ્સ મળશે જે વાળને અંદરથી પોષણ આપવાનું કામ કરશે. એમાં રહેલું વિટામિન E ડ્રાયનેસ અને હેર બ્રેકેજની સમસ્યા ઓછી કરવાનું કામ કરે છે. તમે આને પીનટ બટરની જગ્યાએ રિપ્લેસ ન કરી શકો, કારણ કે આમન્ડ બટરમાં MUFA (હેલ્ધી ફૅટ) અને વિટામિન E હોય છે. એટલે એ વાળ માટે પીનટ બટર કરતાં અલગ રીતે અને વધુ અસરકારક રીતે કામ કરે છે.
હલીમ સીડ્સ
હલીમ સીડને આયર્નનું પાવરહાઉસ ગણાવતાં ન્યુટ્રિશનિસ્ટ કહે છે, શરીરમાં ફેરિટિનનું સ્તર ઓછું હોવાને કારણે જો વાળ ખરતા હોય તો આ સમસ્યાને ઓછી કરવામાં એ મદદ કરે છે. વાળ ખરવાનાં સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. એ હેર ફોલિકલ્સ સુધી બ્લડ ફલોને સુધારવામાં અને નવા વાળ ઉગાડવામાં સપોર્ટ કરે છે. જો તમારા વાળ પાતળા થઈ રહ્યા હોય તો હલીમ સીડસ્ સ્કિપ કરતા નહીં. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે એનું વધુ પ્રમાણમાં સેવન નહીં કરતા કારણ કે એ પવાચમાં ભારે હોય છે.
પમ્પકિન સીડ્સ
એક ચમચી કોળાનાં બીજ ખરતા વાળને રોકવામાં, અનિદ્રાની સમસ્યાને ઘટાડવામાં અને માઇગ્રેનને ઓછો કરવામાં મદદ કરે છે. આ બીજ શરીરના હૉર્મોનને સંતુલિત કરે છે જે વાળ ખરવાની સમસ્યા સંબંધિત હોય છે. પમ્પકિન સીડ્સ ઝિન્કનો ઉત્તમ સ્રોત છે જે હેર ફૉલ ઘટાડવાનું કામ કરે છે. એ બાયોટિન અને ઍન્ટિઑક્સિડન્ટ્સથી પણ ભરપૂર હોય છે જે વાળને જાડા અને મજબૂત બનાવે છે.
કાળાં તલ
કાળાં તલને સ્ટાર ઑફ ધ શો ગણાવતાં ન્યુટ્રિશનિસ્ટ કહે છે, ‘એ કૅલ્શિયમથી ભરપૂર હોય છે. વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે. એ સ્કૅલ્પમાં બ્લડ-સર્ક્યુલેશન પણ સુધારે છે, પરિણામે વાળ સુધી પોષક તત્ત્વો યોગ્ય રીતે પહોંચે છે. તલમાં કૉપરનું સારું પ્રમાણ હોય છે જે વાળને સફેદ થવાથી બચાવે છે. એમાં રહેલાં B કૉમ્પ્લેક્સ વિટામિન્સ અને ઝિન્ક વાળને રૂટથી મજબૂત બનાવે છે.’
પ્રોટીન પાઉડર કેમ જરૂરી ?
ન્યુટ્રિશનિસ્ટ અનુસાર આપણા વાળ મૂળરૂપે કેરાટિન નામના પ્રોટીનથી બનેલા હોય છે. જેટલું તમે તમારા વાળને એ તત્ત્વ પૂરું પાડશો જેમાંથી એ બનેલા છે એટલા વધુ મજબૂત, જાડા અને કાળા બનશે.


