અહીં છે આડશ ઊભી કરવા માટેના ૮ સૌથી સરળ, સુંદર અને પ્રૅક્ટિકલ આઇડિયા. એમાંથી તમે તમારી જરૂરિયાત અને બજેટ મુજબ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો
ધૂળ, તડકો કે વરસાદી વાછટથી બચાવવા બાલ્કનીને કવર કરવી છે?
ફ્લૅટ કે અપાર્ટમેન્ટમાં બાલ્કની ઘરનો એવો ખૂણો છે જ્યાં આપણે દિવસભરના થાક પછી ખુલ્લી હવામાં બેસીને ચાની ચૂસકી લેવાનું કે થોડો સમય શાંતિથી વિતાવવાનું પસંદ કરીએ છીએ; પરંતુ હાઇરાઇઝ બિલ્ડિંગો, સામે દેખાતા પાડોશીના ફ્લૅટ્સ, બપોરનો આકરો તડકો, વરસાદ, ધૂળ અને પ્રાઇવસીની ચિંતાને કારણે ઘણી વાર આ જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. આ સમસ્યાઓથી બચવા માટે બાલ્કનીને સાવ બંધ કરી દેવાને બદલે એવી રીતે કવર કરવી જોઈએ જેથી સેફ્ટી, પ્રાઇવસી અને હવા-ઉજાસ ત્રણેય જળવાઈ રહે.
રીટ્રેક્ટેબલ ઓનિંગ (ફોલ્ડિંગ શેડ)
ADVERTISEMENT
જો તમારી બાલ્કનીમાં બપોરના સમયે ખૂબ જ તડકો આવતો હોય તો આખી બાલ્કની કવર કરવાની જરૂર નથી. રીટ્રેક્ટેબલ ઓનિંગ (ફોલ્ડિંગ શેડ) તડકો સખત હોય ત્યારે ઉપરથી છાંયડો આપે છે અને પછીથી એને વાળી શકાય છે. જ્યારે છાંયડો જોઈતો હોય ત્યારે એને બહાર ખેંચી લો અને બાલ્કની ફરીથી ખુલ્લી કરવી હોય ત્યારે પાછો વાળી લો. બાલ્કનીનો આગળનો ભાગ ખુલ્લો રહેતો હોવાથી બહારનો વ્યુ બગડતો નથી અને જગ્યા બંધિયાર લાગતી નથી. આ માટે તડકો અને હવામાન સહન કરી શકે એવું આઉટડોર ફૅબ્રિક પસંદ કરવું જોઈએ અને લગાવતાં પહેલાં તેનું ફિટિંગ બરાબર તપાસી લેવું જોઈએ.
બાય-ફોલ્ડિંગ ઍલ્યુમિનિયમ શટર બાલ્કની કવર
આ એક એવી બાલ્કની કવર સિસ્ટમ છે જે જરૂર મુજબ ખોલી-બંધ કરી શકાય છે. સાંજના સમયે તમે કવરને પૂરેપૂરું ખોલીને ચાની મજા માણી શકો છો અને બપોરે સખત તડકો હોય ત્યારે એને બંધ કરી શકો છો. એ અંદર ગ્લાસ પૅનલ ધરાવતી હળવી ઍલ્યુમિનિયમ ફ્રેમમાંથી બનાવવામાં આવે છે. આ શટર દરવાજાની જેમ એક બાજુ ફોલ્ડ થઈ જાય છે એટલે બાલ્કનીમાં વધારાની જગ્યા રોકાતી નથી. જરૂર મુજબ એને અડધું ખુલ્લું પણ રાખી શકાય છે. આ સિસ્ટમ જગ્યા બચાવે છે, મૉડર્ન લુક આપે છે અને બંધ હોય ત્યારે વરસાદ તેમ જ ધૂળને બહાર રાખવામાં મદદ કરે છે.
બામ્બુ ચિક અને પડદાનું કૉમ્બો કવર
આ સૌથી દેશી અને સરળ વિકલ્પોમાંથી એક છે, કારણ કે ભારતમાં ઘણાં ઘરોમાં હજી પણ વાંસની ચિક વપરાય છે. તમે બહારની તરફ બામ્બુ ચિક લગાવી શકો છો અને વધુ પ્રાઇવસી જોઈતી હોય ત્યારે અંદરની બાજુ હળવા પડદા ઉમેરી શકો છો. બામ્બુ સીધા સૂર્યપ્રકાશને રોકવામાં મદદ કરે છે, જ્યારે પડદો બાલ્કનીને સૉફ્ટ લુક આપે છે. મનીપ્લાન્ટ કે અન્ય નાના છોડ સાથે આ જગ્યાને વધુ સુંદર બનાવી શકાય છે. કાચ કે કાયમી સ્ટ્રક્ચર પાછળ વધુ ખર્ચ કરવા ન માગતા હો તો આ સારો વિકલ્પ છે. માત્ર એટલું ધ્યાન રાખવું કે સામાન્ય ઇન્ડોર વાંસ વરસાદમાં લાંબો સમય ટકી શકતો નથી. એટલે આઉટડોર ઉપયોગ માટે યોગ્ય મટીરિયલ પસંદ કરવું અને ભારે વરસાદમાં એને ઉપર રોલ કરી લેવું.
ટેરાકોટા અથવા બ્રિક જાળી સ્ક્રીન
જો તમે સાદા કાચ કે મેટલ કરતાં વધુ ભારતીય લુક આપવા માગતા હો તો ટેરાકોટા અથવા બ્રિક જાળી સ્ટાઇલ સ્ક્રીન એક સારો વિકલ્પ બની શકે છે. એનાં નાનાં છિદ્રો બહારથી સીધો વ્યુ રોકીને પૂરતી હવા અને પ્રકાશને અંદર આવવા દે છે. તમારી બાલ્કની સામે અન્ય કોઈ અપાર્ટમેન્ટ બિલ્ડિંગ હોય ત્યારે આ ડિઝાઇન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આખી બાલ્કની બંધ કરવાને બદલે તમે એક બાજુ જાળી લગાવીને આગળનો ભાગ ખુલ્લો રાખી શકો છો. એનો હૂંફાળો માટી જેવો રંગ છોડ, વાંસ-નેતરની ખુરસીઓ અને સાદા લાકડાના ફર્નિચર સાથે સુંદર લાગે છે.
ઇનવિઝિબલ ગ્રિલ
હાઇરાઇઝ સોસાયટીઓમાં આ આજકાલ ખૂબ સામાન્ય બની ગયું છે. જો તમારા ઘરમાં નાનાં બાળકો કે પાલતુ પ્રાણીઓ હોય તો લોકો સૌથી પહેલાં આ વિકલ્પ પસંદ કરે છે. આ સંપૂર્ણ કવર નથી પરંતુ બાલ્કનીને ખુલ્લી રાખવાની સાથે સેફ્ટી બૅરિયર પણ પૂરું પાડે છે. આ ગ્રિલ પાતળા સ્ટીલ વાયરમાંથી બનાવવામાં આવે છે જે દૂરથી લગભગ ઇનવિઝિબલ લાગે છે, જેથી તમારો બહારનો વ્યુ બગડતો નથી. તમે બહાર સરળતાથી જોઈ શકો છો અને પૂરતી હવા પણ અંદર આવી શકે છે. આનાથી બાલ્કની જેલ જેવી નથી લાગતી અને ખુલ્લો લુક જળવાઈ રહે છે. બાળકો અને પાલતુ પ્રાણીઓ ધરાવતા પરિવારો માટે આ ખૂબ ઉપયોગી છે અને એને ઓછા મેઇન્ટેનન્સની જરૂર પડે છે.
જૅપનીઝ શોજી ઇન્સ્પાયર્ડ આઉટડોર સ્ક્રીન
જે લોકો બાલ્કનીમાં પીસફુલ લુક ઇચ્છે છે તેમના માટે આ સારો વિકલ્પ છે. એમાં સફેદ અથવા હળવી અર્ધપારદર્શક પૅનલ સાથે વુડન ટાઇપ ફ્રેમ હોય છે જે
દેખાવમાં જૅપનીઝ સ્ટાઇલના દરવાજા જેવી લાગે છે. તમે એમાંથી સીધું આરપાર જોઈ શકતા નથી, પરંતુ કુદરતી પ્રકાશ અંદર આવી શકે છે. જો તમારી બાલ્કની સામે બીજું બિલ્ડિંગ હોય અને તમારે અંધારું કર્યા વગર પ્રાઇવસી મેળવવી હોય તો આ સ્ક્રીન ઉપયોગી સાબિત થાય છે. સાંજના સમયે વૉર્મ લાઇટિંગ અને થોડા છોડ સાથે આ લુક વધુ આકર્ષક લાગે છે.
ફ્રૉસ્ટેડ ગ્લાસ કવર
જો તમારી બાલ્કની સીધી તમારા પાડોશીની બાલ્કની સામે પડતી હોય તો પ્રાઇવસીની સમસ્યા થતી હોય છે. ફ્રૉસ્ટેડ ગ્લાસ જગ્યાને અંધારી કર્યા વગર આ સમસ્યાનો સારો ઉકેલ આપે છે. આ કાચ દિવસના કુદરતી પ્રકાશને અંદર આવવા દે છે, પરંતુ આરપારનો વ્યુ અસ્પષ્ટ રાખે છે. એ ખૂબ જ સ્વચ્છ અને આધુનિક લુક આપે છે જ્યાં તમે નાનું વર્ક-ટેબલ, ખુરસી કે છોડ ગોઠવીને સુંદર સીટિંગ અથવા વર્ક-કૉર્નર બનાવી શકો છો. જો આખી બાલ્કની કાચથી કવર કરવાનું વિચારતા હો તો યાદ રાખવું કે શહેરોમાં ધૂળ અને વરસાદના ડાઘને કારણે ગ્લાસની નિયમિત સફાઈ કરવી પડે છે.
પર્ગોલા સ્ટાઇલ બાલ્કની કવર
જો તમને છાંયડો જોઈતો હોય પણ આખી પાકી છત ન બનાવવી હોય તો પર્ગોલા સ્ટાઇલ કવર એક સરસ વિકલ્પ છે. એની ઉપરની બાજુ આડી પટ્ટીઓ વચ્ચે નાની જગ્યાઓ રાખવામાં આવે છે જે સીધા તડકાને રોકીને બાલ્કનીને ખુલ્લી અને હવા-ઉજાસવાળી રાખે છે. જો તમને લાકડાનો લુક ગમતો હોય પણ આઉટડોર વુડન મેઇન્ટેનન્સની ઝંઝટ ન જોઈતી હોય તો વુડ-ફિનિશવાળા ઍલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકો છો. એનાથી બહારનો વ્યુ પણ બ્લૉક થતો નથી. હૅન્ગિંગ પ્લાન્ટ્સ સાથે આ ડિઝાઇન ખૂબ જ સુંદર લાગે છે. હાઇરાઇઝ ફ્લૅટ માટે ખાસ ધ્યાન રાખવું કે સ્ટ્રક્ચર યોગ્ય રીતે ફિટ કરેલું હોય અને ઊંચાઈ પર આવતા પવનના દબાણને સહન કરી શકે એવું હોય.
