ઍક્રિલિક મિરર હવે માત્ર અરીસો નહીં, પરંતુ મૉડર્ન હોમ ડેકોરનો સ્ટાઇલિશ હિસ્સો બની રહ્યા છે. હળવા, બજેટ-ફ્રેન્ડ્લી અને તૂટવાનો ભય ઓછો હોવાથી આ મિરરથી ઘરને સુંદર લુક આપી શકાય છે.
હેક્ઝાગૉન પૅટર્ન
એક સમય હતો જ્યારે અરીસો માત્ર ડ્રેસિંગ ટેબલ કે બાથરૂમ સુધી જ સીમિત હતો. હવે અરીસાએ ડેકોરનો નવો અવતાર ધારણ કર્યો છે. ખાસ કરીને ઍક્રિલિક મિરર આજે દીવાલો પર મૉડર્ન આર્ટ, જ્યોમેટ્રિક પૅટર્ન અને સ્ટેટમેન્ટ ડેકોર તરીકે જોવા મળી રહ્યા છે. સ્ટાઇલિશ અને બજેટ-ફ્રેન્ડ્લી હોવાથી આ ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે
હોમ ડેકોરમાં અરીસા હંમેશાંથી દરેક ઘરમાં પહેલી પસંદ રહ્યા છે. અરીસો માત્ર મોઢું જોવા માટે જ નહીં, ઘરની નાની જગ્યાને મોટી અને રોશનીવાળી બતાવવા માટે ઇન્ટીરિયર ડિઝાઇનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જોકે ટ્રેડિશનલ કાચના અરીસાઓ સાથે એક મોટો પડકાર એ હોય છે કે એ વજનમાં ખૂબ જ ભારે હોય છે. એને દીવાલ પર લગાવવા માટે ડ્રિલિંગ કરવું પડે છે અને એના તૂટી જવાની શક્યતા વધુ હોય છે. ખાસ કરીને જે ઘરમાં નાનાં બાળકો કે પેટ્સ હોય ત્યાં કાચના અરીસા જોખમી સાબિત થઈ શકે છે. જો તમે પણ તૂટી જવાના ભય વગર ઘરને અરીસાથી સજાવવા માગતા હો તો ઍક્રિલિક મિરર્સ એનો સૌથી શ્રેષ્ઠ અને મૉડર્ન વિકલ્પ છે.
ADVERTISEMENT
ઍક્રિલિક મિરર્સ કેમ શ્રેષ્ઠ છે?
ઍક્રિલિક મિરર્સ એ ખાસ પ્રકારના હાઈ-ક્વૉલિટી પ્લાસ્ટિક/પૉલિમર મટીરિયલમાંથી બને છે. એ દેખાવમાં આબેહૂબ કાચના અરીસા જેવા જ રિફ્લેક્ટિવ અને ચમકદાર લાગે છે, પરંતુ એના ફાયદા કાચ કરતાં અનેકગણા વધુ છે. એ કાચની સરખામણીમાં ખૂબ જ હલકા હોય છે. હાથમાંથી પડી જાય કે કોઈ વસ્તુ વાગે તો પણ એ કાચની જેમ તૂટતા કે ફૂટતા નથી. આ અરીસાઓ પાછળ સેલ્ફ-ઍડ્હેસિવ ટેપ આવે છે જેથી દીવાલમાં કાણું પાડ્યા વગર કે ડ્રિલ કર્યા વગર એને સરળતાથી ચોંટાડી શકાય છે.
૩D વૉલ મ્યુરલ
ઍક્રિલિક મિરર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે એને ગમે એવા શેપમાં લેઝર-કટ કરી શકાય છે. તમે લિવિંગરૂમ, બેડરૂમ કે ડાઇનિંગ એરિયાની સાદી દીવાલ પર આ અલગ-અલગ શેપ્સને ખાસ પૅટર્નમાં ગોઠવીને એક અદ્ભુત ૩D વૉલ મ્યુરલ બનાવી શકો છો.
૧. હેક્ઝાગૉન / હનીકૉમ્બ પૅટર્ન : છ ખૂણાવાળા હેક્ઝાગૉન ઍક્રિલિક મિરર્સ અત્યારે હોમ ડેકોરમાં સૌથી વધુ ટ્રેન્ડિંગ છે. આ મિરરનાં નાનાં-મોટાં પીસીસને મધપૂડાની જેમ દીવાલ પર એકબીજા સાથે જોડીને અથવા વચ્ચે થોડી સ્પેસ રાખીને ગોઠવવાથી લિવિંગરૂમને એકદમ લક્ઝુરિયસ અને મૉડર્ન ૩D લુક મળે છે.
૨. ફ્લટરિંગ બટરફ્લાય અને બર્ડ્સ : જો તમને કુદરતી કે સૉફ્ટ વાઇબ્સ ગમે છે તો પતંગિયાં કે ઊડતાં પક્ષીઓના શેપમાં કટ કરેલા ઍક્રિલિક મિરર્સ બેસ્ટ ઑપ્શન છે. સોફાની પાછળની દીવાલ પર કે બેડરૂમની વૉલ પર નીચેથી ઉપર તરફ ઊડતાં પતંગિયાંની પૅટર્નમાં આ મિરર્સ ચોંટાડવાથી દીવાલ જીવંત થઈ ઊઠે છે.
૩. ગ્લૅમરસ સનબર્સ્ટ અને રોઝેટ ડિઝાઇન : સૂર્યનાં કિરણો ફેલાતાં હોય એવી સનબર્સ્ટ ડિઝાઇન લિવિંગરૂમ કે એન્ટ્રન્સ હૉલ માટે સજાવટનો બેસ્ટ પીસ છે. વચ્ચે એક રાઉન્ડ મિરર અને એની આસપાસ કિરણોની જેમ ગોઠવેલા સ્ટ્રિપ્સવાળા ઍક્રિલિક મિરર્સ રૂમમાં ગ્લૅમર ઉમેરે છે.
૪. રેન્ડમ જ્યોમેટ્રિક આર્ટ : ત્રિકોણ, ચોરસ કે ટિયર-ડ્રૉપ જેવા અલગ-અલગ જ્યોમેટ્રિક શેપ્સને મિક્સ કરીને દીવાલ પર આર્ટિસ્ટિક પૅટર્ન બનાવી શકાય છે. આ પૅટર્ન પર જ્યારે લાઇટનો પ્રકાશ પડે છે ત્યારે આખી દીવાલ ૩D ઇફેક્ટ સાથે ચમકી ઊઠે છે.
ઍક્રિલિક મિરર્સ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની નાની વાતો
ઍક્રિલિક મિરર ચોંટાડતાં પહેલાં દીવાલ એકદમ સપાટ, ધૂળ વગરની અને કોરી હોવી જોઈએ જેથી એ લાંબા સમય સુધી ચોંટેલા રહે.
આ અરીસાઓ પર સ્ક્રેચ ન પડે એ માટે ઉપર એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકનું લેયર હોય છે. દીવાલ પર ચોંટાડ્યા પછી જ આ કવર હટાવવું.
ઍક્રિલિક મિરરને સાફ કરવા માટે કડક કાપડને બદલે સૉફ્ટ માઇક્રોફાઇબર ક્લોથ અને સહેજ ભીના કાપડનો જ ઉપયોગ કરવો જેથી એના પર સ્ક્રેચ ન પડે.
