Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ખાલી પેટે ૧ ચમચી કોકોનટ ઑઇલ પીવાનો ટ્રેન્ડ ફરી આવ્યો છે, પરંતુ એ ફાયદાકારક છે કે માત્ર હાઇપ?

ખાલી પેટે ૧ ચમચી કોકોનટ ઑઇલ પીવાનો ટ્રેન્ડ ફરી આવ્યો છે, પરંતુ એ ફાયદાકારક છે કે માત્ર હાઇપ?

Published : 02 September, 2026 02:54 PM | Modified : 02 September, 2026 03:08 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજે વર્લ્ડ કોકોનટ ડે છે ત્યારે એક એવા વેલનેસ ટ્રેન્ડની વાત કરવી છે. આ ટ્રેન્ડ છે સવારે ખાલી પેટે એક ચમચી વર્જિન કોકોનટ ઑઇલ પીવાનો. આ ટ્રેન્ડને ફૉલો કરતાં પહેલાં એના સંભવિત ફાયદા અને સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણી લેવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નારિયેળ આપણા આહારનો વર્ષોથી હિસ્સો રહ્યું છે, પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલ સાથે એના સેવનની રીતોમાં પણ નવા પ્રયોગો જોવા મળે છે. ખાસ કરીને વર્જિન કોકોનટ ઑઇલને પરંપરાગત રસોઈના તેલથી આગળ લઈ જઈને ડેઇલી વેલનેસ રૂટીનનો ભાગ બનાવવામાં આવી રહ્યું છે. કોકોનટ ઑઇલમાં એવું શું છે અને એને ડાયટમાં સામેલ કરતી વખતે ખરેખર કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આજે ડાયટિશ્યન કુંજલ શાહ પાસેથી જાણી લઈએ.



પોષક તત્ત્વો


સૌપ્રથમ એનાં પોષક તત્ત્વોની વાત કરીએ તો વર્જિન કોકોનટ ઑઇલમાં મુખ્યત્વે ફૅટ હોય છે, જેમાં લગભગ ૮૦થી ૯૦ ટકા સેચુરેટેડ ફૅટ હોય છે. એની ખાસિયત એ છે કે એમાં વિવિધ પ્રકારના ફૅટી ઍસિડ્સ જોવા મળે છે. દાખલા તરીકે લૉરિક ઍસિડ, માયરિસ્ટિક ઍસિડ, કેપ્રિલિક ઍસિડ અને કેપ્રિક ઍસિડ. આમાંથી કેટલાક ફૅટી ઍસિડ શરીરમાં સામાન્ય ચરબી કરતાં અલગ રીતે પચે છે અને શરીરને ઝડપથી ઊર્જા આપે છે. વર્જિન કોકોનટ ઑઇલ પર વધુ પ્રોસેસિંગ થતું ન હોવાથી એમાં ઑક્સિડેશનની પ્રક્રિયા અટકાવતાં પોલિફેનોલ્સ અને વિટામિન E જેવાં કુદરતી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સની થોડી માત્રા જળવાઈ રહે છે. આ કુદરતી ઘટકો કોષોને નુકસાનથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

શું ફાયદો?


હાલમાં ફરીથી સવારે ખાલી પેટે વર્જિન કોકોનટ ઑઇલ પીવાનો ટ્રેન્ડ પાછો આવ્યો છે. ઘણા લોકો એવો દાવો કરે છે કે એ શરીરને ડીટૉક્સ કરે છે, આંતરડાં સાફ કરે છે, પેટની ચરબી ઓગાળે છે, મેટાબૉલિઝમને નોંધપાત્ર રીતે બૂસ્ટ કરે છે, ઍસિડિટી કે ગૅસ્ટ્રાઇટિસ મટાડે છે અને ઇમ્યુનિટી વધારે છે. જોકે આ દાવાઓને સમર્થન આપતા પૂરતા મજબૂત ક્લિનિકલ પુરાવા નથી એટલે વર્જિન કોકોનટ ઑઇલને ડીટૉક્સ ડ્રિન્ક, વજન ઘટાડવાનો ઉપાય કે ઍસિડિટી અને ગૅસ્ટ્રાઇટિસની સારવાર તરીકે જોવું યોગ્ય નથી. કેટલાક લોકો ખાલી પેટે વર્જિન કોકોનટ ઑઇલ લીધા પછી વધુ ઊર્જાવાન અથવા થોડા સમય માટે ઓછી ભૂખ લાગતી હોવાનો અનુભવ કરી શકે છે. જોકે આનો અર્થ એવો નથી કે રોજ એક ચમચી વર્જિન કોકોનટ ઑઇલ લેવાથી મેટાબૉલિઝમમાં નોંધપાત્ર વધારો થશે કે પેટની ચરબી ઓગળવા લાગશે.

કેવી રીતે લેવું?

જો કોઈ વ્યક્તિને વર્જિન કોકોનટ ઑઇલ પસંદ હોય અને એને પોતાના આહારમાં સામેલ કરવું હોય તો લગભગ એક નાની ચમચી એટલે કે આશરે પાંચ મિલી જેટલું પ્રમાણ સામાન્ય રીતે યોગ્ય છે. જો તમે સીધું ઑઇલ પીવા ટેવાયેલા ન હો તો શરૂઆતમાં ઓછી માત્રામાં જ લેવું. અચાનક વધુ પ્રમાણમાં કોકોનટ ઑઇલ લેવાથી ઊબકા, પેટમાં ચૂંક, અસ્વસ્થતા કે લૂઝ મોશન થઈ શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે એને ખાલી પેટે લેવું જરૂરી નથી. જો ખાલી પેટે લેવાથી પેટમાં અગવડ થાય તો એને ભોજન સાથે લેવું વધુ અનુકૂળ રહી શકે છે. આ ઉપરાંત વર્જિન કોકોનટ ઑઇલમાં સેચુરેટેડ ફૅટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એનું નિયમિત અને વધુ પ્રમાણમાં સેવન કેટલાક લોકોમાં LDL એટલે કે ખરાબ કૉલેસ્ટરોલ વધારી શકે છે. તેથી જેમનું LDL પહેલેથી ઊંચું હોય અથવા જેમને હૃદયરોગનું જોખમ હોય તેમણે અનસેચુરેટેડ ફૅટ ધરાવતા તેલના સ્થાને મોટી માત્રામાં કોકોનટ ઑઇલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

ખાલી પેટે લેવાથી શું થાય?

વર્જિન કોકોનટ ઑઇલ ખાલી પેટે જ લેવું જોઈએ એવો કોઈ નિયમ નથી. ખાલી પેટે લેવામાં આવે ત્યારે એની સાથે અન્ય ખાદ્ય પદાર્થો ન હોવાથી તેલ સીધું પાચનતંત્રમાં જાય છે. કેટલાક લોકોને એનાથી કોઈ અગવડ થતી નથી, જ્યારે સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોને તેલ સીધું લેવાથી ઊબકા, પેટમાં અસ્વસ્થતા, પેટ ફૂલવું કે ઝાડા થઈ શકે છે. બીજી તરફ કોકોનટ ઑઇલને ભોજનમાં સામેલ કરવામાં આવે તો એ કેટલાક લોકો માટે સારું રહે છે. રસોઈ દરમ્યાન ખૂબ ઊંચા તાપમાને લાંબા સમય સુધી ગરમ કરવાથી એમાં રહેલા એમાં નાના પ્રમાણના ઍન્ટિ-ઑક્સિડન્ટ ઘટકો ઘટી શકે છે, પરંતુ તેલમાં રહેલી ચરબી અને કૅલરી યથાવત્ રહે છે. 
વર્જિન કોકોનટ ઑઇલ કુદરતી ફૅટ અને કેટલાક બાયોઍક્ટિવ ઘટકો ધરાવતું તેલ છે એટલે એને સંપૂર્ણપણે ખરાબ કે બિનઆરોગ્યપ્રદ માનવાની જરૂર નથી, પરંતુ ખાલી પેટે એક ચમચી વર્જિન કોકોનટ ઑઇલ લેવાથી ડીટૉક્સ, પેટની ચરબી ઓગળવી, મેટાબૉલિઝમ ઝડપથી વધવું કે ઍસિડિટી મટવી જેવા દાવાઓને પૂરતા મજબૂત વૈજ્ઞાનિક પુરાવા નથી. જો તમને કોકોનટ ઑઇલ પસંદ હોય તો એને યોગ્ય પ્રમાણમાં અને સંતુલિત આહારના ભાગરૂપે લઈ શકાય છે. કોકોનટ ડેના દિવસે કોકોનટ ઑઇલને વિલન બનાવવાનો નહીં પરંતુ એને લઈને ચાલી રહેલા હાઇપ અને હકીકત વચ્ચેનો તફાવત સમજવાનો હેતુ છે. આખરે કોઈ એક ફૂડ કે ઑઇલ કરતાં સમગ્ર આહારની ગુણવત્તા અને સંતુલન સ્વાસ્થ્ય માટે વધુ મહત્ત્વનું છે.

કોણે સાવધાની રાખવી?

દરેક વ્યક્તિ માટે સવારે ખાલી પેટે નારિયેળ તેલ પીવું યોગ્ય હોય એવું જરૂરી નથી. જે લોકોને ફૅટી ફૂડ ખાવાથી જલદી પેટ બગડે છે તેમને સીધું તેલ લેવાથી ઊબકા, પેટમાં અસ્વસ્થતા, બ્લોટિંગ કે ઝાડા થઈ શકે છે. ‍‍
 ગૉલ-બ્લૅડર એટલે કે પિત્તાશયની સમસ્યા અથવા પથરી ધરાવતા લોકોમાં ફૅટનું સેવન ક્યારેક અગવડ ઊભી કરી શકે છે. સ્વાદુપિંડની ગંભીર બીમારી કે પૅન્ક્રિટાઇટિસનો ઇતિહાસ ધરાવતા લોકો માટે પણ ફૅટ પચાવવામાં તકલીફ થઈ શકે છે. 
 ક્રોનિક પાચનતંત્રની સમસ્યા અથવા શરીરમાં ફૅટ શોષવામાં તકલીફ હોય તો એકસાથે તેલનું વધુ પ્રમાણ લેવાથી પાચનની તકલીફ વધી શકે છે. 
 હાઈ LDL કૉલેસ્ટરોલ અથવા હૃદયરોગનું જોખમ ધરાવતા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે વર્જિન કોકોનટ ઑઇલ સંપૂર્ણપણે બંધ કરવું જરૂરી હોય એવું નથી, પરંતુ એમાં સેચુરેટેડ ફૅટનું પ્રમાણ વધારે હોવાથી એનું નિયમિત અને વધુ પ્રમાણમાં સેવન યોગ્ય નથી. 
 વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. વર્જિન કોકોનટ ઑઇલમાં કૅલરીનું પ્રમાણ વધારે હોય છે. એટલે નાસ્તામાં પહેલેથી લેવાતી વસ્તુઓ ઉપરાંત એક ચમચી તેલ વધારામાં ઉમેરવાથી કુલ કૅલરી વધી શકે છે જે વેઇટ મૅનેજમેન્ટને મુશ્કેલ બનાવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 03:08 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK