સ્કૂલની આસપાસ જન્ક-ફૂડ પર પ્રતિબંધ પૂરતો નથી. બાળકોમાં જન્ક-ફૂડની ક્રેવિંગ ઘટાડવા માટે પેરન્ટ્સે ફૂડ હૅબિટ્સ, સેલ્ફ-રેગ્યુલેશન અને હેલ્ધી હોમમેડ વિકલ્પો પર ધ્યાન આપવું જરૂરી છે.
જન્ક-ફૂડનું ક્રેવિંગ ઘટાડવા માટે માત્ર સ્કૂલોની આસપાસ પ્રતિબંધ પૂરતો નથી, પરિવારનું ફૂડ માઇન્ડસેટ બદલવું જરૂરી
સ્કૂલોમાં અને આસપાસના ૫૦ મીટરના એરિયામાં જન્ક-ફૂડના વેચાણ પર પ્રતિબંધ મુકાવાથી હવે તેમને ઈઝીલી અનહેલ્ધી ચીજો નહીં મળે. જોકે અહીં સવાલ માત્ર અવેલેબિલિટીનો જ નથી, સાઇકોલૉજી અને ફૂડ-હૅબિટ્સનો પણ છે. ઘરે આવ્યા પછી બાળકના જન્ક-ફૂડના કન્ઝમ્પ્શનનું મીટર કોણ કન્ટ્રોલ કરશે? સાઇકોલૉજિકલ સ્તરે બાળકના મનમાંથી એનો ટેસ્ટ અને ક્રેવિંગ કેવી રીતે દૂર થશે? ઘરમાં પણ જન્ક-ફૂડથી બાળકને દૂર રાખવા માટે આપણે શું કરી શકીએ એ આજે જોઈએ
હજી થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યની બધી સ્કૂલોના કૅમ્પસ તેમ જ એની આસપાસના ૫૦ મીટરના એરિયામાં હાઈ ફૅટ, શુગરી અને સૉલ્ટી જન્ક-ફૂડ, કોલ્ડ ડ્રિન્ક્સ અને ચૉકલેટ્સના વેચાણ, ફ્રી ડિસ્ટ્રિબ્યુશન તેમ જ જાહેરાતો પર સંપૂર્ણ બૅન મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ બાળકોમાં નાનપણથી જ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને પોષણયુક્ત ખોરાકની આદત પાડવાનો છે. જોકે સવાલ એ છે કે માત્ર સ્કૂલની આસપાસ જન્ક-ફૂડ રોકવાથી શું બાળકોમાં ક્રેવિંગ ખરેખર ઓછું થશે? બાળકોને જન્ક-ફૂડ તરફ ખેંચતી તેમની મેન્ટાલિટી, ફૂડ-હૅબિટ્સ અને ઘરના વાતાવરણનો પણ એમાં મોટો રોલ હોય છે. તો પછી બાળકોમાં ક્રેવિંગ ઘટાડવા માટે શું કરી શકાય? આ વિશે સાઇકોલૉજિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે? પેરન્ટ્સે બાળકોની ડાયટરી હૅબિટ્સમાં કેવા ચેન્જિસ કરવા જોઈએ? જન્ક-ફૂડના ક્રેવિંગને હેલ્ધી રીતે કેવી રીતે મૅનેજ કરવું? એ બધા વિશે જાણીએ.
ADVERTISEMENT
ના પાડશો તો ક્રેવિંગ વધશે
કોઈ વસ્તુ પર જ્યારે સાવ રોક લગાવી દેવામાં આવે ત્યારે એ વસ્તુ મેળવવાની ઇચ્છા વધી જાય છે, જેને સાઇકોલૉજીમાં ફૉરબિડન ફૂડ-ઇફેક્ટ કહે છે. એટલે બાળકોને જન્ક-ફૂડ માટે ચોખ્ખી ના પાડવાને બદલે થોડી સ્માર્ટ્લી હૅન્ડલ કરવાં જોઈએ. એ વિશે સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ ડૉ. ધ્વનિ ગેસોટા કહે છે, ‘બાળકોને જ્યારે ચોખ્ખી ના પાડી દેવાય કે આ તો ક્યારેય નહીં જ ખાવાનું ત્યારે તેમને એ વસ્તુ વધુ અટ્રૅક્ટિવ લાગે છે. પરિણામે જ્યારે પણ તેમને મોકો મળે - જેમ કે કોઈના બર્થ-ડેમાં કે ફ્રેન્ડ્સના ઘરે - ત્યારે તેઓ છુપાઈને ખાય છે, સ્ટૉક કરી રાખે છે કે પછી ઓવરઈટિંગ કરી લે છે. એટલે આ ક્યારેય નહીં ખાવાનું કહેવા કરતાં પેરન્ટ્સે એવું કહેવું જોઈએ કે ક્યારેક ખાઈ શકાય અને ક્યારે ખાવું એનો ટાઇમ ફિક્સ કરીએ. જે બાળકોને ખબર હોય કે અમુક ખાસ દિવસે - જેમ કે ફ્રાઇડે ઈવનિંગ, બર્થ-ડે પાર્ટી કે સ્કૂલ-ઇવેન્ટમાં - જન્ક-ફૂડ મળશે ત્યારે તેઓ ખાવાની બાબતમાં વધુ કૂલ રહે છે. અહીં મુદ્દો કડક રોકટોક કરવાનો નથી, બાળકને અંદરથી જ સેલ્ફ-રેગ્યુલેશન શીખવવાનો છે જેથી તેઓ કોઈના ડર કે વૉચ વગર પોતાની મેળે જ કન્ટ્રોલમાં ખાતાં શીખે.’
ઇમ્પલ્સ બાઇંગને કેવી રીતે રોકશો?
સ્કૂલ છૂટ્યા પછી કે ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે બાળકો અચાનક બહારની વસ્તુઓ ખરીદી લેવાની આદત ધરાવતાં હોય છે. આ પ્રકારની ઇમ્પલ્સ બાઇંગની હૅબિટ ઘટાડવા માટે શું થઈ શકે એ વિશે વાત કરતાં ડૉ. ધ્વનિ ગેસોટા કહે છે, ‘સૌથી પહેલાં બાળક સાથે સ્નૅક્સનું પ્લાનિંગ અગાઉથી કરી લેવું જોઈએ. આગલી રાત્રે અથવા સવારે સ્કૂલમાં જતાં પહેલાં બાળકને ચૉઇસમાં ઇન્વૉલ્વ કરવાથી શૉપ સામે ફ્રેન્ડ્સ વચ્ચે ઊભા રહીને ઉતાવળમાં ડિસિઝન લેવાના ચાન્સ ઘટે છે. બાળક ભૂખ્યું હોય કે મિત્રો સાથે એક્સાઇટેડ હોય ત્યારે લીધેલા નિર્ણય કરતાં કૂલ માઇન્ડથી અગાઉથી કરેલું પ્લાનિંગ વધુ બેટર રહે છે. આ ઉપરાંત બાળકને છૂટા પૈસા આપવાને બદલે વીકલી ફિક્સ પૉકેટમની આપીને એને મૅનેજ કરવાની રિસ્પૉન્સિબિલિટી આપી શકાય. આનાથી બાળક બજેટિંગ શીખે છે અને દરેક વખતે ‘લેવું કે નહીં?’ને બદલે ‘આ લઉં કે પેલું?’ જેવી સ્માર્ટ ચૉઇસ કરે છે. શૉપિંગ વખતે ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાને બદલે થોડી વાર પૉઝ લેવાની (રાહ જોવાની) હૅબિટ પાડવી પણ ઉપયોગી છે. થોડું આગળ ચાલીને પછી વિચરવાની નાની આદત ઇમ્પલ્સ અને ઍક્શન વચ્ચે એક ગૅપ ક્રીએટ કરે છે. સૌથી મહત્ત્વનું એ છે કે પેરન્ટ્સ પોતે પણ રોલમૉડલ બને. ઘરમાં મોટાઓ પણ કોઈ વસ્તુ ખરીદતી વખતે કૅલ્ક્યુલેટિવ અને ઉતાવળ વગર ડિસિઝન લેશે તો બાળક પણ આ બિહેવિયર નૅચરલી પિક કરી લેશે.’
પિઅર પ્રેશર સામે મજબૂત બનાવો
ઘણી વાર બાળકો જન્ક-ફૂડની અટ્રૅક્ટિવ ઍડ્સ અને પિઅર પ્રેશરમાં આવીને પણ જન્ક-ફૂડ ખાતાં હોય છે. એની સામે લડવા બાળકોને મેન્ટલી સ્ટ્રૉન્ગ બનાવવા વિશે વાત કરતાં ડૉ. ધ્વનિ ગેસોટા કહે છે, ‘બાળકો પર ડર કે કડક રૂલ્સ થોપવાને બદલે તેમની ઓળખ અને સેલ્ફ-કૉન્ફિડન્સ વધારવાં જોઈએ. બાળકો જ્યારે પોતાની મેળે એવું ડિસાઇડ કરતાં શીખે કે મને હેલ્ધી ખાવું ગમે છે ત્યારે તેઓ પિઅર પ્રેશર વધુ સારી રીતે ફેસ કરી શકે છે, કારણ કે કન્ટ્રોલ રાખવા કરતાં ઑટૉનૉમી એટલે કે ચૉઇસની આઝાદી આપવાથી હેલ્ધી હૅબિટ્સ લાંબો સમય ટકે છે. આ ઉપરાંત ઘરે જ બાળક સાથે નૉર્મલ વાતચીતમાં ફ્રેન્ડ્સને શું રિપ્લાય આપવો એની પહેલેથી પ્રૅક્ટિસ કરાવી શકાય - જેમ કે ‘ના, મારું પેટ ભરેલું છે’ અથવા ‘હું પછી ખાઈશ’ - જેથી ફ્રેન્ડ્સ વચ્ચે ના પાડતી વખતે બાળક કન્ફ્યુઝ ન થાય અને કૉન્ફિડન્સથી કહી શકે. સાથે જ ઘરમાં પૉઝિટિવ અને રિલૅક્સ્ડ વાતાવરણ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે બહારના પ્રેશર સામે લડવાની તાકાત બાળકને ઘરના સ્ટેબલ એન્વાયર્નમેન્ટમાંથી મળે છે. જે બાળકો ઘરમાં ફૂડ બાબતે શેમિંગ કે રિસ્ટ્રિક્શન ફીલ કરે છે તેઓ બહાર જઈને ઍડ્સ અને ફ્રેન્ડ્સની વાતોમાં જલદી આવી જાય છે. તેથી બાળકોને જન્ક-ફૂડ વગરની દુનિયામાં રાખવા કરતાં જન્ક-ફૂડથી ભરેલી દુનિયામાં પણ સાચી ચૉઇસ કરતાં શીખવવું વધુ બેટર છે.’
પેટ ભરેલું તો ક્રેવિંગ ઓછું
બાળકનો રોજિંદો આહાર કેવો હોવો જોઈએ જેથી તેનું પેટ ભરેલું રહે અને જન્ક-ફૂડ ખાવાની ઇચ્છા ઘટે? એ વિશે વાત કરતાં ક્લિનિકલ ડાયટિશ્યન ચાંદની સંઘવી કહે છે, ‘બાળકના રોજના ખોરાકમાં શાકભાજી, ફળો, પ્રોટીન અને સારાં કાર્બોહાઇડ્રેટ્સનું યોગ્ય સંતુલન હોવું જોઈએ. એની સાથે થોડું હેલ્ધી ફૅટ્સ પણ ઉમેરવી જોઈએ. ભોજનમાં માત્ર સાદા પૌંઆ, ઢોસા કે બ્રેડ-જૅમ આપવાને બદલે દાળ, રાજમા, છોલે, પનીર, ટોફુ, દહીં, બેસન કે મગની દાળના પૂડલા જેવો પ્રોટીનયુક્ત ખોરાક દરેક વખતે આપવો જોઈએ. ઓટ્સ, ઘઉં, લાલ કે કથ્થઈ ચોખા, જુવાર-બાજરી જેવાં અનાજ; દલિયા, શક્કરિયાં અને બટાટા આપવાં જોઈએ. આ ઉપરાંત પેટ લાંબો સમય ભરેલું રહે એ માટે શાકભાજી, ફળો, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ દ્વારા ફાઇબર આપવું જરૂરી છે. વાલીઓ માટે સૌથી મોટો સંદેશ એ છે કે જન્ક-ફૂડ સાવ બંધ કરાવવાને બદલે ઘરના જમવાને વધુ સ્વાદિષ્ટ અને મન ભરાય એવું બનાવવું જોઈએ. બાળકને જ્યારે પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફૅટ્સવાળો પૌષ્ટિક આહાર મળશે ત્યારે બહારનું ખાવાની ઇચ્છા આપોઆપ ઓછી થઈ જશે. તેને ભાણામાં શું અને ક્યારે આપવું એ ભલે મમ્મી નક્કી કરે, પરંતુ પોતાની ભૂખ પ્રમાણે કેટલું ખાવું એ બાળકને જ નક્કી કરવા દેવું જોઈએ અને પ્લેટ પૂરી કરવા માટે ક્યારેય દબાણ ન કરવું જોઈએ.’
જન્ક-ફૂડના હેલ્ધી હોમમેડ વિકલ્પો
બાળકોને જન્ક-ફૂડ ખાવાની જે મજા આવે છે એને ધ્યાનમાં રાખીને ઘરમાં જ બનાવી શકાય એવા કેટલાક સ્વાદિષ્ટ, આકર્ષક અને પૌષ્ટિક વિકલ્પો વિશે વાત કરતાં ચાંદની સંઘવી કહે છે, ‘હેલ્ધી ફૂડ બાળકો માટે ક્યારેય બોરિંગ ડાયટ-ફૂડ જેવું ન લાગવું જોઈએ, કારણ કે બાળકો હંમેશાં ક્રન્ચ, વાઇબ્રન્ટ કલર્સ, ફૅમિલિયર શેપ્સ અને મસ્ત ફ્લેવર્સ તરફ અટ્રૅક્ટ થાય છે. આ માટે હોમમેડ ફૂડમાં બહાર જેવો જ લુક અને ટેસ્ટ રાખીને એમાં પ્રોટીન, ફાઇબર અને વેજિટેબલ્સને સ્માર્ટલી ઍડ કરવાં જોઈએ. મેંદાના પીત્ઝાને બદલે ઘઉંનો નાનો પીત્ઝા બનાવીને એના પર ઘણાંબધાં શાકભાજી અને માપસર ચીઝ આપી શકાય. પૅકેટવાળા નાચોસની જગ્યાએ રોટલીને ત્રિકોણ કાપીને, શેકીને હોમમેડ સાલ્સા કે ચીઝ ડીપ સાથે સર્વ કરી શકાય તેમ જ પૅકેટવાળા પૉપકૉર્નની જગ્યાએ ઘરે જ મનપસંદ મસાલા નાખીને તાજા પૉપકૉર્ન બનાવી શકાય. નૂડલ્સ બનાવતી વખતે નૂડલ્સ ઓછા રાખીને એમાં પનીર, ટોફુ અને રંગબેરંગી શાકભાજી ઉમેરી શકાય જેથી ફાઇબર અને પ્રોટીન વધી જાય. મેંદાની ફ્રૅન્કીને બદલે રોટલીનો રોલ બનાવી શકાય જેમાં પનીર, મકાઈ, શાકભાજી અને યોગર્ટ ડીપ ભરી શકાય. આવા નાના-મોટા ફેરફારોથી બાળકની ખાવાની ઇચ્છા પણ સંતોષાશે અને સાચું પોષણ પણ મળશે.’
રિવૉર્ડની સાથે જન્ક-ફૂડને ન જોડો
સામાન્ય રીતે આપણે ત્યાં બાળકની કોઈ પણ સક્સેસને ઊજવવાની વાત આવે ત્યારે જન્ક-ફૂડ યાદ આવે છે. કોઈનોય બર્થ-ડે છે તો ઘરઘરાઉ પાર્ટીમાં પણ જન્ક-ફૂડ જ રાખીએ છીએ. ઘણી વાર પેરન્ટ્સ બાળકને જન્ક-ફૂડ ખાતું રોકતું માટે એનો જ પ્રલોભન તરીકે ઉપયોગ કરે છે એ ખોટું છે. જેમ કે સ્કૂલ-ટેસ્ટમાં આટલા માર્ક્સ આવશે તો આપણે પીત્ઝા-પાર્ટી કરીશું, જો તું આખું અઠવાડિયું થાળીમાં આપેલું બધું પૂરું કરીશ તો રવિવારે તને નૂડલ્સ બનાવી આપીશ. આપણે બાળક જન્ક-ફૂડ ઓછું ખાય એ માટે મૂકેલી આવી શરતો બાળકને જન્ક-ફૂડની વધુ નજીક લઈ જાય છે. તેમને લાગે છે કે જન્ક-ફૂડ તો રિવૉર્ડ છે. સાઇકોલૉજિકલી બદલાવ લાવવો હોય તો આ રિવૉર્ડ-મેકૅનિઝમ ચેન્જ કરવાની જરૂર છે.
બાળક નાનું હોય ત્યારથી જ દરેક સેલિબ્રેશનમાં આપણી પરંપરાગત અને હેલ્ધી આઇટમોનો ચીલો રાખવો જોઈએ. પહેલાંના જમાનામાં દીકરો સારા માર્ક્સ લઈને આવે તો મા કંસાર રાંધતી, હવે ચૉકલેટ કેક બનાવે છે. આ ખોટું છે એવું નથી, પરંતુ બાળમનમાં જે રીતે ફૂડ સાથેનું અસોસિએશન જોડાય છે એ જ ધરમૂળથી ખામીવાળું છે.
