દૂધી ખાવાનું પસંદ ન કરતાં બાળકો અને મોટા લોકો માટે દૂધી હલવા કૅન્ડી એક સ્વાદિષ્ટ અને હેલ્ધી વિકલ્પ છે. ઘરે સરળતાથી બનાવી શકાય તેવી આ રેસીપી ચોક્કસ અજમાવો.
દૂધીનો હલવો
દૂધી હલવા કૅન્ડી
સામગ્રી :
ADVERTISEMENT
૧ મોટું બાઉલ ખમણેલી દૂધી (અંદાજે ૫૦૦થી ૭૫૦ ગ્રામ), ૩૦૦ ગ્રામ દૂધ, સાકર સ્વાદ મુજબ, ૪-૫ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, ૧ કપ ઘરની મલાઈ અથવા ફ્રેશ ક્રીમ, ૨-૩ ટેબલસ્પૂન ઘી, જરૂર મુજબ ચૉપ કરેલાં કાજુ અને કિસમિસ, અડધી ટીસ્પૂન ઇલાયચી પાઉડર
બનાવવાની રીત :
દૂધીની છાલ કાઢીને સારી રીતે ધોઈ લો. પછી એને ખમણીને વધારાનું પાણી નિચોવી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો અને એમાં ખમણેલી દૂધી ઉમેરીને આઠથી ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપ પર સાંતળો. હવે એમાં દૂધ અને સાકર ઉમેરીને સતત હલાવતા રહો. દૂધ બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવો. ત્યાર બાદ એમાં મલાઈ (અથવા ફ્રેશ ક્રીમ) અને મિલ્ક પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ ઘી છોડવા લાગે અને કડાઈની બાજુઓ છોડે ત્યાં સુધી સતત હલાવતા રહો. અંતે કાજુ, કિસમિસ અને ઇલાયચી પાઉડર ઉમેરીને એક વાર મિક્સ કરી લો.
હલવા કૅન્ડી બનાવવાની રીત :
કૅન્ડી અથવા આઇસક્રીમના મૉલ્ડમાં સૌથી પહેલાં થોડા ચૉપ કરેલા કાજુ ભરો. પછી તૈયાર હલવાનું મિશ્રણ ભરીને એમાં આઇસક્રીમ સ્ટિક લગાવો. એને પંદરથી ૨૦ મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકો. સેટ થઈ જાય પછી મૉલ્ડમાંથી બહાર કાઢીને સર્વ કરો.
ખાસ ટિપ : જે બાળકો અને મોટા લોકો દૂધી ખાવાનું પસંદ કરતાં નથી તેમના માટે આ દૂધી હલવા કૅન્ડી એક મજેદાર અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. દૂધીના પૌષ્ટિક ગુણોથી ભરપૂર આ કૅન્ડી દેખાવમાં આકર્ષક અને સ્વાદમાં લાજવાબ છે.
